ગુજરાતના જામખંભાળીયા કસ્ટોડિયલ ડેથના કેસમાં તે સમયે IPS સંજીવ ભટ્ટને કોર્ટે ગુનેગાર ઠેરવીને આજીવન કેદની સજા આપી હતી. સંજીવ ભટ્ટ સહિત બીજા પોલીસ અધિકારીઓ સામે પણ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હાલ સંજીવ ભટ્ટ પાલનપુર જેલમાં બંધ છે. કસ્ટોડિયલ ટોર્ચરના ફરિયાદી મહેશ ચિત્રોડાને હાઇકોર્ટ વકીલ મારફત સોંગદનામું દાખલ કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે. પહેલા કોર્ટમાં મૌખિક રીતે આ ફરિયાદીએ મારે ફરિયાદ પાછી લેવી છે તેમ કહ્યું હતું. જેથી કોર્ટે એફીડેવીટ કરવા કહ્યું હતું.
પૂર્વ આઇ.પી.એસ. અધિકારી સંજીવ ભટ્ટ સામે વર્ષ ૧૯૯૦માં જામનગર જિલ્લામાં નોંધાયેલી કસ્ટોડિયલ અત્યાચારની ફરિયાદો પૈકીની એક ફરિયાદ પરત ખેૅચવા ફરિયાદીએ હાઇકોર્ટ સમક્ષ મૌખિક રજૂઆત કરી હતી, જો કે તેના બે દિવસ બાદ ફરિયાદીએ યુ-ટર્ન લીધો છે અને ફરિયાદ પરત ન ખેંચવાનો નિર્ણય કર્યો છે. જેથી હાઇકોર્ટે ટકોર કરી હતી કે આવી વર્તણૂકને હળવાશથી ન લઇ શકાય અને આ મુદ્દે દંડ (કોસ્ટ) થવો જોઇએ.
મહેશ ચિત્રોડા દ્વારા ખાનગી ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવી હતી . જેના રદ કરવા સંજીવ ભટ્ટે હાઇકોર્ટમાં પિટિશન કરી છે. બે દિવસ પહેલાંની સુનાવણી દરમિયાન ફરિયાદીએ ફરિયાદ પરત ખેંચવાની તૈયારી દર્શાવી હતી અને હાઇકોર્ટ આ અંગે સોગંદનામા પર રજૂઆત કરવા કહ્યું હતું. જો કે અરજદારે ત્યારબાદ રજૂઆત કરી હતી કે તેઓ ફરિયાદ પરત ખેંચવા માંગતા નથી. પરિવાર સાથે આ મુદ્દે ચર્ચા બાદ તેમણે નિર્ણય બદલવાનું નક્કી કર્યું છે.
જામનગર જિલ્લાના જામખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ઓક્ટોબર-1990 માં સંજીવ ભટ્ટ જામનગરના એડિશનલ એસ.પી. હતા ત્યારે રાયોટિંગના ગુનામાં ૧૩૩ લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ કેસમાં થયેલા કસ્ટોડિયલ ટોર્ચરમાં પ્રભુદાસ વૈષ્નાણી નામની વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને તે કેસમાં સંજીવ ભટ્ટને દોષિત ઠેરવી આજીવન કેદની સજા કરવામાં આવી છે. આ ઘટના બાદ મહેશ ચિત્રોડા દ્વારા ખાનગી ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
સંજીવ ભટ્ટ 1988માં પોલીસ સેવામાં જોડાયા હતા, તેઓ ગુજરાત કૅડરના આઈપીએસ હતા. તેઓ એક સમયે નરેન્દ્ર મોદીની ‘ગુડબુક્સ’માં આવતા અધિકારી તરીકે પણ ઓળખાતા હતા, પણ 2002 પછી તેમણે અમદાવાદમાં સાબરમતી જેલમાં ફરજ બજાવી હતી.
કહેવાય છે કે ત્યાં કેદીઓ વચ્ચે તેમની લોકપ્રિયતા એટલી હતી કે તેમની બદલી થઈ ત્યારે કેદીઓએ હડતાળ કરી હતી. જોકે, ત્યાર બાદ તેમને જૂનાગઢમાં પોસ્ટિંગ આપવામાં આવી હતી. તેઓ સૌથી વધુ ચર્ચામાં ત્યારે આવ્યા, જ્યારે તેમણે 2002ના રમખાણો બાબતે નરેન્દ્ર મોદી પર આરોપ મૂક્યા. ત્યાર બાદ તેઓ સતત નરેન્દ્ર મોદી વિરુદ્ધ તેમની ટિપ્પણીઓને લઈને ચર્ચામાં રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.