અમદાવાદ(ગુજરાત): અમદાવાદમાં સોમવારે સમગ્ર રૂટ પર કર્ફ્યૂ વચ્ચે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. આ દરમિયાન રથયાત્રા પહેલા આજે ભગવાન સોનાવેશ ધારણ કરશે. ભગવાનના સોનાવેશ ધારણની વિધિ શરૂ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે, ભગવાનના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર જગન્નાથ મંદિરમાં ઉમટ્યું છે. વર્ષમાં એકવાર ભગવાનને સોનાવેશ પહેરાવવામાં આવે છે.
સોનાવેશના યજમાનો અને ભક્તો આજે ભગવાનના સોનાવેશના દર્શન કરવા માટે ઉમટ્યાં છે. આજે ત્રણેય રથને મંદિર પરિસરમાં લાવવામાં આવશે અને મંદિરના મહંત દિલીપદાસજી તથા ટ્રસ્ટી મહેન્દ્ર ઝા દ્વારા રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રથયાત્રાના સમગ્ર રૂટ પર કર્ફ્યૂ રહેશે. પરંતુ, મંદિરમાં રથયાત્રાના આગળના દિવસે જ કોરોના ભુલાયો હોય તેમ લોકો ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યાં હોવાનું સામે આવ્યું છે.
ભગવાન જગન્નાથના સોનાવેશના દર્શન કરવા માટે મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવીને લોકો ભગવાનના દર્શનની એક ઝલક જોવા માટે ઘક્કા મુક્કી કરી રહ્યાં છે. બીજી તરફ મંદિર પરિસરમાં ગજરાજનું પૂજન થવા જઈ રહ્યું છે. મંદિરના પ્રાંગણમાં 11 હાથી અને 3 નાના હાથી લાવવામાં આવ્યા છે. આ દરમિયાન, ભક્તો ગજરાજના દર્શન કરી અને સેલ્ફી લઈ રહ્યાં છે.
રથયાત્રાના આગળના દિવસે અમદાવાદના મુસ્લિમ બિરાદરો દ્વારા કોમી એકતાના દર્શન કરાવવામાં આવ્યા હતાં. સતત 21 વર્ષથી મુસ્લિમ સમાજ દ્વારા ભગવાન જગન્નાથને ચાંદીનો રથ અર્પણ કરવામાં આવે છે. જે આ વર્ષે પણ પરંપરાગત રીતે અર્પણ કરવામાં આવ્યો છે. આજે મુસ્લિમ સમાજના આગેવાન રઉફ શેખ બંગાળી દ્વારા ચાંદીનો રથ અર્પણ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, મુખ્યમંત્રી રૂપાણી આજે સાંજે 6:30 વાગ્યે જમાલપુર મંદિરમાં ભગવાન જગન્નાથની સંધ્યા આરતીમાં ભાગ લેશે. તેમજ રથયાત્રાની તૈયારીઓની સમીક્ષા કરશે. આ વર્ષે 144મી રથયાત્રા કોરોનાના નિયંત્રણના નિયમોના અનુપાલન સાથે યોજાવાની છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા આ રથયાત્રાની પૂર્વ તૈયારીઓ અંગે મંદિરના ટ્રસ્ટીઓ તથા પોલીસ તંત્ર અને અમદાવાદ મહાનગરપાલિકા તેમજ વહિવટી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવશે.
અમાસના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી મોસાળ સરસપુરથી નિજ મંદિર પરત ફર્યાં હતાં. ભક્તોની ભારે ભીડ વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નેત્રોત્સવ અને ધ્વજા રોહણ વિધિમાં ભાગ લીધો હતો. જય રણછોડ માખણ ચોર, મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે, હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી ના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું.
મળતી માહિતી મુજબ, જગન્નાથ મંદિરમાં સાધુ સંતોનો ભંડારો શરૂ થયો હતો. દર્શન કરવા આવેલા લોકોએ પણ કાળી રોટી અને ધોળી દાળનો પ્રસાદ લીધો હતો. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા તમામ સાધુ સંતોને ધોતી અર્પણ કરવામાં આવી હતી. શનિવારે ભગવાન જગન્નાથ નિજમંદિર પરત ફરતાં ઉત્સવ અને આનંદનો ઉત્સાહ મંદિરે જોવા મળ્યો હતો. આ ઉપરાંત, મંદિરમાં સાધુ-સંતોનો ભંડારો યોજાયો હતો. 1000 જેટલા લોકોનો ભંડારો યોજવામાં આવ્યો હતો.
તૈયારીઓ વહેલી સવારથી ભંડારાની શરૂ કરી દેવામાં આવી હતી. ભંડારામાં કાળી રોટી(માલપૂઆ) અને ધોળી દાળ (દૂધપાક)નો પ્રસાદ આપવામાં આવ્યો હતો. સવારથી મંદિરના રસોડામાં 500 લિટર દૂધનો દૂધપાક બનાવવામાં આવતો હતો. તેમજ ચણાનું શાક, પૂરી અને માલપૂઆ બનાવવામાં આવ્યા હતાં. 1000થી વધુ સાધુ-સંતો ભગવાનના ભંડારામાં પ્રસાદનો લાભ લીધો હતો.
જાણવા મળ્યું છે કે, દર વર્ષે રથયાત્રામાં ભાગ લેવા દેશભરના સાધુ-સંતો આવે છે. 2 દિવસ અગાઉ રથયાત્રા માટે સાધુ-સંતો આવી જતા હોય છે અને મંદિરમાં થતા ભંડારામાં ભાગ લઈને રથયાત્રા સુધી રોકાય છે. પરંતુ, આ વર્ષે કોઈ પણ સાધુ-સંત રથયાત્રામાં ભાગ નહીં લઈ શકે. જાણવા મળ્યું છે કે, શનિવારે સરસપુર ખાતેના ભગવાનના જૂના મોસાળ વાસણ શેરી ખાતે અનેક સાધુ-સંતો આવ્યા હતા અને ભંડારામાં આવીને મંદિર ફર્યા હતા. ત્યારબાદ મંદિરથી પરત જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.