હાલમાં દેશના ચાર રાજ્યોની ચૂંટણી ની મોસમ ચાલી રહી છે ત્યારે રાજસ્થાનના અલવર જિલ્લાની રામગઢ વિધાનસભા સીટના કોંગ્રેસ ઉમેદવાર સાફિયા ખાને એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સાફિયા ખાન લોકોને સંબોધિત કરતા ચૂંટણી જીતવા માટે ‘સામ દામ દંડ ભેદ’ને અપનાવી અને ચૂંટણી જીતવા માટે જરૂર પડે તો કોઇનું માથું ફોડવાની પણ વાત કહી હતી. આ વીડિયોમાં સાફિયા એવું પણ કહે છે કે બીજેપીવાળા અફવાહો ફેલાવે છે. એટલા માટે તમારે અફવાહો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં જવાબ આપવો પડશે.
આ વીડિયોમાં કોંગ્રેસ ઉમેદવાર લોકોને કહી રહ્યા છે કે, તમારે ચૂંટણી જીતવા માટે સામ દામ દંડ ભેદ કંઇ પણ કરવું પડે તો કરો. કોઇનું માથું ફોડવાનું થાય તો પણ ફોડી નાખો, જે પણ કરવું પડે તે કરો પરંતુ ચૂંટણી જીતવાની છે. આ ચૂંટણી સાફિયાની નહીં પરંતુ તમારી છે. તેમણે એટલે સુધી કહી દીધું કે, બુથ ઉપર સાંજે સાત વાગ્યા સુધી રહેવાનું છે.
સમર્થકોને સાફિયાએ કહ્યું કે, બીજેપીવાળા આવશે અને કહેશે કે આ હિન્દુઓની છોકરીઓ ભગાવીને લઇ ગયા પરંતુ તેમની વાતો પર ધ્યાન દેતા નહીં. કોઇ પણ પરિસ્થિતિમાં ચૂંટણી જીતવાની છે. વીડિયોમાં સમર્થકો સાથે વાત કહેતા તેમનો બીજેપીના સ્થાનિક ઉમેદવારનો ડર સ્પષ્ટ દેખાઇ રહ્યો છે. તેઓ કહી રહ્યા છે કે બીજેપીના ઉમેદવાર ક્ષત્રિય છે એટલા માટે થોડું સંભાળીને કામ કરજો.
અત્રે ઉલ્લેખનીય છે કે, સાફિયા ખાન કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ અને રામગઢના પૂર્વ ધારાસભ્ય જુબેર ખાનના પત્ની છે. બે વખત ચૂંટણી હારવાના કારણે જુબેરની ટિકીટ કાપીને તેમની પત્નીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.