ગુજરાત(Gujarat): બોરસદ(Borsad)ના કિંખલોડ રવિપુરા સીમ વિસ્તારમાં બુધવારના રોજ સાંજે શાળાએથી છૂટ્યા બાદ 12 વર્ષનો કિશોર બોર ખાવા માટે ગયો હતો અને ત્યાં ઝટકા મશીન(Zatka Machine)ના સંપર્કમાં આવતાં જ તેનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. સમગ્ર બનાવ અંગે વાત કરવામાં આવે તો, કિંખલોડ-રવિપુરા સીમ વિસ્તારમાં અનિલ પ્રવિણભાઈ ઠાકોર રહે છે અને તે રવિપુરા પ્રાથમિક શાળામાં સાતમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો. બુધવારના રોજ સાંજે સ્કૂલેથી છૂટ્યા પછી તે તેના ઘરે ગયો હતો અને ત્યાર બાદ સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં તે પહોચ્યો હતો.
ખેતરમાં પહોંચીને તે બોર ખાવા માટે જતો હતો. દરમિયાન, ઊભો પાક બચાવવા જતાં ખેતરમાલિક દ્વારા તેમની ખેતરની ફરતે લોખંડના તારની વાડ બનાવવમાં આવી હતી અને વાડમાં ડાયરેક્ટ કરંટ આપીને ઝટકા મશીન મુકવામાં આવ્યું હતું. જોકે, આ બાળક તેના સંપર્કમાં આવતાંની સાથે જ તે ત્યાં જ ઢળી પડ્યો હતો અને તેનું મોત થયું હતું. આ અંગેની જાણ આજુબાજુના વિસ્તારોમાં થતાં લોકોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. હાલમાં તો આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
મહત્વનું છે કે, સીમ વિસ્તારોમાં ઊભા પાકને જાનવરોના ત્રાસથી બચાવવા માટે મોટાભાગના ખેડૂતો ખેતરની ફરતે લોખંડની વાડ બનાવતા હોય છે અને તેમાં ઝટકા મશીન મુકવામાં આવતું હોય છે. પરંતુ સામાન્ય રીતે મશીનમાં તેઓ દ્વારા ડાયરેક્ટ સપ્લાય લેવામાં આવતું હોય છે. જેને કારણે તેના સંપર્કમાં જો કોઈ જાનવર આવે તો તેનું મોત થતું હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોટાભાગના ખેડૂતો ઝટકા મશીનને રાત્રિના સમયે જ્યારે અવર-જવર ઓછી થાય ત્યારે ચાલુ કરવામાં આવતું હોય છે અને વહેલી સવારે બંધ કરી દેતા હોય છે. પરંતુ આ ખેતરમાલિક દ્વારા સાંજે પાંચ વાગ્યે જ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. આ સાથે જ મશીનમાં સાયરન વાગે તે પણ બગડી ગયું હતું. જેને કારણે જ્યારે કિશોર સંપર્કમાં આવ્યો ત્યારે સાયરન પણ વાગ્યું નહોતું અને કરંટ લાગવાને કારણે ત્યાં જ કિશોર ઢળી પડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.