પાપડીની ખેતીએ આ ખેડૂતના ચમકાવ્યા કિસ્મત! બમણા ઉત્પાદન સાથે કરે છે લાખોની કમાણી

Cultivation of Papadi: કાશીના મરણની જેમ સુરતનું જમણ વખણાય છે. સુરતના જમણમાં ઊંધિયું ફેમસ છે. ત્યારે આ ઊંધિયામાં પાપડીનો ઉપયોગ ભરપૂર થાય છે.જિલ્લાના અંકલેશ્વરના જૂના…

Cultivation of Papadi: કાશીના મરણની જેમ સુરતનું જમણ વખણાય છે. સુરતના જમણમાં ઊંધિયું ફેમસ છે. ત્યારે આ ઊંધિયામાં પાપડીનો ઉપયોગ ભરપૂર થાય છે.જિલ્લાના અંકલેશ્વરના જૂના કાંસીયા ગામમાં મોટા પાયે સુરતી પાપડીનું વાવેતર કરવામાં આવે છે.તો આ ખેતી સાથે સંકળાયેલા લોકો એક વીઘા ખેતરમાં સુરતી પાપડીનું વાવેતર(Cultivation of Papadi) કરે છે.

ખેડૂતો લાંબા સમયથી પાપડીની ખેતી કરે છે
આ અંગે પાપડીનું વાવેતર કરતા લોકોનું કહેવું છે કે,સુરતીઓને પાપડી વગર ચાલતું નથી. તમામ સુરતીઓ વેજ કે નોન-વેજમાં પાપડીનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે અમે આ પાપડીની ખેતી વર્ષોથી કરીએ છીએ. 30 વર્ષ કરતાં વધુ સમયમાંથી અમે પાપડીની ખેતી કરીએ છીએ. અમારી પાપડીનું વેચાણ અમે નવસારી બજારથી કરીએ છીએ, સાથે જ ગ્રાહકોના એડવાન્સ બુકિંગ હોય તો સીધા તેમના ઘર સુધી એની ડિલિવરી પણ કરીએ છીએ.આ ઉપરાંત સુરતની માર્કેટોમાં જથ્થાબંધ ભાવમાં પણ વહેંચણ કરીએ છીએ.

રોજની 20 કિલોથી વધુ પાપડીનું ઉત્પાદન થાય
60 દિવસના ટૂંકા ગાળાનો પાક હોવાથી છોડ પર પાપડી આવવાની શરૂઆત થાય એટલે રોજેરોજ પરિવાર સહિત શ્રમિકોની મદદથી પાપડી ઉતારવામાં આવતી હોઈ છે.શરૂઆતમાં પાપડીના ભાવ સારા મળતા હોય છે.ત્યારે શિયાળામાં ઠંડી પડે એમ પાપડીનું ઉત્પાદન પણ વધે છે અને વેચાણ પણ થતું હોય છે.

ઈયળોથી પાકને બચાવવો પડે
પાપડીની ખેતીમાં પાણીની ઓછી જરૂર પડે છે, સાથે જ પાપડીનો પાક તૈયાર થાય ત્યારે રોજેરોજ એને ઉતારી લેવી પડતી હોય છે. પાપડીના પાકમાં સામાન્ય રીતે માત્ર ઈયળોનો જ ત્રાસ રહેતો હોય છે. ઈયળો સિવાયનો રોગ ખાસ લાગુ પડતો નથી. ઈયળોથી પાકની માવજત કરવી પડતી હોય છે, નહિતર એક રાતમાં સમગ્ર ખેતર સાફ થઈ જતા હોવાના બનાવ પણ બનતા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.

પાપડીની શીંગો પાતળી અને ભરાવદાર હોય
પાપડીને ઊંધિયા પાપડી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જાતનાં ફૂલ સફેદ રંગનાં હોય છે, જ્યારે છોડ અર્ધનિયંત્રિત વૃદ્ધિવાળા હોય છે. શીંગો મધ્યમ લંબાઈની પાતળી ભરાવદાર હોય છે, જેનો રંગ લાલાશ પડતો સફેદ હોય છે. શીંગની છાલ અતિસુંવાળી હોવાથી દાણાનો વિકાસ થયા પછી પણ રેસા વગરની સુંવાળી રહે છે, જેથી શીંગોને છાલ સાથે ટુકડા કરી ઉપયોગમાં લઈ શકાય છે. શીંગમાં ત્રણથી ચાર લાલાશ પડતા સફેદ રંગના મધ્યમ કદના દાણા હોય છે.

વાવણી સમય, અંતર અને પદ્ધતિ
વાલ પાપડીની સામાન્ય રીતે સપ્ટેમ્બર માસ દરમિયાન વાવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે જાતની વૃદ્ધિની ખાસિયત પ્રમાણે બે હરોળ વચ્ચે 0.90થી 1.20 મીટર અને એક હરોળ બે છોડ વચ્ચે 0.50થી 0.75 મીટર અંતર રાખવામાં આવે છે. ખૂબ નિયંત્રિત વૃદ્ધિવાળી જાતો 0.45 મીટર X 0.30 મીટર અંતર રાખી વાવણી કરવામાં આવે છે. આ પાકની ખુલ્લા ખેતરમાં ખેતી કરવામાં આવે છે. એના છોડની વૃદ્ધિ વાલોળની સરખામણીમાં ઓછી હોય છે અર્થાત નિયંત્રિત કે અર્ધનિયંત્રિત વૃદ્ધિવાળો પાક છે, જેથી છોડ જમીન પર આડા પથરાતા હોવાથી આ પાકને ફિલ્ડબીન તરીકે ઓળખવામાં આવે છે.

અપચો થતો નથી
આ જાતમાં અપચો અને ગેસ કરનાર લેક્ટિન જેવાં પોલિફિનોલિક તત્ત્વોનું પ્રમાણ ઓછું હોય છે, જેથી આખી શીંગ તેમજ લીલા દાણા શાકભાજી તરીકે બહોળા પ્રમાણમાં વપરાય છે. આ વાલ પાપડીની મુખ્યત્વે માગ શાકભાજી માટે તેમજ ઊંધિયું બનાવવા માટે રહેતી હોય છે. ઝાલરની સરખામણીમાં આ પાક સુંવાળી હોવાથી વિપરીત પરિસ્થિતિનો પ્રતિકાર કરી શકતી નથી અને પ્રમાણમાં રોગ-જીવાત વધારે આવતા હોય છે. આ પાકની ખેતી અર્ધરવિ પાક પિયત પાક તરીકે કરવામાં આવે છે.

દર 8થી 9 દિવસના અંતરે સુરતી પાપડીનો ઉતારો
દર 8થી 9 દિવસના અંતરે સુરતી પાપડીનો ઉતારો મળે છે. હાલ સુરતી પાપડીનો માર્કેટ ભાવ 20 કિલોના 1,000થી 1,200 રૂપિયા ચાલી રહ્યો છે. તો તેમના ગામની સીમમાં દીપડાનો ત્રાસ વધુ રહેલો છે, જેના કારણે રાત્રે કે, વહેલી સવારે ખેડૂતો ખેતરમાં આવવાનું ટાળે છે. જૂના કાંસીયા ગામમાંથી જ ટેમ્પામાં બધા ખેડૂતોનો તૈયાર થયેલ સુરતી પાપડીનો પાક સુરત ખાતે લઇ જવામાં આવે છે. શિયાળાની સીઝનમાં સુરતી પાપડીની ખેતીમાં બમણું ઉત્પાદન સાથે સારી આવક મળી રહે છે.