ગુજરાતની બજારોમાંથી મળી આવ્યું ચાઈનીઝ લસણ! માર્કેટ યાર્ડમાં લસણના સોદા બંધ થયા, જાણો વિગતે

Chinese Garlic in Gujarat: ઉપલેટાના ચાઈનીઝ લસણથી ગત સપ્તાહે સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં વિવાદના વંટોળ ઊભા થયા હતા. જે વિવાદ થમવાનું નામ નથી લઈ રહ્યો. આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં લસણનું કામકાજ બંધ છે. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઉપલેટાથી ચાઈનીઝ લસણ (Chinese Garlic) ઘુસાડવામાં આવ્યું હતુ. ચાઈનીઝ લસણ મામલે વિરોધ થતાં રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં આજે લસણના સોદા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

ભારતમાં ટનબંધ લસણ ઠાલવી દીધું
કેન્દ્રના પ્રતિબંધ છતાં ભાજપના જ નેતા જેના ચેરમેન છે તે ગોંડલ યાર્ડમાં 750 કિલો ચીનનું લસણ કોણ લાવ્યું અને યાર્ડના સત્તાધીશોએ કેમ લાવવા દીધું તે અંગે પણ સવાલ ઉઠયો છે. ઉપલેટાના ગોડાઉનમાં પણ ચાઈનીઝ લસણ પકડાયાની વાતો વહેતી થઈ છે. વેપારીઓને શંકા છે કે ભારતના પ્રતિબંધને અવગણીને ચીને વાયા અન્ય દેશથી ભારતમાં ટનબંધ લસણ ઠાલવી દીધું છે.

ગોંડલમાં ચાઈનીઝ લસણની આવકના ઘેરા પ્રત્યાઘાત પડ્યા
એક બાજું માર્કેટિંગ યાર્ડમાં લસણ મુદ્દે કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે બીજી બાજુ ચાઈનીઝ લસણ મુદ્દે ખેડૂતોમાં પણ ભારોભાર નારાજગી અને રોષ છે. તેમજ ગોંડલમાં ચાઈનીઝ લસણની આવકના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. રાજકોટ સહિતના માર્કેટયાર્ડમાં લસણનો વેપાર બંધ છે.

માર્કેટયાર્ડમાં લસણની હરાજી કરવામાં આવશે નહિ. ખેડૂતોને યાર્ડમાં લસણ ભરીને ન આવવા અપીલ કરાઇ છે. વાત એમ છે કે ગત સપ્તાહે ઉપલેટાના ખેડૂત ચાઈનીઝ લસણ વેચવા લાવ્યા હતા. ગોંડલમાં આવેલા ચાઇનીઝ લસણને લઈ રાજકોટમાં પણ લસણની હરાજી બંધ રહેશે.

ભારતના લસણની વિશ્વભરમાં માંગ
રાજકોટ યાર્ડ કમિશન એજન્ટ એસો.એ જણાવ્યા મૂજબ ચીનનું લસણ મોટા કદનું હોય છે પરંતુ, તેનો સ્વાદ અને ગુણવત્તા નબળા છે તેથી ભારતના લસણની વિશ્વભરમાં માંગ રહે છે. ચીનથી વાયા અફઘાનિસ્તાન ભારતમાં આ લસણ ડમ્પ કરાયાની આશંકા છે. સરકારી તંત્ર જાગે તે માટે આજે સૌરાષ્ટ્રના વેપારીઓ યાર્ડમાં લસણની હરાજી સંપૂર્ણ બંધ રાખીને વિરોધ નોંધાવશે તેમજ દેશના અન્ય લસણ પકવતા યાર્ડમાં પણ વિરોધ દર્શાવાશે.