દક્ષીણ ગુજરતમાં આવેલ સુરત શહેરના રાંદેર રોડ ખાતે નવયુગ કોલેજ નજીક આજે વહેલી સવારે એક દૂર્ઘટના ઘટી છે. રાંદેરમાં આવેલા નિલાંજન એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ તૂટી પડતાં ત્રણ ફસાયા હતા. વહેલી સવારે બનેલી આ ઘટના બાદ ફાયર અને 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ રેસ્ક્યૂ કરી કાટમાળ નીચે દબાયેલા ત્રણને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, હોસ્પીટલમાં સારવાર દરમ્યાન ત્રણેયને મૃત જાહેર કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ એપાર્ટમેન્ટ જર્જરિત હોવાને કારણે ખાલી કરાવાયેલું હતું. જોકે, મજૂરી કામ કરીને રાત્રે પરત ફરેલ આ બિલ્ડિંગની નીચે સૂતેલા ત્રણ શ્રમજીવીએ પોતાનો જીવ ખોયો છે.
મળતી માહિતી અનુસાર, સુરત મનપાની ઘોરબેદરકારી સામે આવી રહી છે. આ જર્જરિત બિલ્ડિંગને ત્રણ વર્ષ પહેલા જ ખાલી કરાવી દેવાનું જણાવવામાં આવ્યું હતું. આ સાથે બિલ્ડરને પણ બિલ્ડિંગ પાડવાની નોટિસ આપી દેવામાં આવી હતી. પરંતુ ઇમારત જેમની તેમ જ રહેવા દીધી હતી. હાલ આ બિલ્ડીંગે ત્રણ લોકોનાં ભોગ લીધા બાદ તંત્ર સફાળુ જાગ્યું છે. હાલ મોટી સંખ્યામાં અહીં પોલીસનો કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો છે. સમગ્ર ઘટના બાદ બિલ્ડિંગનાં બિલ્ડર વિજય શાહ સામે ત્રણ લોકોના મોત વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બિલ્ડર વિજય શાહ જીવરાજ ચાના માલિક છે. નોંધનીય છે કે, જર્જરિત ઇમારતમાંથી રહેતા લોકોને ખાલી કરાયા હતા પરંતુ અહીં નીચેનાં માળમાં બેથી ત્રણ દુકાનો ચાલુ હતી.
4 વાગ્યાના અરસામાં ધડાકાભેર ગેલેરી તૂટી પડીઃ નજરે જોનાર જિતેન્દ્રભાઈ
સમગ્ર ઘટના નજરે જોનાર જિતેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, વહેલી સવારે લગભગ 4 વાગ્યના અરસામાં ધડાકાભેર અવાજ આવતાં ઊંઘ ઊડી ગઈ હતી. બહાર નીકળીને જોતાં સામે આવેલી નિલાંજન એપાર્ટમેન્ટની પહેલા માળની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો. દોડીને ઘટના સ્થળે જતા બે જણને લોકોની મદદથી બહાર કાઢ્યા હતા. તાત્કાલિક ફાયર અને 108ને જાણ કરતાં તેઓ પણ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાર બાદ ફરી એક જણની બચાવો બચાવોની બૂમો સંભળાતાં ફાયરના જવાનોએ એકને રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યો હતો.
જિતેન્દ્રભાઈએ વધુમાં જણાવ્યું હતું કે આ બિલ્ડિંગ લગભગ 50 વર્ષ જૂનું કહી શકાય છે અને 9 મહિના પહેલાં SMCએ ખાલી કરાવ્યું હતું. આ એપાર્ટમેન્ટમાં નીચે બંધ દુકાન બહાર શ્રમજીવીઓ સૂતા હતા, જે પૈકીના ત્રણ દબાઈ ગયા હતા. એટલું જ નહીં, રાત્રે ભારે વરસાદને કારણે મોટા ભાગના શ્રમજીવીઓએ આ જગ્યા પરથી બીજે આશ્રય લીધો હતો, નહિતર મોટી દુર્ઘટના થઈ શકી હોત એ વાતને નકારી શકાય નહીં.
આ ત્રણનાં દબાઈ જવાથી મોત:
અનિલચંદ્ર નેપાળી (ઉં.વ.35), જગદીશચંદ્ર ચૌહાણ (ઉં.વ.45), રાજુ અમૃતલાલ મારવાડી (ઉં.વ.40)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle