‘રેમલ’ નામનું વાવાઝોડું એક નહિ 7 દિવસ મચાવશે કહેર, આ વિસ્તારોમાં ખતરનાક પવન સાથે ધોધમાર વરસાદની આગાહી

Cyclone ‘Remal’: બંગાળની ખાડીમાં બની રહેલું વાવાઝોડું રેમલ બંગાળ તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. તેને જોતા દક્ષિણ 24 પરગણાના તટીય વિસ્તારોમાં ચક્રવાત ચેતવણી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસે દરિયાકાંઠાના વિસ્તારોમાં માઈકીંગ શરૂ કરી દીધું છે, જેથી લોકો દરિયાથી દૂર રહે. બંગાળની ખાડીમાં પ્રી-મોન્સુન સીઝનમાં વારંવાર તોફાનો આવે છે. આ વખતે પણ હવામાન વિભાગે કહ્યું છે કે ચક્રવાતી તોફાન રેમલ 26 મેના રોજ આવશે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી તોફાન રેમલ(Cyclone ‘Remal’) 26 મેના રોજ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બાંગ્લાદેશ સાથે ટકરાશે.

હવામાન વિભાગ દ્વારા માછીમારોને 27 મેની સવાર સુધી ઉત્તર બંગાળની ખાડીમાં દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે. IMDએ જણાવ્યું હતું કે, રવિવારે ચક્રવાતના પ્રભાવ હેઠળ પવનની ગતિ 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. જો કે સારા સમાચાર એ છે કે આ વાવાઝોડાની અત્યાર સુધીની અપડેટ મુજબ ગુજરાત ઉપર કોઈ અસર નહિ. જોકે સંભવિત રીતે સામાન્ય વરસાદ પડી શકે છે.

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત રવિવારે મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે ટકરાશે. બંગાળની ખાડીમાં આ ચોમાસા પહેલાનું એટલે કે પ્રી મોન્સુન આ પ્રથમ ચક્રવાત છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતના નામકરણની સિસ્ટમ અનુસાર તેનું નામ રેમલ રાખવામાં આવશે. આ ચક્રવાત શનિવારે સવાર સુધીમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે અને શનિવારની રાત સુધીમાં વધુ તીવ્ર બનીને ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી તોફાન જમીન પર ત્રાટકે ત્યારે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે કોલકાતા, દક્ષિણ અને ઉત્તર 24 પરગણા, પૂર્વ મેદિનીપુર અને હાવડા જિલ્લામાં 26 અને 27 મેના રોજ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે.

100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
આ સમયગાળા દરમિયાન બંગાળના કેટલાક જિલ્લાઓમાં 80 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે. બંગાળની ખાડીમાં વિકસતું આ વાવાઝોડું 25 મેના રોજ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને 26 મેના રોજ સવારે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળના મિદનાપુર, દક્ષિણ 24 પરગણા, ઉત્તર 24 પરગણામાં આ ચક્રવાતની ભારે અસર પડશે.

કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી:
કેટલાક જિલ્લાઓમાં 25 મેથી 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે અને 26મીએ આ પવનોની ઝડપ 80 થી 100 કિલોમીટરની વચ્ચે રહેશે. આવી સ્થિતિમાં વ્યાપક નુકસાન થવાની આશંકા છે. આ સિવાય હવામાન વિભાગ દ્વારા કોલકાતા, હાવડા, નાદિયા અને ઝારગ્રામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને દરિયામાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26મીએ બાંગ્લાદેશમાં લેન્ડફોલ થયા બાદ પણ પશ્ચિમ બંગાળમાં 27મી સુધી ભારે વરસાદ અને તેજ પવન ચાલુ રહેશે.