‘ભારત સ્વચ્છતા લીગ’ અંતર્ગત ડુમસ બીચ ખાતે SMC દ્વારા યોજાયું સફાઈ અભિયાન- વરસાદી માહોલમાં કરી સાફ સફાઈ

Cleanliness campaign held at Dumas Beach in Surat: સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રાજ્યમાં ૧૫ સપ્ટેમ્બરથી ૧૫ ઓકટોબર દરમિયાન ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ યોજાઈ રહી છે, જે સંદર્ભે સુરતના ડુમસ બીચ ખાતે મેયર દક્ષેશભાઈ માવાણીની ઉપસ્થિતિમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ‘ભારત સ્વચ્છતા લીગ’ અંતર્ગત સફાઈ અભિયાન (Cleanliness campaign held at Dumas Beach in Surat) યોજાયું હતું. જેમાં મહાનુભાવો, સામાજિક સંસ્થાઓ, અગ્રણીઓ અને જાગૃત્ત નાગરિકો વરસાદી માહોલમાં ડુમસ બીચની સાફ સફાઈ કરી હતી. અહીં સુરતીઓ ગીતસંગીતના તાલે ઝૂમી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા હતા.

આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે, ભારત સ્વચ્છતા લીગ અંતર્ગત શહેરને સ્વચ્છ અને સુંદર રાખવાની કવાયત વધુ અર્થસભર અને ફળદાયી નીવડે તે માટે શહેરમાં સ્વચ્છતા અભિયાનને વેગવંતુ બનાવવામાં આવ્યું છે. ભારતભરમાં સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટનું રોલ મોડેલ બની રહ્યું છે. દેશમાં ડાયમંડ સિટી, સિલ્ક સિટી, બ્રિજ સિટી તેમજ ઓર્ગન ડોનેર સિટી તરીકે જગવિખ્યાત સુરત શહેર સ્વચ્છતામાં દેશમાં બીજા ક્રમે છે. સુકા અને ભીના કચરાના વર્ગીકરણ બાદ પ્રોસેસિંગ અને ટેકનોલોજીના ઉપયોગ થકી સુરતને ઝીરો વેસ્ટ સિટીની ઓળખ મળી રહી છે, ત્યારે સુરતને સ્વચ્છ, સુઘડ અને હરિયાળું બનાવવા આહ્વાન કર્યું હતું.

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં સહભાગી થઈને જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટે શહેરના તમામ મહત્વના અને જાહેર સ્થળો, આઈકોનિક ઐતિહાસિક સ્મારકો, હેરિટેજ સ્થળો, જાહેર બાગબગીચાઓ, પ્રવાસન સ્થળો, ધાર્મિક સંસ્થાઓ, અભયારણ્યો, નદી કિનારે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી વિવિધ સંસ્થાઓ, વેપારી સંગઠનો તેમજ સેવાભાવી સંસ્થાઓને સ્વચ્છ અને સ્વસ્થ ભારતના નિર્માણ માટે સહિયારા પ્રયત્નો કરવા મેયરશ્રીએ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘ભારત સ્વચ્છતા લીગ’ના ભાગરૂપે વડાપ્રધાનશ્રીએ હાથ ધરેલી સ્વચ્છતા ઝુંબેશ આજે બાળકો, યુવાઓ, વડીલોને પ્રેરણા આપી રહી છે, અને સૌ દેશવાસીઓ દેશને સ્વચ્છ બનાવવા સ્વચ્છતા આગ્રહી બની રહ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે, સુરત મહાનગરપાલિકા સ્વચ્છતાના ક્ષેત્રે નવા આયામો રચી રહી છે. સુએઝ વેસ્ટ વોટર ટ્રીટ કરતું સુરત શહેર સમગ્ર દેશમાં આ ક્ષેત્રે પ્રથમ ક્રમ ધરાવે છે. ઝીરો વેસ્ટ મેનેજમેન્ટના અભિગમ સાથે ‘કોઈ પણ વેસ્ટ એ વેસ્ટ નહીં, પણ રિસોર્સ છે’ એ ધ્યાને રાખીને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાંના સુરત મનપાના પ્રયત્નો રહ્યા છે. વેસ્ટ વોટરને ટ્રીટ કરી વિવિધ ઈન્ડસ્ટ્રીઝને વેચાણ કરી સુરત મનપા વાર્ષિક 145 કરોડની આવક મેળવે છે, ગુજરાતમાં સૌ પ્રથમવાર પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટમાં સુરત મનપાએ ખજોદની ડિસ્પોઝલ વેસ્ટ સાઈટ ક્લીયર કરીને ઉત્તમ ઉદાહરણરૂપ કોર્પોરેશન બન્યું છે. તેમણે રોજિંદા વપરાશમાં શક્ય એટલું પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા, ભીના અને સુકા કચરાને વિભાજીત કરવાની ટેવ પાડી સ્વચ્છતા ઝુંબેશમાં સામેલ થવા શહેરીજનોને અનુરોધ કર્યો હતો.

ડુમસ બીચ ખાતે ‘ભારત સ્વચ્છતા લીગ’ શહેરના વિવિધ એનજીઓના સહયોગથી વેસ્ટમાંથી બેસ્ટ પ્રોડ્કટસ, વોટર હાર્વેસ્ટિંગ, લોટ્સ બોટલ આર્ટ, ગ્રીન ગણેશા, રિયુઝેબલ પ્રોડ્કટસનું પ્રદર્શન તેમજ નિદર્શન સહિત વિવિધ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડે.મેયર નરેન્દ્રભાઈ પાટીલ, સ્થાયી ચેરમેન રાજનભાઈ પટેલ, શાસક પક્ષ નેતા શશીકલાબેન, કોર્પોરેટરો, મનપાના અન્ય પદાધિકારી- અધિકારીઓ, વિવિધ સમિતિના સભ્યો, તથા મોટી સંખ્યામાં સ્વચ્છતા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *