ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના(Corona)નું સંક્રમણ એક બે નહિ પરંતુ 5 ગણી ઝડપે વધી રહ્યું છે અને આ સંક્રમણમાં હવે વિદ્યાર્થીઓ પણ બાકી રહ્યા નથી કારણ કે, મોટી સંખ્યામાં શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સંક્રમિત થવાના બનાવો ખુબ જ વધી રહ્યા છે. ત્યારે હવે સુરત જિલ્લામાં આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટી(Uka Tarsadiya University)માં એક સાથે 57 વિદ્યાર્થીઓને કોરોના પોઝીટીવ આવતા વાલીઓ પણ દોડતા થઇ ગયા છે.
કોરોનાના વધતા સંક્રમણમાં હવે વિદ્યાર્થીઓ પણ ઝડપથી સંક્રમિત થઇ રહ્યા છે. તેવામાં વિદ્યાર્થીઓને કોરોનાથી કેવી રીતે બચાવવા તે અંગે સૌથી મોટો સવાલ ઉદભવી રહ્યો છે. રાજ્યમાં વિદ્યાર્થીઓ માટે રસીકરણ પણ શરૂ થઈ ગયું છે ત્યારે સુરતના બારડોલી ઉકા તરસાડીયા યુનિવર્સિટીના 479 વિદ્યાર્થીઓમાંથી 57વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર પણ દોડતું થઈ ગયું છે.
વાલીઓ સહિત સમગ્ર પંથકમાં ફફડાટ મચી જવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીમાં હાલમાં જ 82 વિદ્યાર્થીઓના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં 14 વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા હતાં. જે બાદ 479 વિદ્યાર્થીઓમાંથી 170 વિદ્યાર્થીઓના રેપીડ ટેસ્ટ કરવામાં આવતા કોલેજ અને હોસ્ટેલ મળી આંકડો એકસાથે 57 સુધી પહોંચી જતા હાહાકાર મચી જવા પામ્યો છે. જેથી વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં ક્વોરોન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.
ગુજરાતમાં કોરોના ધીમે ધીમે ખુબ જ વકરી રહ્યો છે. કોરોના ગાઇડલાઇનનું પાલન કરવુ અત્યંત આવશ્યક છે પરંતુ 3 હજારથી પણ વધારે કેસો રાજ્યમાં કોરોનાના નોંધાઇ રહ્યા છે. જે કેસોને જોતા કહી શકાય કે રાજ્યમાં કોરોનાના નિયમોને લોકો ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે. વધતા કેસને મુદ્દે કદાચ સરકાર કોરોનાની નવી ગાઇડલાઇન આજ સાંજ સુધીમાં જાહેર કરી શકે છે. તેમજ કેટલાક નિયમોમાં બદલાવ લાવીને કડક નિયમો પણ લાદવામાં આવી શકે છે. હાલમાં રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી જે કર્ફ્યૂ છે તેના સમયમાં વધારો થઇ શકે છે.
રાજ્યમાં લાગુ થઇ શકે છે આ કડક નિયમો:
મેટ્રો શહેરમાં રાત્રી કર્ફ્યુ ની અવધિ વધારી શકાય છે. ધોરણ એક થી આઠના વર્ગોને ઓનલાઇન કરી શકાય છે. તમામ સાર્વજનિક સ્થળો પર કડક નિયંત્રણો લાગુ થઈ શકે. આવનારા તહેવાર પર લાગી શકે છે ગ્રહણ. સામાજિક મેળાવડા પર લાગી શકે છે પ્રતિબંધ. થિયેટર અને પાર્ક થઇ શકે છે બંધ. ચાની કીટલી અને પાનના ગલ્લા પણ થઈ શકે છે બંધ. લગ્ન સમારોહમાં લોકોની સંખ્યા ઘટાડી શકાય છે. બ્યુટી પાર્લર 50% ક્ષમતા સાથે ખુલ્લા રહી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.