સી આર પાટીલની જગ્યાએ કોણ બનશે ભાજપ પ્રદેશ પ્રમુખ? કોઈએ વિચાર્યું નથી એવા નેતાનું નામ આવ્યું સામે

Gujarat BJP State President: નરેન્દ્ર મોદીએ ગત રવિવારે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા. રાજનાથ સિંહ, અમિત શાહ, જેપી નડ્ડા અને અન્ય ઘણા નેતાઓએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. જેપી નડ્ડા નવી સરકારમાં જોડાતાની સાથે જ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની(Gujarat BJP State President) ચર્ચા શરૂ થઈ ગઈ છે. જેપી નડ્ડા કેન્દ્રીય કેબિનેટમાં સામેલ થવાથી ભાજપે પાર્ટીના નવા અધ્યક્ષની પસંદગી કરવી પડશે. છેલ્લી બે ટર્મમાં રાષ્ટ્રીય અધ્યક્ષોની નિમણૂકમાં પાર્ટીની પેટર્ન રહી છે.

2014માં તત્કાલિન રાષ્ટ્રપતિ રાજનાથ સિંહ કેન્દ્રીય મંત્રી બન્યા ત્યારે તેમના પછી અમિત શાહને પાર્ટીની કમાન મળી હતી. અમિત શાહ 2019 માં કેન્દ્રીય પ્રધાન બન્યા પછી જૂન 2019 માં જેપી નડ્ડાને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ જાન્યુઆરી 2020માં પૂર્ણ-સમયના અધ્યક્ષ બન્યા હતા.

સીઆર પાટીલનો મંત્રી મંડળમાં સમાવેશ થતા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનું પદ ખાલી થયું. CR પાટીલ કેન્દ્રમાં મંત્રી બનતા નવા અધ્યક્ષની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે કેટલાક નામ ચર્ચામાં છે. જે પાટીલની જગ્યાએ ગુજરાત ભાજપની કમાન સંભાળી શકે છે.

પ્રદેશ અધ્યક્ષ તરીકે ક્ષત્રિય સમીકરણ સેટ થશે?
અત્યાર સુધીનો ભાજપનો મોટાભાગનો ઇતિહાસ એમ કહી રહ્યો છે કે જ્યારે પણ પાટીદાર મુખ્યમંત્રી હોય તેવા સંજોગોમાં ક્ષત્રિય સમાજમાંથી પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે છે ત્યારે જો આ વખતે પણ ક્ષત્રિય સમાજમાંથી પ્રદેશ અધ્યક્ષ બનાવાય તો ભાજપના અનુભવી ચહેરામાંથી પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ કેબિનેટ મંત્રી ઈન્દ્રવિજયસિંહ જાડેજાના નામ પર કળશ ઢોળાઈ શકે છે.

પ્રદીપસિંહ જાડેજા: પ્રદીપસિંહ જાડેજાનું નામ પણ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ બનવાની રેસમાં છે. પ્રદીપસિંહ જાડેજા સરકાર અને સંગઠન બન્નેમાં કામ કરી ચુક્યા છે. હાલ સાઇડ લાઇન છે. જે રીતે ક્ષત્રિયો નારાજ થયા હતા તેની અસર 2027 પહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ના પડે તે માટે પ્રદીપસિંહ જાડેજાને પક્ષ અજમાવી શકે છે.

જગદીશ વિશ્વકર્મા: જગદીશ વિશ્વકર્માનું નામ પણ ચર્ચામાં છે અને તેઓ ઓબીસી ચહેરો છે. તે પહેલા પોતાની અટક પંચાલ લખતા હતા પણ પાછળથી વિશ્વકર્મા લખતા થયા છે. અમિત શાહની નજીક મનાય છે. સરકાર અને સંગઠનમાં કામ કરી ચુક્યા છે. હાલ રાજ્ય સરકારમાં મંત્રી છે.

દેવુંસિંહ ચૌહાણ: દેવુંસિહ ચૌહાણને પણ ઓબીસી ચહેરા તરીકે તક મળી શકે છે. ભાજપ હાઇકમાન્ડે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રથી કેન્દ્રમાં મંત્રી બનાવ્યા છે પણ મધ્ય ગુજરાતને સ્થાન મળ્યું નથી. દેવુંસિંહ ચૌહાણ પહેલા રાજ્યકક્ષાના મંત્રી હતા પણ આ વખતે તેમની બાદબાકી કરાઇ છે. દેવુંસિંહને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ માનવામાં આવે છે સાથે જ અમિત શાહના યશમેન તરીકે ગણવામાં આવે છે.