રક્ષાબંધન પહેલા જ એક ‘ભાઈએ ગુમાવી બહેન’ -સાસરિયા વાળાએ એટલો ત્રાસ આપ્યો કે, મોત સિવાય બીજું કઈ ન દેખાયું

આણંદ(ગુજરાત): આજકાલ વધી રહેલ આત્મહત્યાના કિસ્સા દરમિયાન ફરીવાર એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. જેમાં આણંદના ઉમરેઠના થામણા ગામ ખાતે એક મહિલાએ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આપઘાત પહેલા બહેને તેના ભાઈને ફોન કરીને સાસરિયાઓ ત્રાસ આપી રહ્યા હોવાની આપવીતી કરી હતી. મૃતક મહિલા સાસરિયાઓના ત્રાસથી એટલી કંટાળી ગઈ હતી કે ભાઈ તેના ઘરે પહોંચે તે પહેલા જ બહેને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે ઉમરેઠ પોલીસ દ્વારા મૃતક મહિલાના પતિ, સાસુ, સસરા વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. રક્ષાબંધનના તહેવાર પહેલા જ એક ભાઈએ તેની બહેન ગુમાવી છે.

મળતી માહિતી મુજબ, મૂળ પંચમહાલના અને હાલ કપડવંજ ખાતે રહેતી પ્રવીણાના લગ્ન 2012માં થામણા ગામે રહેતા મુકેશ ગોહેલ સાથે થયા હતા. પ્રવીણા અને મુકેશને સંતાનમાં બે દીકરા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, એવી પણ માહિતી મળી છે કે લગ્નના એક વર્ષ બાદ જ પ્રવીણાને તેનો પતિ અને સસરા તેમજ સાસુ શારીરિક અને માનસિક ત્રાસ આપવા માંડ્યા હતા. તેમજ મહિલાને માર પણ મારવામાં આવતો હતો. જોકે, પોતાનો સંસાર ટકી રહે તે માટે મહિલા મૂંગા મોઢે સાસરીવાળાનો ત્રાસ સહન કરતી રહી હતી.

મહિલાએ સહનશક્તિ ખતમ થયા બાદ સોમવારે સાંજે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. એવું પણ જાણવા મળ્યું છે કે, મહિલાએ પોતાના પર ગુજારવામાં આવતા ત્રાસ અંગે નારી સંરક્ષણ ગૃહમાં ફરિયાદ પણ આપી હતી. આ મામલે મૃતક પ્રવીણાના ભાઈની ફરિયાદના આધારે ઉમરેઠ પોલીસ દ્વારા મહિલાના પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, બહેને આપઘાત પહેલા તેના ભાઈનો ફોન કર્યો હતો. ભાઈ-બહેન વચ્ચે ફોન કોલનો સંવાદ વાયરલ થયો છે. ઓડિયોમાં બહેન કહી રહી છે કે, “હું એક વાગ્યે નીકળું છું.” જેના જવાબમાં ભાઈ કહે છે કે તારે ક્યાંય જવાની જરૂર નથી. હું આવી રહ્યો છું. જેના જવાબમાં બહેને કહ્યું કે, તું એકલો ન આવીશ. આ લોકો તને મારશે. સાથે જ બહેન એવું પણ જાણાવી રહી છે કે, આ લોકો માર મારે છે અને ગાળો પણ બોલે છે. જે મારાથી સહન નથી થતું.

મહિલાએ વધુમાં પોતાની આપવીતી વર્ણવતા ભાઈને કહે છે કે, તેઓ વાળ પકડીને માર મારે છે. હું મરી જઈશ ત્યાં સુધી આ લોકો મને નહીં છોડે. મને મરી જવા દે. હું છોકરાઓને જોઈને પાછી આવી. આ લોકોની કશી દયા ન કરાય. હવે હું મરી જઈશ. આ ઉપરાંત એવી પણ માહિતી મળી છે કે, આપઘાત કરી લેનાર પરિણીતા પહેલા બાળકો સાથે નહેરમાં આપઘાત કરવા માટે પહોંચી હતી. જોકે, નહેરમાં પાણી ન હોવાથી તે પરત આવી ગઈ હતી. ત્યારબાદ ઘરે આવીને ગળેફાંસો ખાઈ લીધો હતો. હાલ આ મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *