છોકરીએ પોલીસને ધંધે લગાડ્યા, મદદ કરવા પહોંચ્યા ત્યારે કહ્યું, ‘આ તો Tik Tok પર મજાક હતી’

Published on: 7:59 am, Sat, 29 December 18

અમદાવાદ: ગાંધીનગરમાં રહેતી કિશોર વયની છોકરીનો જીવ બચાવવા માટે શહેરના સાયબર સેલે કલાકો ચિંતામાં વિતાવ્યા અને ગાંડાની જેમ તેના ઘર તરફ ગાડીઓ દોડાવી. આ છોકરીએ ટિક ટોક નામની એક એન્ડ્રોઈડ એપ પર હતાશાભર્યો વીડિયો પોસ્ટ કર્યો હતો.

વીડિયોમાં છોકરી પોતાના બંગલાના ધાબાની પાળી પર બેઠેલી દેખાય છે અને બેકગ્રાઉન્ડમાં પંજાબી સેડ સોન્ગ ‘તેનું જિંદગી સમજી, તુ મોત કી વજહ બન ગઈ’ વાગતું હતું.

સાયબર સેલ પણ કામે લાગ્યું

સર્વિસ પ્રોવાઈડર્સે આ વીડિયો જોતાં જ તાત્કાલિક અમદાવદ શહેર પોલીસ કમિશ્નર એ.કે. સિંહને ફોન કર્યો. DCP રાજદીપસિંહ ઝાલાએ કહ્યું, “જે IP એડ્રેસ પરથી વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો તે ટ્રેસ કરવાની સૂચના પોલીસ કમિશ્નરે સાયબર સેલને આપી.” પોલીસ સબ ઈન્સ્પેક્ટર મહિપાલસિંહ શિણોલ અને તેની ટીમને આ કામગીરી સોંપાઈ.

‘આ તો માત્ર મજાક હતી’

સાયબર સેલના સીનિયર અધિકારીએ કહ્યું, “તપાસ કરતાં IP એડ્રેસ ગાંધીનગરનું હોવાનું માલૂમ થયું. પોલીસની ટીમ તાત્કાલિક ગાંધીનગર જવા રવાના થઈ.

જ્યારે પોલીસ છોકરીના ઘરે પહોંચી ત્યારે તેણે કહ્યું કે, ‘આ ફક્ત મજાક હતી, આટલી ગંભીરતાથી લેવાની જરૂર નહોતી.’ અમે છોકરીના માતા-પિતા સાથે વાત કરી અને તેમને આવા વીડિયો પોસ્ટ કર્યા બાદ આવતા પરિણામો વિશે સમજાવ્યું.”

શું છે ટિક ટોક?

ડીસીપી ઝાલાએ કહ્યું કે, “આ કેસનો લેખિત રિપોર્ટ શહેર પોલીસ કમિશ્નરને સબમિટ કરાવ્યો છે. ટિક ટોક એવી એપ્લિકેશન છે જેમાં સબસ્ક્રાઈબર કોઈપણ બેકગ્રાઉન્ડ મ્યૂઝિક સાથે વીડિયો અપલોડ કરી શકે છે.

મોટાભાગે આ એપ યંગસ્ટર્સ વાપરે છે. અમને ખુશી છે કે અમે ત્વરિત આઈપી એડ્રેસ ટ્રેસ કરીને ત્યાં પહોંચી શક્યા. કોઈની જિંદગી બચાવવાની હોય ત્યારે અમે જે-તે સ્થળે પહોંચવામાં પાછા પડતાં નથી.”