આજે બુધવારે મુખ્યમંત્રી CM ભુપેન્દ્ર પટેલ અને રાજ્યના મંત્રીમંડળની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા છે. જેમાં ઉચ્ચ શિક્ષણના નોન FRC અભ્યાસક્રમોમાં ખાનગી કોલેજ-યુનિવર્સીટીમાં પ્રવેશ મેળવતા SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ માં મોટો વધારો કરવામાં આવ્યો છે.
કેબીનેટમાં નિર્ણય કરાયો છે કે, SC કેટેગરીના અંદાજિત 6 હજાર વિદ્યાર્થીઓ માટે રૂ.12 કરોડ અને ST કેટેગરીના 12 હજાર જેટલા વિદ્યાર્થીઓ માટે રૂ.24 કરોડની વધારાની જોગવાઈ કરવામાં આવશે. ગુજરાત રાજ્યમાં આ વર્ષે ચણાનું મબલખ ઉત્પાદન થયું હોવાથી ચણાની ટેકાના ભાવે વધારાની ખરીદી માટે કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે.
ગુજરાત રાજ્યના વિવિધ વિભાગોમાં એકસૂત્રતા જળવાય અને ત્વરિત કામો હાથ ધરી શકાય તેવા હેતુસર માર્ગ-મકાન વિભાગ દ્વારા જન સુખાકારીના વિકાસ કામો માટે નવા SOR બનાવાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પહેલા સવારે ગુજરાતના ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી પર રાજ્ય સરકાર દ્વારા સહાય વિતરણ કાર્યક્રમનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો. ગાંધીનગરમાં રાજ્યના કૃષિ મંત્રી-રાજ્ય મંત્રીઓની ઉપસ્થિતીમાં પ્રતિકરૂપે 33 ધરતીપુત્રોને 1.84 લાખ સહાય અર્પણ થઇ હતી. આ સ્માર્ટફોન સહાય યોજનાના પ્રારંભમાં જ રાજ્યના 5911 ખેડૂતોને સ્માર્ટ ફોન સહાય વિતરણ અન્વયે 3.37 કરોડ રૂપિયાની સહાય રકમ ચૂકવાઈ હતી. રાજ્યમાં ડ્રોન ટેક્નોલોજીનો કૃષિ ક્ષેત્રે ઉપયોગ-સ્વસ્થ તંદુરસ્ત જનજીવન માટે પ્રાકૃતિક ખેતી-ઝીરો બજેટ ખેતીને વ્યાપક પ્રોત્સાહન આપીએ છીએ તેવી વાત પણ મુખ્યમંત્રી એ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.