કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ઘમાસાણ: આટલા હથિયારધારી આતંકવાદીઓ થયા ઠાર

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં શુક્રવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં સૈનિકોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. માર્યા ગયેલા આતંકીઓ હિઝબુલ મુજાહિદ્દીનના હતા. આ એન્કાઉન્ટર અવંતીપોરાના પંપોર વિસ્તારના ખ્રેવમાં થયું હતું. પંપોર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી અને એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ પહેલા ગુરુવારે જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં થાનમંડી વિસ્તારમાં એન્કાઉન્ટર થયું હતું. આ દરમિયાન, સેના તરફથી એક આતંકવાદી માર્યો ગયો હતો. સેનાના જુનિયર કમિશન્ડ ઓફિસર એન્કાઉન્ટરમાં શહીદ થયા હતા.

ગુરુવારે રાત્રે શ્રીનગરના સરાફ કદલ વિસ્તારમાં સુરક્ષા દળો પર આતંકવાદીઓએ કરેલા ગ્રેનેડ હુમલામાં બે પોલીસ સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓએ જૂના શહેરના સરાફ કદલ ખાતે રાત્રે 9:20 વાગ્યે સુરક્ષા દળોના વાહન પર ગ્રેનેડ ફેંક્યો હતો. આ ઘટનામાં બે પોલીસ અને એક નાગરિક ઘાયલ થયા છે.

આ ઉપરાંત, આતંકની વધુ એક ઘટના ગુરુવારે બની હતી. જમ્મુ અને કાશ્મીર અપની પાર્ટીના નેતા ગુલામ હસન લોનની કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. જેકેએપી નેતાને આતંકવાદીઓ દ્વારા તેમના વતન દેવસરમાં ગોળી મારવામાં આવી હતી. ગંભીર રીતે ઘવાયેલા ગુલામ હસન લોનને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *