ગુજરાત ભાજપના ચાલુ સાંસદ જોડાઇ શકે છે કોંગ્રેસમાં, જાણો નારાજગીનું કારણ

Published on: 9:01 am, Sun, 24 March 19

2019 ની લોકસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ આજે પાંચમું લિસ્ટ જાહેર કર્યું હતું. જેમાં ભાજપે 46 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ગુજરાતમાં ભાજપે જાહેર કરેલા ઉમેદવારો પૈકી મોટાભાગના ઉમેદવારોને રિપિટ કરવામાં આવ્યા છે. ગુજરાતના આજે 15 સાંસદોનું લિસ્ટ જાહેર થયું હતું. સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર ડો. મહેન્દ્ર મુંજપરાને ટીકિટ અપાતાં હાલના સાસંદ દેવજી ફતેપરાએ નારાજગી વ્યક્ત કરી છે. અને ગઈકાલથી જ પોતાની નારાજગી બતાવી રહ્યા છે.

રાજકોટ સ્થિત તેમના નિવાસસ્થાને મીડિયા સાથેની વાતચીતમાં દેવજીભાઈ ફતેપરા એ જણાવ્યું હતું કે, ભાજપમાં જુથવાદ ચાલી રહ્યો છે. સેન્સની પ્રક્રિયા માત્ર એક નાટક છે. કુંવરજીભાઈને પણ સમય આવશે ત્યારે ખબર પડશે. જયંતી કવાડિયાને કારણે મારી ટીકિટ કપાઇ છે.

ફતેપરાએ વધુમાં જણાવ્યું હતું કે, ધનજીભાઇ પટેલે આ બધું ગોઠવ્યું છે. પૈસાના જોરે ગોઠવવામાં આવ્યું છે. જેમાં જયંતી કવાડિયા પણ સામેલ છે. આગામી દિવસોમાં મારે શું કરવું તે મારો સમાજ કહેશે તેમ કરીશ. બળવો કરવો કે કોંગ્રેસમાં જવું તે આગામી બે દિવસોમાં સમાજને મળી સમાજ કહેશે તેમ કરીશ. સમાજ કહેશે તો રાજીનામું આપી દઇશ.

દેવજી ફતેપરાએ આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમારા સુરેન્દ્રનગરમાં ધનજી પટેલ એક મોટા માણસ છે, હું તો નાનો માણસ છું. ધનજી પટેલે તેના ભાણેજને બિઝનેસ કરવા માટે મને મળેલો દિલ્હીનો બંગલો માંગ્યો હતો. જે મેં આપવાની ના પાડતાં તેમણે અને જયંતી કાવડીયાએ પૈસાના જોરે મારી વિરૂદ્ધ કાવતરૂ રચી મારી ટિકિટ કપાવી છે.

વાત વાતમાં સમાજના આગેવાનોને મળીને સમાજ મને જે કહેશે તે હું કરીશ. જો સમાજ મને ફરીથી કોંગ્રેસ માં પ્રવેશ કરવાનું કહેશે તો હું કોંગ્રેસમાં પ્રવેશ પણ કરી લઈશ. સાથે સાથે ભાજપમાં જૂથવાદ ચાલે છે તેવો આક્ષેપ પણ કરવાનું દેવજી ફતેપરા ચૂક્યા નહીં. દેવજી ફતેપરા પોતાની ટિકિટ કપાયા બાદ હાઇ કમાન્ડ સમક્ષ પોતાની વાત નહીં કરે તેવી કેફિયત પણ બતાવી હતી. જેને જોઈને શક્યતાઓ રહેલી છે કે દેવજી ફતેપરા કોંગ્રેસમાં પ્રવેશ કરી લેશે.