હાઈવે પર લોહીના ખાબોચિયા ભરાયા: મહાકુંભથી પરત ફરી રહેલાં ભક્તોને નડ્યો ખૌફનાક અકસ્માત, 8ના મોત

Ghazipur Accident: ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં એક મોટી દુર્ઘટના ઘટી છે, જેમાં 8 લોકોના મોત થયા છે. જેમાં મૃતકોમાં ત્રણ મહિલા, ચાર પુરુષઅને એક બાળકનો (Ghazipur Accident) સમાવેશ થાય છે. આ અકસ્માત શુક્રવારે વારાણસી-ગાઝીપુર-ગોરખપુર ફોર લેન પર થયો.

અકસ્માતમાં 8 લોકોના મોત થયા
આ દુર્ઘટના નંદગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના કુસામી કલાન ગામમાં થઈ હતી. પ્રયાગરાજથી યુપી નંબરવાળી પીકઅપમાં સ્નાન કરીને લોકો પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. એ દરમિયાન પીકઅપની એક્સલ તૂટતા તેમાં બેઠેલા લોકો રસ્તા પર પડી ગયા હતા. આ દરમિયાન પાછળથી આવતી એક ટ્રકે આ લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ-વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

અનેક લોકો થયા ઘાયલ
બીજી તરફ, ગોરખપુર જિલ્લામાં પણ એક મોટો અકસ્માત થયો છે. શુક્રવારે સવારે ગાગાહા ફેરલેન પર બે રોડવેઝ બસો સામસામે અથડાઈ ગઈ હતી. આના કારણે ડઝનબંધ મુસાફરો ઘાયલ થયા છે. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા.

17 લોકોને સારવાર માટે ગોરખપુર રિફર કરવામાં આવ્યા
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 27 લોકો ઘાયલ થયા છે. તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક ડ્રાઇવરે બસ રસ્તાની બાજુમાં પાર્ક કરી હતી અને મુસાફરોને ઉતારી રહ્યો હતો. પાછળથી આવતી રોડવેઝ બસે તેને ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં બંને બસોને નુકસાન થયું હતું. પોલીસે સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને સીએચસી ગાગાહા લઈ ગયા. અહીંથી 17 ઘાયલોને સારવાર માટે ગોરખપુર રિફર કરવામાં આવ્યા છે. અન્ય ઘાયલોને CHC ખાતે સારવાર આપવામાં આવી રહી છે.