તંત્રની બેદરકારીનો ભોગ બની યુવતી…રસ્તા પર ખાડા ટાળવા જતાં મળ્યું મોત, જુઓ LIVE વિડીયો

Vapi Accident News: રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. તેમાં પણ વલસાડમાં પડેલા સરેરાશ 80 ઇંચ વરસાદમાં જિલ્લાના તમામ મુખ્ય માર્ગો બિસ્માર બન્યા છે. ત્યારે આજે વાપીથી સેલવાસ મુખ્ય માર્ગ ઉપર પડેલા ખાડાઓને લઇને મોપેડ અને ટ્રક વચ્ચે અકસ્માત(Vapi Accident News) સર્જાયો હતો. જેમાં એક 19 વર્ષીય યુવતીનું અકસ્માતમા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ટ્રક ચાલક મોપેડ સાથે અકસ્માત કરી ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા તાત્કાલિક ઇજાગ્રસ્ત યુવતીની મદદે દોડી આવ્યા હતા.

ટ્રકની અડફેટે આવી જતાં યુવતીનું મોત થયું
વલસાડ જિલ્લાના વાપી સેલવાસ મુખ્ય માર્ગ પર રસ્તાઓની ખરાબ હાલતને કારણે ગઈકાલે મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં વાપી ફેલોશિપ સ્કૂલ પાસે દિલીપ નગરમાં રહેતી 19 વર્ષીય મનીષા ભાનુશાલીનું ટ્રકની અડફેટે આવી જતાં મોત થયું હતું. આ બનાવ અંગે ઘટના સ્થળેથી મળતી માહિતી પ્રમાણે આ ગંભીર અકસ્માતનું કારણ રોડ પરના મોટા ખાડા હોવાનું કહેવાય છે.

મૃતક યુવતી મનીષા બેન તેના ઘરેથી કોલેજ જવા નીકળી હતી. તે દરમિયાન તેમની મોપેડ રસ્તા પર પડેલા ખાડામાં પડતાં મનીષા બેને સંતુલન ગુમાવ્યું હતું અને ટ્રકની અડફેટે આવી જતા મનીષા બેનને માથા અને શરીર ના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળે જ મનીષા બેને જીવ ગુમાવ્યો હતો.

ખાડાના કારણે યુવતીનો જીવ ગયો
વાપીમાં રસ્તાના ખાડાએ લીધો એકનો ભોગ લેવાયો છે. ત્યારે વાપી સેલવાસ રોડ પર ખાડા ને કારણે વધુ એક ગંભીર અક્સ્માત સર્જાયો હતો. જેમાં રસ્તામાં પડેલા ખાડા ટાળવા જતા યુવતી ટ્રકની અડફેટે આવી હતી અને જીવ ગુમાવ્યો હતો.અકસ્માત અંગે ઘટનાની જાણ વાપી ડુંગરા પોલીસની ટીમને થતા વાપી ડુંગરા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવને લઇને સ્થાનિકોમાં શોકની કાલિમા સાથે ભારે રોષ ફાટી નીકળ્યો છે. કારણ કે અત્યંત બિસમાર થયેલા માર્ગો પર ના ખાડા નું પુરાણા નહિ થવા ને લઇને આજે આ કરુણ ઘટના બનવા પામી છે.

પરિવારજનોના આક્રાંદથી વાતાવરણ ગમગીન
આ ઘટનાને લઇ લોકોના ટોળા ઉમટ્યા હતા અને રસ્તા પર પડેલા ખાડાના કારણે મોતથી લોકોમાં ભારે રોષ ફેલાયેલો જોવા મળ્યો હતો. આ સાથે મૃતકના પરિવારજનોના આક્રાંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ત્યારે તંત્રની બેદરકારીને કારણે જીવલેણ અકસ્માત થઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ વાપી નજીક હાઈવે પર ખાડાને કારણે અકસ્માતમાં પતિનું પતિ પત્ની એ પણ જીવ ગુમાવ્યા હતા. ત્યારે આજરોજ બિસ્માર રસ્તા ને લઇને નિર્દોષ યુવતીએ જીવ ગુમાવ્યો છે. ઘટના અંગે ડુંગરા પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.