રાજકોટ અગ્નિકાંડને લઈ કોંગ્રેસનો વિરોધ: રોડ ચક્કાજામ કરતા ટીંગાટોળી સાથે કાર્યકરોની કરી અટકાયત

Congress Protest: રાજકોટમાં અગ્નિકાંડને લઈને વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટમાં TRP ગેમ ઝોનમાં બનેલી આગની ઘટનાના કોઈ નક્કર પગલા ન લેવાતા અને જવાબદાર મોટા માથાનાને બચાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે આજે કોંગ્રેસે પોલીસ(Congress Protest) કમિશનર કચેરીનો ઘેરાવો કરી વિરોધ કરી રહ્યા છે.

જેમાં પોલીસ અને રેલી કરનાર કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પોલીસે કાર્યકર્તાઓને ટીંગાટોળી કરી  તમામ લોકોની અટકાય કરવાનું શરૂ કરાયું છે. જો સરકાર દ્વારા રજૂઆત પર ધ્યાન નહિ દેવામાં આવે તે આગામી 25 જૂને રાજકોટ બંધની ચીમકી કોંગ્રેસે ઉચ્ચારી છે.

કોંગ્રેસના ગુજરાતના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા, જિજ્ઞેશ મેવાણી, વિમલ ચુડાસમા સહિતના નેતાઓ પોલીસ કમિશનર કચેરી પહોંચી કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જે બાદ જિલ્લા પંચાયત ચોક અને પોલીસ કમિશનર કચેરીનાં રોડ પર ચક્કાજામ કરાયો હતો. પોલીસ દ્વારા બહુમાળી ચોકથી જિલ્લા પંચાયત ચોકનો રસ્તો બંધ કરાયો હતો.

બહુમાળી ભવન ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી પોલીસ કમિશ્નર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. આ રેલીમાં કોંગ્રેસના ગુજરાતના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા, જિજ્ઞેશ મેવાણી, વિમલ ચુડાસમા સહિતના નેતાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. સીટના વડા સુભાષ ત્રિવેદીને બદલાવવાની માગ સાથે પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

ત્યારે આ મામલે વિપક્ષ દ્વારા સરકાર સામે ઘણા આક્ષેપો કર્યા હતા. જેમાં સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે રાજકોટ પોલીસ કમિશનરને મળી તેમને વિગતથી માહિતગાર કર્યા છે. જેમાં ખાસ જણાવ્યું છે કે અગાઉ જે રાજકોટ મ્યુ. કમિશનર હતા, તેમને તપાસ સોંપવામાં આવે તે યોગ્ય નથી. જેના નેજા હેઠળ ભ્રષ્ટાચાર થયો હોય તેવા જ અધિકારી તપાસ કરે તો સત્ય બહાર આવી શકે નહીં. ગુજરાત પોલીસ વિભાગમાં જેનું સારું નામ છે. તેમજ જેના પર લોકોને વિશ્વાસ છે, તેવા અધિકારીને તપાસ સોંપવી જોઈએ.