અમદાવાદમાં IPL ફીવર: GT અને MI મેચની ટીકીટ લેવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ઉમટ્યા ક્રિકેટ રસિકો…

GT vs MI IPL 2024: આઈપીએલ 2024ની શરુઆત થઇ ગઈ છે.ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે IPLની ત્રણ મેચ રમાવાની છે. 24 અને 31…

GT vs MI IPL 2024: આઈપીએલ 2024ની શરુઆત થઇ ગઈ છે.ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે IPLની ત્રણ મેચ રમાવાની છે. 24 અને 31 મી માર્ચ તથા 4 એપ્રિલના રોજ મેચ યોજાવાની છે, ત્યારે તેના પગલે ક્રિકેટરસિકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટિકિટ લેવા માટે સ્ટેડિયમ(GT vs MI IPL 2024) પર સવારથી જ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યાં છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 24 માર્ચ, 31 માર્ચ અને 4 એપ્રિલના રોજ મેચ રમાવાની છે. મેચ હોવાને પગલે 70 ટકાથી ઉપર ટિકિટનું બુકિંગ થઈ ચૂક્યું છે. માત્ર ગુજરાતના અમદાવાદ, રાજકોટ, સુરત જ નહીં, પરંતુ ગોવા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જેવાં રાજ્યોનાં વિવિધ શહેરોમાંથી પણ લોકો મેચ જોવા માટે અમદાવાદ આવી પહોંચ્યા છે.ત્યારે આ મેચને લઈને તકેદારીના ભાગરૂપે ટ્રાફિક પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવ્યા મુજબ, આ ત્રણ દિવસ દરમિયાન જનપથ-ટીથી મોટેરા સ્ડેટિયમ મુખ્ય ગેટ થઈને કૃપા રેસિડન્સી થઈ મોટેરા સુધીનો જતો આવતો રસ્તો વાહનોની અવરજવર માટે બંધ રહેશે.

હાર્દિક પંડ્યા અને રોહિત શર્માની ટી-શર્ટની લોકો કરી રહ્યા છે ખરીદી
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સના ક્રિકેટ પ્લેયરોની ટી-શર્ટ અને ટોપીનું ધૂમ વેચાણ શરૂ થયું છે. એક ટી-શર્ટના 200 રૂપિયાથી લઈ 300 રૂપિયા અને ટોપીના 100 રૂપિયાથી 150 રૂપિયામાં વેચાણ થઈ રહ્યું છે. સૌથી વધારે હાર્દિક પંડ્યા અને રોહિત શર્માની ટી-શર્ટની લોકો ખરીદી કરી રહ્યા છે.

AMTS દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રૂટ પર વધારાની બસો ફાળવી
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ નિહાળવા આવતા ક્રિકેટ પ્રેમીઓને હાલાકી ના પડે, તે હેતુસર અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા આ રૂટ પર 68 બસ ફાળવવામાં આવી છે. જે મેચના દિવસે સવારે 6 વાગ્યાથી રાતે 1 વાગ્યા સુધી આ રૂટ પર દોડશે. આ બસની સુવિધા શહેરના નહેરુનગર, ઈસ્કોન ચાર રસ્તા અને નારોલથી મળશે.

આજથી પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ બંને ટીમો મેચ રમવા અમદાવાદ આવી પહોંચી છે. આજે શનિવારે સાંજે ચાર વાગ્યા બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમ નેટ પ્રેક્ટિસ કરશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર આજથી જ પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બપોર બાદ નેટ પ્રેક્ટિસના સેશનના પગલે અન્ય કોઈપણ વ્યક્તિને આઈકાર્ડ વગર પ્રવેશ આપવા દેવામાં આવશે નહીં.