એક સ્વેટરથી કામ નહીં ચાલે! ગુજરાતમાં 6 દિવસ ઠંડી ભૂક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી

Gujarat Cold Forecast: ગુજરાતમાં દિવસેને દિવસે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. સવારે અને સાંજે ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડા પવનો ફુંકાવાના (Gujarat Cold Forecast) કારણે લોકો ઠુંઠવાઈ રહ્યા છે. રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્યા પછી ઠંડી વધી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી દિવસોમાં હાડ થીજવતી ઠંડીની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

માઉન્ટ આબુમાં પારો ગગડીને માઈનસ 3 ડિગ્રી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી તાપમાનમાં કોઈ પણ બદલાવની સંભાવના નથી. કાશ્મીરમાં થયેલી હિમવર્ષાની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. જેના કારણે રાજ્યમાં કડકડતી ઠંડી જોવા મળી રહી છે.રાજ્યમાં લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતાં લોકો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.

ઉત્તર અને ઉત્તર-પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા પવન ફૂંકાઈ રહ્યા છે. આજે 6.5 ડિગ્રી સાથે કચ્છનું નલિયા વધુ એકવાર સૌથી ઠંડુ શહેર રહ્યું છે. ગુજરાતની સાથે માઉન્ટ આબુમાં પણ પારો ગગડીને માઈનસ 3 ડિગ્રી થઈ જતાં ઠેર ઠેર બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. ક્રિસમસ વેકેશનની મજા માણવા આવેલા પ્રવાસીઓ માઈનસ તાપમાનમાં પણ મોજ માણતા જોવા મળી રહ્યા છે.

કોલ્ડવેવ અને માવઠાની કોઈ આગાહી નથી
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, કચ્છ – સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. આ ઉપરાંત કોલ્ડવેવ અને માવઠાની કોઈ આગાહી નથી. નોંધનીય છે કે, રાજ્યના વિવિધ શહેરમાં પવનની ગતિ સામાન્યથી વધુ રહેતા દિવસભર ઠંડકનો અહેસાસ થયો હતો. હવામાન નિષ્ણાતોએ ઉત્તરાયણ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવામાનમાં પલટા સાથે વરસાદ થવાની આગાહી કરી છે. જ્યારે 4થી 8 જાન્યુઆરી દરમિયાન ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.

જાણો આજે રાજ્યના શહેરોનું લઘુત્તમ તાપમાન
હવામાન વિભાગે સોમવારે ઠંડીના આંકડાની આપેલી માહિતી પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં ડીસામાં 9.6, ગાંધીનગરમાં 10.6, ભુજમાં 10.8, રાજકોટમાં 11, અમદાવાદમાં 13 ડિગ્રી, પોરબંદરમાં 14.6, વડોદરામાં 15.2 ડિગ્રી, દ્વારકામાં 16, સુરતમાં 18.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે રવિવારે નલિયામાં 5.6 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન સૌથી નીચું નોંધાયું હતું. આ સાથે અમદાવાદમાં 15, વડોદરામાં 17.8, ભાવનગરમાં 14.5, ભુજમાં 10.4, ડીસામાં 13, ગાંધીનગરમાં 14, દ્વારકામાં 14.4, જામનગરમાં 14.9, રાજકોટમાં 9.3, સુરતમાં 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું હતું કે, રાજ્યના કોઈપણ જિલ્લામાં હાલ કોલ્ડવેવની શક્યતા નથી. ગુજરાત પર હાલ ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી ઠંડા બર્ફિલા પવનો આવી રહ્યા છે, તેની દિશા આગામી દિવસોમાં બદલાઈને પૂર્વ તરફથી આવવાની સંભાવના છે.