આ સમયે કાળા ચણાનું વાવેતર કરવાથી ખેડૂતોને મળી શકે છે બમ્પર ઉત્પાદન, સામાન્ય ચણા કરતાં છે વધારે પૌષ્ટિક!

Black Gram Cultivation: આપણા દેશમાં ઉગાડવામાં આવતા વિવિધ કઠોળ પાકોમાં વિસ્તારની દષ્ટીએ ચણા અગત્યનું સ્થાન ધરાવે છે. તેથી ચણા એ કઠોળ પાક્નો રાજા તરીકે ઓળખાય છે.ચણા એ ઠંડી અને સૂકી પરિસ્થિતિમાં થતો પાક છે જે પાણીની ખેંચ (Black Gram Cultivation) અને ઓછી માવજત સામે ટકી શકે છે. ગુજરાત જેવા પ્રદેશો કે જયાં ઠંડીનું પ્રમાણ અને ઠંડીના દિવસો ઓછા છે, ત્યાં સાડા ત્રણથી ચાર મહિનામાં પાકી જતો આ પાક ઉતર પ્રદેશ, પંજાબ અને હરિયાણા જેવા રાજયમાં વધારે સમય લે છે.ત્યારે નવેમ્બરની શરૂઆતમાં જ ખેડૂતો કાળા ચણાની ખેતી કરવાની તૈયારીમાં છે, જે તેમને વધુ નફો આપી શકે છે.

ગુજરાતના ખેડૂતો માટે ચણાનો પાક ફાયદાનો સોદો
ચણાનો પાક મુખ્યત્વે પંચમહાલ, જૂનાગઢના વિસ્તારમાં અને અમદાવાદ અને સુરેન્દ્રનગર જીલ્લાના ભાલ વિસ્તારમાં લેવામાં આવે છે. ભાલ અને ઘેડ વિસ્તારમાં ચોમાસામાં પાણી ભરાઈ રહેતું હોવાથી ચોમાસા બાદ શિયાળુ ઋતુમાં સંગ્રહિત ભેજમાં ચણાનો પાક લેવામાં આવે છે. પંચમાહાલ જીલ્લામાં કયારી જમીનમાં ડાંગરનો પાક લીધા બાદ ચણાનું વાવેતર કરવામાં આવે છે.

જમીન અને આબોહવા
ચણાનાપાકને કાળી, મધ્યમ કાળી, મધ્યમ ગોરાડું અને સારી ભેજસંગ્રહ શકિત ધરાવતી જમીન વધુ માફક આવે છે. ક્ષારીય અને નબળી નિતાર શકિત ધરાવતી જમીન માફક આવતી નથી. ચણા પાકને સૂકી અને ઠંડી આબોહવા અનુકૂળ આવે છે. આ પાક હિમ સહન કરી શકતો નથી. વાવણી સમયે 20 થી 30 સે. ઉષ્ણ તાપમાન અનુકૂળ છે. પાકની વૃધ્ધિ અને વિકાસ દરમ્યાન પુરતી ઠંડી ન પડે અને ગરમી વધી જાય તો પાકની વૃધ્ધિ અને વિકાસ બરોબર થતો નથી અને ઉત્પાદન પર માઠી અસર થાય છે. પાકને વરસાદ અને વાદળછાયું વાતાવરણ અનુકૂળ નથી.

જમીનની તૈયારી
જયાં ચણાની ખેતી ગોરાડું, મધ્યમ કાળી જમીનમાં બિનપિયત સંગ્રહિત ભેજ આધારિત કરવી હોય ત્યાં ચોમાસા દરમ્યાન વરસાદના પાણીનો ભેજના રૂપમાં વધુમાં વધુ સંગ્રહ થાય તે જરૂરી છે. આથી જે ખેતરમાં ચણાનો પાક લેવાનો હોય તે ખેતરને સમતલ કરી ફરતે પાળા બાંધવા જેથી ચોમાસા દરમ્યાન પડેલા પાણીનો વધુમાં વધુ સંગ્રહ જમીનમાં થાય. ચોમાસુ પુરૂ થતાં વરાપ આવ્યે જમીનમાં દાંતી-રાપ ચલાવી, નિંદામણ દૂર કરી, જમીન તૈયાર કરી ચણાનું વાવેતર કરવું. ભાસ્મિક જમીનમાં ચણાનું વધુ ઉત્પાદન લેવા માટે ચોમાસું શરૂ થતાં પહેલા એકર દીઠ એક ટન જીપ્સમ અને ૧૦ ટન છાણિયું ખાતર આપવું અને ખેડ કરી જમીનમાં બરોબર ભેળવી દેવું જેથી જમીનની ભૌતિક સ્થિતિ સુધરે છે અને ઉત્પાદન વધારે મળે છે. જયાં ચણાનો પાક પિયત આપીને લેવાતો હોય તેવી જમીનમાં ૮ થી ૧૦ ટન છાણિયું ખાતર નાખી દાંતી-રાપ સમાર ચલાવી જમીન તૈયાર કરવી.

જાતની પસંદગી
સારૂં ઉત્પાદન મેળવવા માટે બીજની પસંદગી એ અગત્યનું પરિબળ છે. ભારતમાં ચણાના મુખ્ય બે પ્રકાર છે. કાબુલી અને દેશી કાબુલી જાતો મોટા દાણાવાળી અને સફેદ હોય છે જેને લાંબા શિયાળા અને તીવ્ર ઠંડીની જરૂર પડતી હોવાથી ગુજરાતમાં તેનું ધાર્યું ઉત્પાદન મળતું નથી ઉતર ભારતમાં ચણા પકવતા રાજયોમાં તે વધુ અનુકૂળ આવે છે. આપણા રાજયોમાં ટુંકો અને હળવો શિયાળો હોવાથી દેશી ચણાની જાતો વધુ અનુકૂળ આવે છે. દેશી ચણા પીળા હોય છે જેનો દાણો કાબુલીની સરખમાણીએ નાનો હોય છે. જમીનનો પ્રકાર અને વાવેતર પરિસ્થિતીને ધ્યાને લઈ નીચે આપેલ જાતોમાંથી યોગ્ય જાત પસંદ કરવી.

કાપણી:
ચણાનો પાક 90 થી 95 દિવસે તૈયાર થયે સમયસર કાપણી કરવી. બિનપિયત વિસ્તારમાં સવારે ચણા હાથથી સહેલાઇથી ઉપાડી શકાય છે.