રાજ્યમાં ધીરે-ધીરે વધી રહ્યું છે ઠંડીનું જોર; ઠંડીનો પારો જશે 15 ડિગ્રીથી નીચે, જાણો તમારા શહેરનું તાપમાન

Gujarat Cold Forecast: નવેમ્બર મહિનો પુરો થવાના આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતમાં ઠંડીએ પોતાનું સ્વરૂપ દેખાડ્યું છે. ઠંડીએ જોર પકડતાં લોકો ઠુંઠવાયા છે. ઠંડા પવનો ફૂંકાતા કડકડતી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. ગુજરાતમાં 15 ડિગ્રીની આસપાસ (Gujarat Cold Forecast) લઘુતમ તાપમાન નોંધાયું છે. જોકે,નલિયામાં 13.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

13.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું
હવામાન વિભાગે જાહેર કરેલા ઠંડીના આંકડા પ્રમાણે મંગળવારે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 15 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં 13.8 ડિગ્રીથી લઈને 22.8 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તપામાન નોંધાયું હતું. નલિયામાં 13.8 લધુત્તમ તાપમાન નોંધાયું હતું. જે ગુજરાતનું સૌથી નીચું તાપમાન હતું. જ્યારે ઓખામાં 22.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં આગામી દિવસોમાં હજી પણ ઠંડી વધશે
ઉત્તર ભારત અને ગુજરાતને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુ ઉપર બરફ પડતા તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. માઉન્ટ આબુમાં તાપમાન માયનસમાં પહોંચતા જ ગુજરાતમાં પણ તાપમાનનો પારો ગગડી રહ્યો છે. આગામી દિવસોમાં ગુજરાતમાં ઠંડીનો પારો હજી પણ નીચે જશે જેના પગલે ઠંડી વધશે.

અંબાલાલ પટેલે ઠંડીને લઈ કરી મોટી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ડિસેમ્બર મહિનામાં વાદળછાયું વાતાવરણ રહેશે. 28થી 29 નવેમ્બર અને ડિસેમ્બરની શરુઆતમાં લઘુતમ તાપમાન વધવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં 17 ડિગ્રી તાપમાન રહેશે. ઉતર ગુજરાતમાં 15 ડિગ્રી જેટલું તાપમાન રહેતા ઠંડી રહી શકે. કચ્છના ભાગોમાં લઘુતમ તાપમાન 18 ડિગ્રી ઉપર અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેવાની શક્યતા છે.

ગાત્રો થીજવતી ઠંડી 22 ડિસેમ્બર બાદ આવી શકે
પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં લઘુતમ તાપમાન 20 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહેવાની શક્યતા રહે. રાજ્યના ઘણા ભાગોમાં 28 નવેમ્બરથી ડિસેમ્બરની શરુઆત સુધીમાં વાદળોના કારણે ઠંડી ઓછી અનુભવાય તેવી આગાહી કરી છે. ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરની શરુઆતમાં ઠંડા પવનો ફુંકાશે.જેના કારણે ગાત્રો થીજવતી ઠંડી 22 ડિસેમ્બર બાદ આવી શકે.