ચંડોળા બાદ રખિયાલમાં ડિમોલિશન:ગેરકાયદે નમાજની જગ્યા સહિત 20 કારખાનાં-દુકાનો પર બુલડોઝર ફર્યું

Rakhial Demolition News: ચંડોળા તળાવ પર ડિમોલિશન ઝુંબેશ બાદ તંત્ર દ્વારા રખિયાલના મોરારજી ચોકમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી (Rakhial Demolition News) હાથ ધરી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યા પર ગેરકાયદે ઉભા કરવામાં 20થી વધુ કારખાના અને દુકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.

આ ઉપરાંત આજે રખિયાલ ખાતે ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન એક પરિવાર દ્વારા પ્લોટ પર ગેરકાયદેસર બાંધકામ કરી નમાજની જગ્યા બનાવી હતી તેને તોડી પાડવામાં આવી હતી. 350થી વધુ પોલીસકર્મીના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારાડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બુલડોઝર દ્વારા બાંધકામો તોડી પાડવામાં આવતા સ્થાનિક રહેવાસીઓના ટોળા ડિમોલિશન જોવા માટે એકઠા થયા હતા.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, 2008માં અહીં જ ડિમોલિશન કરાયું હતું, ત્યારબાદ ફરીથી ગેરકાયદે બાંધકામો ઉભા કરવામાં આવ્યા હતા. ઘણા લોકોએ ખુલ્લા પ્લોટમાં શેડ અને અનધિકૃત બાંધકામો ઉભા કર્યા હતા, જે મૂળ 1960માં મિલ કામદારો માટે બનાવેલી આવાસ યોજનાનો ભાગ હતો. અધિકારીઓએ ખુલાસો કર્યો કે, ચંડોળાની માફક રખિયાલમાં ઘણી ગેરકાયદેસર બાંધકામો કરી વીજળી કનેક્શન લીધા હોવાનું જાણવા મળ્યું હતું.

પત્રકારો સાથે વાતચીત કરતા એસી.પી આર.ડી. ઓઝાએ જણાવ્યું હતું કે હાઉસિંગ બોર્ડ દ્વારા તેની જમીન પાછી મેળવવાના પ્રયાસોના ભાગરૂપે ડિમોલિશન ઝુંબેશ ચાલુ રહેશે. “આ હાઉસિંગ બોર્ડની મિલકત છે. બોર્ડે ડિમોલિશન કવાયત માટે પોલીસ સુરક્ષા માંગી હતી. હાલમાં એસીપી, પીઆઈ અને પીએસઆઈ સહિત 385 પોલીસ કર્મચારીઓ સ્થળ પર તૈનાત છે.”