ગયા મહિનાની ૪ એપ્રિલે ગુજરાતના મુખ્યમંત્રીએ નેશનલ મીડિયામાં રાજકોટની એક કંપનીએ 10 દિવસમાં બનાવેલા ધમણ નામના વેન્ટીલેટર બન્યાની જાહેરાત હિન્દીમાં કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વેન્ટિલેટર બનાવવા ગુજરાતના લોકલ ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ સફળ બન્યા છે. આ મશીન સફળતાપૂર્વક કામ કરી રહ્યું છે. વેન્ટિલેટરની માંગને પહોંચી વળવા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે કંપનીઓ પાસેથી મદદ માંગી હતી. આવામાં રાજકોટી એક કંપની જ્યોતિ સીએનસીએ માત્ર 10 દિવસમાં નવુ વેન્ટિલેટર બનાવ્યું છે. જેને ધમણ-1 નામ અપાયું છે.
પરંતુ હવે આ મશીન કામ નથી કરી રહ્યું અને પરિણામ આપવામાં નિષ્ફળ રહ્યું હોવાનો એક કથિત પત્ર લીક થઇ જતા મુખ્યમંત્રી રૂપાણીની જાહેરાત પર પાણી ફરી વળ્યું છે. ગુરુવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી, જેમાં સિવિલના તબીબો દ્વારા આ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને જણાવાયું હતું કે, ધમણ-1 અને એજીવીએ વેન્ટિલેટરનો કોવિડ-19ના દર્દીઓમાં ધાર્યુ પરિણામ મળી શકતું નથી. આથી સિવિલની 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં 50 અને કિડની હોસ્પિટલ માટે 50 એમ કુલ 100 હાઈ-એન્ડ આઈસીયુ વેન્ટિલેટરની તાત્કાલિક જરૂરિયાત હોવાથી તે ફાળવવામાં આવે.
કોરોનાથી થયેલા મોત ને મામલે ગુજરાત બીજા ક્રમે કાયમ છે. કોરોના ટેસ્ટીંગ ઘટાડી દેવામાં આવતા ગુજરાતમાં કોરોના ના આંકડાઓ કાબુમાં રહેલા છે. કોરોનાના કેસ મામલે ગુજરાતને ઓવરટેક કરનારા તમિલનાડુમાં ગુજરાત કરતા ડબલ ટેસ્ટ થયા છે. ક્રીટીકલ પરિસ્થિતિમાં વેન્ટીલેટર ઉપયોગમાં લેવાય છે પણ સ્વદેશી લોકલ વેન્ટીલેટર ફેઈલ થતા સરકારની કામગીરી પર સવાલો થઇ રહ્યા છે કે શું આ વેન્ટીલેટર નું ટેસ્ટીંગ કાર્ય વગર જ ઉપયોગમાં લેવાયા? શું ICMRની મંજુરી મળી હતી?
અમદાવાદ સિવિલના સુપરિન્ટેડેન્ટ ડૉ. જે.પી. મોદીવ જણાવ્યું કે, હાઈ-એન્ડ વેન્ટિલેટરનું મોડ ચેન્જ કરી શકાય, બાયપેપના દર્દીને તેના પર મૂકી શકાય છે. જ્યારે ધમણ બાયપેપનું હાયર વર્ઝન છે. દર્દીને ઈન્ક્યુબેટ કરવા ઉપયોગી થઈ શકે. એટલે સપોર્ટિવ ટ્રિટમેન્ટ આપી શકાય છે. હાઈફ્લો ઓક્સિજન આપી શકાતો નથી. ધમણમાં હાઈફ્લો મિટર લગાડવાની જરૂર પડે છે. ધમણનો ઉપયોગ સામાન્ય શ્વાસની તકલીફમાં થઈ શકે. જોકે સિવિલ પાસે પૂરતાહાઈ એન્ડ વેન્ટીલેટર છે.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી રૂપાણીના હોમટાઉન રાજકોટની એક કંપનીએ ફકત 10 દિવસમાં જ ધમણ-1 વેન્ટિલેટર તૈયાર કર્યું હતું અને હવે એડવાન્સ ધમણ-2 અને ધમણ-3 પણ તૈયાર થવાનું છે. ધમણ-1ની કિંમત માત્ર એક લાખ રૂપિયા છે જ્યારે સામાન્ય વેન્ટિલેટરની કિંમત આશરે સાત લાખ હોય છે, પરંતુ હવે સિવિલ હોસ્પિટલના તબીબોએ ધમણ-1ને રિજેક્ટ કર્યું છે.