સુરતના અમરોલી નજીક આવેલી અંજની ઇન્ડસ્ટ્રીયલમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ઉડિયા ભાષામાં અલગ અલગ જગ્યાઓ પર પોસ્ટર લગાવીને ભાવ વધારાની માગણી કરી છે અને કર્મચારીઓ પર જાણે જીવનું જોખમ હોય તે પ્રકારની ધમકી આડકતરી રીતે આપવામાં આવી છે. ત્યારે અંજની ઇન્ડસ્ટ્રીયલના હોદ્દેદારો દ્વારા પોલીસની મદદ માગવામાં આવી છે અને કર્મચારીઓમાં દર વર્ષે આ પ્રકારે ભયનો માહોલ ફેલાવનારા ઈસમો સામે કડક કાર્યવાહીની માગણી કરવામાં આવી છે.
સુરત શહેરના અમરોલી વિસ્તાર નજીક અંજની ઇન્ડસ્ટ્રીયલમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. સુરતને શાંતિપ્રિય સુરત કહેવામાં આવે છે અને ધંધાની વાત હોય તો સુરતને મીની ભારત તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે અલગ અલગ રાજ્યમાંથી આવેલા લોકોને સુરત રોજગારી આપે છે અને તેમાં પણ ખાસ ટેક્સટાઇલ ઉદ્યોગ પરપ્રાંતીઓને ખૂબ વ્યાપક પ્રમાણમાં રોજગારી આપનારો ઉદ્યોગ છે. ત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા અંજની ઇન્ડસ્ટ્રીયલના વેપારીઓને હાલ કેટલાક પરપ્રાંતીય અસામાજિક તત્વોના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અમરોલી નજીક આવેલા અંજની ઇન્ડસ્ટ્રીયલમાં છેલ્લા ચાર દિવસથી કાપડનું ઉત્પાદન કાર્ય બંધ છે અને આ ઉત્પાદન કાર્ય બંધ હોવાનું પાછળ કારણ એવું છે કે કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઉડિયા ભાષામાં અલગ અલગ જગ્યા ઉપર બેનરો લગાવીને ભાવ વધારાની માગણી કરવામાં આવી છે. એક પ્રકારે કર્મચારી પર જીવનું જોખમ હોવાની ધમકી પણ આડકતરી રીતે આ પોસ્ટરમાં લખવામાં આવી છે. દર વર્ષે દિવાળીનો તહેવાર આવે અને તે પહેલાં જ આ પ્રકારના પોસ્ટરો અંજની ઇન્ડસ્ટ્રીયલમાં લાગતા હોય છે અને તેને જ લઈને અંજની ઇન્ડસ્ટ્રીયલમાં કામ કરતા કર્મચારીમાં ભયનો માહોલ ફેલાય છે.
છેલ્લા સાત વર્ષથી ઉડિયા ભાષામાં જે પોસ્ટરો લાગે છે તેમાં કોઈ વખતે ગુપ્તાંગ કાપવાની ધમકી તો કોઈ વખતે શરીરના અંગો કાપવાની ધમકી લખવામાં આવે છે. ત્યારે આ વર્ષે ભાવ વધારાની સાથે જીવનું જોખમ હોવા બાબતની ધમકી પણ આ પોસ્ટરમાં લખવામાં આવી છે. તો બીજી તરફ અંજની ઇન્ડસ્ટ્રીયલના હોદ્દેદારો દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને પોલીસમાં રજૂઆત કરવામાં આવી છે કે તેમને પૂરતી સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવે. અંજની ઇન્ડસ્ટ્રીયલના હોદ્દેદારોની રજૂઆતને લઈને પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અંજની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પોલીસની એક ટીમને અંજની ઇન્ડસ્ટ્રીયલમાં જ તહેનાત કરવામાં આવી છે. જેથી કરીને કર્મચારીઓમાં જે ભયનો માહોલ ફેલાયો છે તે દૂર થાય અને ફરીથી ઉત્પાદન કાર્ય શરૂ થાય.
અંજની ઇન્ડસ્ટ્રીયલના હોદ્દેદાર વિજય માંગુકિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દર વર્ષે આ પ્રકારની મુશ્કેલીનો સામનો અહીંયાના ઉદ્યોગકારોને કરવો પડી રહ્યો છે. કેટલાક ઈસમો ભયનો માહોલ ફેલાવવા માટે પોલીસની નજરમાં ન આવે તે પ્રકારની ચોકસાઈ રાખીને અલગ અલગ ભાષામાં દર વર્ષે પોસ્ટરો લગાવતા હોય છે. દર વર્ષે દિવાળી પહેલા પોસ્ટરો લગાવીને ભાવ વધારાની માગણી કરવામાં આવતી હોય છે પરંતુ આ અસમાજિક તત્વોએ આ વર્ષે અલગ રીત અપનાવી છે અને નવરાત્રી પહેલા એટલે કે દિવાળીના દોઢ મહિનાનો સમય બાકી છે ત્યારે ઉડિયા ભાષામાં આ પોસ્ટરો લગાવીને કર્મચારીઓમાં ભયનો માહોલ ફેલાવ્યો છે અને આના જ કારણે કોઈ કર્મચારી કામ પર આવવા માટે તૈયાર નથી અને એટલા માટે જ અમે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આ બાબતે રજૂઆત કરવાના છીએ કે અંજની ઇન્ડસ્ટ્રીયલમાં ભયનો માહોલ ફેલાવી રહેલા આ ઈસમો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App