ઈસ્કોન મંદિરના પૂજારી પર લાગેલા આક્ષેપમાં દીકરીનો મોટો ઘટસ્ફોટ: ‘મારા માતા-પિતા મને ધમકી આપે છે…’

Ahmedabad ISKCON Temple: અમદાવાદના એસ.જી હાઇવે પર આવેલા જાણીતા ઇસ્કોન મંદિર વિશે હાઇકોર્ટથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઇસ્કોન મંદિર સામે ગુજરાત હાઇકોર્ટમાં એક હેબિયર્સ કોપર્સની અરજી દાખલ કરવામાં આવી છે. અમદાવાદના (Ahmedabad ISKCON Temple) મેઘાણીનગરમાં રહેતા પિતાએ પોતાની દીકરીને લઈને આ અરજી દાખલ કરી છે.તો બીજી તરફ યુવતીએ વીડિયો જાહેર કરીને મોટો ખુલાસો કર્યો છે. આ વીડિયોમાં યુવતીએ પિતાના આક્ષેપને નકારી કાઢ્યા છે અને કહ્યું કે કે મેં મારી મરજીથી લગ્ન કર્યા છે અને ઘણી ખુશ છું. મારા પેરેન્ટ્સ ખોટી ખોટી ફરિયાદ કરે છે. એમ કહેતાં સમગ્ર ઘટનાને એક નવો વળાંક આપી દીધો છે. આ ઉપરાંત માતા-પિતા પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે પેરેન્ટ્સે મારું જીવન નર્ક બનાવ્યું હતું પણ હવે હું ખુશ છું.

એડવોકેટ મારફતે હાઈકોર્ટમાં હોબિયર્સ કોપર્સની અરજી
એડવોકેટ મારફતે અમદાવાદના મેઘાણીનગરમાં રહેતા એક નિવૃત્ત આર્મી મેને ગુજરાત હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સની પિટિશન દાખલ કરી છે. તે અરજીમાં આ મામલે સમગ્ર વિગતે જણાવવામાં આવી છે કે નિવૃત્ત આર્મી મેનને બે દીકરી અને એક પુખ્ત વયનો દીકરો છે. તેમની દીકરીને ભક્તિ ભાવમાં વધારે રસ હોવાથી તે અમદાવાદના એસ.જી હાઇવે પર આવેલી ઇસ્કોન મંદિરમાં જતી હતી. આ મંદિરમાં સુંદર મામા પ્રભુ તેના ગુરુ હતા, તેઓ આ દીકરીઓને કૃષ્ણ લીલાનો બોધ આપતા હતા. નિવૃત્ત આર્મી મેન પિતાને ઇસ્કોન મંદિર ઉપર ખૂબ જ વિશ્વાસ હતો એટલે તેઓ પોતાની દીકરીને ઇસ્કોન મંદિર જવા દેતા હતા.

મંદિરમાં દીકરીઓનું બ્રેઈનવોશ કરાતું હોવાનો આરોપ
અરજીમાં એક આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ઇસ્કોન મંદિરમાં ભક્તિના નામે યુવાન દીકરીઓનું બ્રેઇનબોશ કરવામાં આવે છે. ત્યાં સ્વામી પોતે કૃષ્ણ છે એવું આડંબર કરે છે અને સ્કૂલ મંદિરમાં રહેતી 600 દીકરીને ગોપી હોય જણાવે છે.

યુવતી ઘરેથી દાગીના અને રોકડ લઈને ભાગી
દીકરીના ગુરુ સુંદર મામાએ કહ્યું હતું કે, અરજદારની દીકરી સુંદર અને હોંશિયાર છે. તેથી તેને ઇસ્કોન મંદિરમાં રાખવાની છે. તેના પોતાના શિષ્ય સાથે લગ્ન કરી દો. પરંતુ અરજદાર પોતે રાજપુરોહિત જાતિના હોવાથી બીજી કોઈ જાતિમાં પરણાવવાની ના પાડી હતી. ત્યારબાદ અરજદારને ધમકીઓ મળવા લાગી. અરજદાર પાસે એવી માહિતી મળી છે કે, તેમની દીકરીને ભડકાવીને 23 તોલા સોનું અને 3.62 લાખ રૂપિયા રોકડા લઈને મથુરાના એક શિષ્ય સાથે ભગાડી દેવામાં આવી છે.

પેરેન્ટ ખોટી ફરિયાદ લખાવી રહ્યા છે
વીડિયોમાં યુવતી કહેતી જોવા મળે છે કે મેં મારી મરજીથી લગ્ન કર્યા છે અને ખૂબ જ ખુશ છું. આ લગ્ન માટે 27 તારીખે હું મારી મરજીથી ઘરેથી નીકળી હતી. મારા માતા પિતા પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ લખાવી રહ્યા છે કે હું ઘરેથી દાગીના વગેરે લઈને ભાગી છું તે ખોટું છે. હું બાય ફ્લાઇટ આવી છું ત્યાં ચેકિંગ સમયના સીસીટીવી ફૂટેજ જોઈ શકો છો, તેમાં સ્પષ્ટ દેખાઈ જશે કે હું ઘરેથી શું-શું સામાન લઈને ભાગી છું.

આ લગ્નથી ખુશ છું, મારી મરજી લગ્ન કર્યા છે
મે મહિનાના અંતમાં તેમણે મને ખૂબ મારી હતી અને જેથી મદદ માટે હું મારા એક મિત્રના ઘરે જતી રહી હતી અને ત્યાંથી પાછા ઘરે લઈ ગયા હતા. ઘરે પાછા ફરતાં એજ વસ્તુઓ રીપીટ થવા લાગી હતી. તે મારવાની અને બળજબરીપૂર્વક લગ્ન કરવાની ધમકી આપતા હતા. અમે માતા પિતા છીએ તો અમે ગમે તે કરી શકીએ. જેથી મને લાગ્યું કે અહીં મારા જિંદગી બરબાદ થઈ શકે છે. જેથી મારી સુરક્ષાને ધ્યાનમાં રાખી ત્યાંથી નીકળી ગઈ છું. હું આ લગ્નથી ખૂબ જ ખુશ છું કારણ કે મેં મારી મરજીથી લગ્ન કર્યા છે.

પેરેન્ટ ગોળી મારી દેવાની ધમકી આપે છે
જો મારા માતા પિતા આવા ખોટા આરોપો લગાવી રહ્યા છે અને મને હેરાન કરે છે અને હજુ પણ ધમકી આપે છે. તમે તેમના મેસેજ અને રેકોર્ડિંગ જોશો તો તેમાં ધમકીઓ જ જોવા મળશે. તું પાછી આવી જા નહીંતર તને જીવતી સળગાવી દઈશું અથવા તો ગોળી મારી દઈશું. અમારી પહોંચ ક્યાં સુધી છે તને ખબર નથી. હજુ પણ આ વસ્તુઓ થઈ રહી છે તો પ્લીઝ મારી રિકવેસ્ટ છે કે હું તેમને મળવા કે વાત કરવા માંગતી નથી અને તેમને જોવા પણ માંગતી નથી. હું તેમનાથી દૂર રહેવા માંગુ છું અને અમે મારી જિંદગીમાં ખુશ રહેવા માંગું છું અને તે તેમની જિંદગીમાં ખુશ રહે. હું કોઈને હેરાન કરવા માંગતી નથી તો પ્લીઝ મને હેરાન ના કરશો.