રાજકોટમાં નાના બાળકો બાદ હવે યુવાનોમાં પણ ફેલાયો જીવલેણ ચાંદીપુરા વાયરસ

Chandipura Virus: રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો કહેર સતત યથાવત છે અને દરરોજ એકાદ નવો શંકાસ્પદ કેસ સામે આવી રહ્યો છે. ગઈકાલે પણ એક નવો શંકાસ્પદ કેસ સામે આવ્યો હતો અને શંકાસ્પદ દર્દીનું રિપોર્ટ આવે તેના પહેલાં જ મોત નિપજ્યું હતું. ત્યારે ચાંદિપુરા વાઇરસનો(Chandipura Virus) વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. જેમાં વાંકાનેરનાં 18 વર્ષીય યુવકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા તુરંત જ સિવિલમાં ખસેડી સારવાર શરુ કરવામાં આવી હતી.

18 વર્ષના યુવકમાં ચાંદિપુરાના લક્ષણ જોવા મળ્યા
રાજકોટમાં બપોર બાદ ચાંદીપુરા વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. જેમાં વાંકાનેરનાં 18 વર્ષીય યુવકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. આ યુવક 20 દિવસ પહેલા દ્વારકા ગયો હતો. અને 4 દિવસ પહેલા તરણેતર હતો. આજે તેની તબિયત લથડી જતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનામાં ચાંદીપુરા વાયરસના અમુક લક્ષણો જોવા મળ્યા હતા.

જેને પગલે તેના નમુના લઈ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. અને હાલમાં તેની સારવાર શરૂ કરવામાં આવી છે. ચાંદીપુરા સામાન્ય રીતે 0થી 14 વર્ષના બાળકોમાં જોવા મળે છે. જોકે, આ યુવકમાં ચાંદીપુરાનાં અમુક લક્ષણો જોવા મળતા ખાસ સાવચેતીના ભાગરૂપે તેના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

બાળકની તબિયત લથડતાં હોસ્પિટલમાં ખસેડાયો
બીજી તરફ મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાનાં વતની અને છેલ્લા 10 દિવસથી પરિવાર સાથે લોધિકા ખાતે આવેલા 7 વર્ષના બાળકની તબિયત લથડતા આ બાળકને સારવાર માટે જનાના હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં આ બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા તેને સ્પેશિયલ વોર્ડમાં ખસેડવામાં આવ્યો અને તેની સારવાર શરૂ કરવામાં આવી છે. આ બાળકના સેમ્પલ લઈ પુના લેબોરેટરીમાં મોકલવા તજવીજ હાથ ધરવામાં આવી છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જ તે પોઝીટીવ છે કે નહીં તે જાણી શકાશે.

જનાના હોસ્પિટલ ખાતે કુલ 7 દર્દીઓ સારવાર હેઠળ
જનાના હોસ્પિટલમાં ગઈકાલે એક શંકાસ્પદ દર્દીનું મોત નિપજ્યું હતું. જ્યારે એક ગોંડલ ખાતેથી એક નવો શંકાસ્પદ કેસ પણ સામે આવ્યો હતો. તેમજ એક 7 મહિનાની બાળકી સંપૂર્ણ સ્વસ્થ લાગતા તેને રજા આપવામાં આવી હતી. ત્યારે આજે સવારે ફરી એક નવો શંકાસ્પદ દર્દી સામે આવતા હાલમાં જનાના હોસ્પિટલ ખાતે કુલ 7 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 2 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવી ચુક્યા છે. જ્યારે બાકી 4 દર્દીઓનાં રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.