રાજ્યમાં ભાજપ સરકારના શાસનની નિષ્ફળતા ઉજાગર કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આયોજિત જનસંપર્ક અભિયાનના ભાગરૂપે આજે મહિલા સુરક્ષા અભિયાન અન્વયે રાજ્યવ્યાપી ધરણાં-રેલી અને દેખાવ યોજીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી આજરોજ તાપી જિલ્લામાં ઉચ્છલ ખાતે યોજાયેલ મહિલા સુરક્ષા અભિયાનમાં હાજર રહ્યા હતા અને રાજ્યની ભાજપ સરકારની ઉજવણીની આકરી આલોચના કરી હતી.
વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, રાજયમાં કાયદો અને વ્યવસ્થા ભાંગીને ભુક્કો થઈ ગઈ છે. રાજયની અસંવેદનશીલ ભાજપ સરકારના રાજમાં મહિલાઓ સુરક્ષિત નથી ત્યારે રાજ્ય સરકાર ઉત્સવોના નામે તાયફાઓ કરવામાં વ્યસ્ત છે અને લાજવાને બદલે ગાજી રહી છે. ભારત દેશમાં નારીની શક્તિસ્વરૂપે પૂજા થાય છે ત્યારે ગાંધી અને સરદારના ગુજરાતમાં મહિલાઓના સ્વાભિમાનનું રક્ષણ કરવામાં ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે.
આજે ભૂખમરાના કારણે મહિલાઓમાં કુપોષણનું પ્રમાણ સતત વધતું જાય છે. સ્વાસ્થ્ય-સુરક્ષાના અભાવે માતાની કૂખેથી જન્મતા બાળકોમાં મૃત્યુદરનું પ્રમાણ પણ સતત વધતું જાય છે. રાજ્યમાં એક તરફ મહિલા જીવન જીવવા, તેના સ્વાભિમાનનું રક્ષણ કરવા સંઘર્ષ કરી રહી છે ત્યારે બીજી તરફ ગુંડારાજના કારણે સગીર દીકરીઓને ભગાડી જવામાં લુખ્ખાઓ સફળ થાય છે. મહિલાઓ પર સામુહિક બળાત્કારના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે મહિલાઓનું રક્ષણ કરવામાં ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે.
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, મોંઘવારી, બેકારી, અત્યાચાર, બળાત્કાર, કુપોષણ, ભ્રષ્ટાચાર વગેરે મુદ્દાઓને લઈને ગુજરાતની બહેનો આજથી એક વર્ષ સુધી તેમના દિલ્હીમાં બેઠેલા ભાઈને દર્દભર્યા પત્રો લખીને મહિલા સુરક્ષાના જે પ્રશ્નો છે તે સતત ઉઠાવશે તેનો મને સંપૂર્ણ વિશ્વાસ છે. સુતેલી ભાજપ સરકાર જો મહિલાઓની વેદનાને વાચા નહીં આપે અને એની સમસ્યાનું સમાધાન નહીં કરે તો આવતા દિવસોમાં આ જ ગુજરાતની નારીશક્તિ નારાયણી બનીને ભાજપના સત્તાના અહંકારને કચડશે અને ગરીબ-ગામડા-ખેડૂતની સરકાર બનાવશે તેવો વિશ્વાસ શ્રી પરેશ ધાનાણીએ વ્યક્ત કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.