કોણ છે આ અંધશ્રદ્ધા ફેલાવતી ઢબુડી માઁ ?
ગાંધીનગરના રૂપાલ ગામનો ધનજી ઓડ નામનો પુરૂષ ચૂંદડી ઓઢી ઢબુડી મા બન્યો છે. જેના હજારોની સંખ્યામાં ફોલોઅર્સ છે. ધનજી ઓડનો દાવો છે કે તેના પર જોગણી માતાની કૃપા થઈ છે. ભક્તો તેને રૂપાલની જોગણી માતાના નામે ઓળખે છે. ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ માથા પર ચૂંદડી ઓઢી ધૂણે છે. રૂપાલ સહિત રાજ્ય ભરના અનેક ગામોમાં તથા મુંબઈમાં અનેક કાર્યક્રમો કરી ચૂકી છે ઢબુડી મા.
લાખો રૂપિયાની કમાણી થાય છે ઢબુડી માઁના કાર્યક્રમમાં
ઢબુડી માનો દાવો છે કે બીમારી, નોકરી, લગ્નના પ્રશ્નો ઉકેલવા તેઓ માસ્ટર છે. ઢબુડી માના પરચાનો પ્રચાર તેમના ભક્તો જ કરતા રહે છે. તેના ભક્તો વિવિધ કિસ્સાઓ પર યુટ્યુબમાં વીડિયો ચડાવતાં રહે છે. યુટ્યુબમાં લગભગ 20 લાખ જેટલાં ફોલોઅર્સ પણ છે. ઢબુડી મા જે શહેરમાં પહોંચે તે પહેલા તેમની ટોળકી પહોંચી જાય છે. જે કાર્યક્રમમાં ભક્તિનો માહોલ ઉભો કરે છે. ભક્તોનો દાવો છે કે ઢબુડી મા કેન્સરની બીમારી પણ મટાડે છે. ભક્તોનો એવો પણ દાવો કરે છે કે ઢબુડી મા પૈસા લેતા નથી. પરંતુ સ્વૈચ્છિક દાનના નામે લાખો રૂપિયાની કમાણી કરે છે. ઢબુડી માના કાર્યક્રમના સ્થળે ભક્તો જ ખાવા-પીવાના સ્ટોલ ઉભા કરે છે જ્યાંથી ભક્તો લાખો રૂપિયાની કમાણી કરે છે.
જાગૃત નાગરિકોના વિરોધ વચ્ચે પણ ધુમ ચાલતાં ઢબુડી માના કાર્યક્રમો
અંધશ્રદ્ધા અને જાગૃતિ પર કામ કરતી સંસ્થાઓએ ઢબુડી મા સામે અભિયાન છેડ્યું છે. જાગૃત નાગરિક પણ વિરોધ કરી રહ્યા છે છતાં ઢબુડી માના કાર્યક્રમો ધુમ ચાલે છે. વિજ્ઞાન જાથાની ટીમ પણ ઢબુડી સામે લડે છે અને ગરીબોને ભરમાતા બચાવે છે. વિજ્ઞાન જાથાએ ઢબુડી મા સામે પોલીસ અને કલેક્ટરેટમાં પણ લેખિતમાં જાણ કરી છે. ઢબુડી મા સામે ફરિયાદ નહીં કરવા સંસ્થાઓને નામાંકિત લોકો ફોન કરે છે અને પોલીસને પણ ડરાવવામાં આવે છે.