Diesel Vehicles Ban In India by 2027: ભારતે 2027 સુધીમાં ડીઝલ વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ અને ડીઝલ વાહનોને બદલે લોકોએ ઇલેક્ટ્રિક અને ગેસથી ચાલતા વાહનો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પેટ્રોલિયમ મંત્રાલય (Ministry of Petroleum and Natural Gas) દ્વારા રચાયેલી પેનલે સરકારને આ સૂચનો આપ્યા છે. પેનલે શહેરોની વસ્તી અનુસાર ડીઝલ વાહનો પર પ્રતિબંધ (Ban on diesel vehicles) મૂકવાની યોજના બનાવી છે. જે મુજબ 10 લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરોમાં ઇલેક્ટ્રિક અને ગેસથી ચાલતા વાહનો (Electric and gas powered vehicles) પર સ્વિચ કરવું જોઈએ. કારણ કે આવા શહેરોમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા રચવામાં આવેલી પેનલ ઇલેક્ટ્રિક અને ગેસથી ચાલતા વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાના માર્ગોની ભલામણ કરી રહી છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ પર પોસ્ટ કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે ભારત ગ્રીનહાઉસ વાયુઓનું સૌથી વધુ ઉત્સર્જક દેશ છે. સેંકડો પાનાના આ અહેવાલમાં ભારતની ઊર્જા સંક્રમણની સંપૂર્ણ યોજના જણાવવામાં આવી છે.
આ મુજબ, ભારત 2070ના શુદ્ધ શૂન્ય લક્ષ્યને હાંસલ કરવાના તેના લક્ષ્ય પર ઝડપથી આગળ વધી રહ્યું છે, પરંતુ આ માટે કેટલીક વિશેષ તૈયારીઓ કરવી પડશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આગામી 2024થી સિટી ટ્રાન્સપોર્ટેશનમાં કોઈ ડીઝલ બસ ઉમેરવામાં ન આવે અને 2030 સુધીમાં એવી કોઈ પણ સિટી બસ સામેલ કરવામાં ન આવે જે ઇલેક્ટ્રિક નથી.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત મોટા પાયા પર ઉર્જા આયાત પર નિર્ભર ન રહી શકે અને તેણે પોતાના સ્ત્રોતો વિકસાવવા જોઈએ. ભારતના પ્રાથમિક ઉર્જા સ્ત્રોતો કોલસો, તેલ, કુદરતી ગેસ અને પરમાણુ છે. બાયોમાસ ઊર્જાનો બીજો સ્ત્રોત હોવા છતાં, તેનો ઉપયોગ ઘટી રહ્યો છે. કોલસો એ ગ્રીડ વીજળીના ઉત્પાદન માટે પ્રાથમિક ઉર્જા સ્ત્રોત છે અને તેનો ઉપયોગ સ્ટીલ અને સિમેન્ટ જેવા ભારે ઉદ્યોગો દ્વારા કરવામાં આવે છે. જો કે ભારતમાં કોલસો વિશાળ માત્રામાં ઉપલબ્ધ છે, પરંતુ દેશમાં તેલ અને ગેસના ભંડાર હજુ શોધવાના બાકી છે.
2027 સુધી ડીઝલ વાહનો પર પ્રતિબંધ:
આ રિપોર્ટમાં એવું સૂચન કરવામાં આવ્યું છે કે, 2027 સુધીમાં દેશમાં જ્યાં 10 લાખથી વધુ વસ્તી છે અથવા જ્યાં પ્રદૂષણનું સ્તર વધારે છે તેવા શહેરોમાં ડીઝલ વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. આ સિવાય 2030 સુધીમાં માત્ર એ જ બસોને સિટી ટ્રાન્સપોર્ટમાં સામેલ કરવી જોઈએ જે ઇલેક્ટ્રિક પર ચાલે છે. પેસેન્જર કાર અને ટેક્સી વાહનો 50 ટકા પેટ્રોલ અને 50 ટકા ઇલેક્ટ્રિક હોવા જોઈએ. કહેવામાં આવી રહ્યું છે કે 2030 સુધીમાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ 10 મિલિયન યુનિટ પ્રતિ વર્ષનો આંકડો પાર કરી જશે.
દેશમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકારે ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઈલેક્ટ્રિક એન્ડ હાઈબ્રિડ વ્હીકલ સ્કીમ (FAME) હેઠળ આપવામાં આવતા પ્રોત્સાહનોને 31 માર્ચ પછી લંબાવવા પર વિચાર કરવો જોઈએ. ભારતમાં લાંબા અંતરની બસોને ઇલેક્ટ્રિફાઇડ કરવી પડશે, જો કે ગેસનો ઉપયોગ હવે 10-15 વર્ષ સુધી બળતણ તરીકે થઈ શકે છે.
ડીઝલનો વપરાશ અને વાહનોની ઉપલબ્ધતા:
ભારતમાં ડીઝલની માંગ ઘણી વધારે છે, હાલમાં ભારતના પેટ્રોલિયમ ઉત્પાદનોના વપરાશમાં ડીઝલનો હિસ્સો 40% જેટલો છે. ડીઝલનો વપરાશ 2011 માં 60.01 MMT થી વધીને 2019 માં 83.53 MMT થયો. જો કે, વર્ષ 2020 અને 2021 માં, કોરોના રોગચાળા અને પરિવહનમાં ઘટાડાને કારણે, વપરાશ અનુક્રમે 82.60 અને 72.71 MMT હતો. નાણાકીય વર્ષ 2023 માં તે 79.3 મિલિયન સુધી પહોંચવાની અપેક્ષા છે. ડીઝલ વપરાશમાં પેસેન્જર વાહનોનો હિસ્સો લગભગ 16.5% છે, જે 2013 માં 28.5% થી નોંધપાત્ર રીતે ઘટી ગયો છે.
મારુતિ સુઝુકીએ 2020માં તેના પોર્ટફોલિયોમાંથી ડીઝલ વાહનોને તબક્કાવાર હટાવી દીધા છે. જ્યારે ટાટા, મહિન્દ્રા અને હોન્ડાએ પણ 1.2-લિટર ડીઝલ એન્જિનનું ઉત્પાદન બંધ કરી દીધું છે અને હવે ડીઝલ વેરિઅન્ટ ફક્ત 1.5-લિટર અથવા તેથી વધુની એન્જિન ક્ષમતાવાળા વાહનોમાં ઉપલબ્ધ છે. Hyundaiએ 2020 માં ગ્રાન્ડ i10 NIOS અને Aura મોડલમાં 1.2-લિટર BS-VI ડીઝલ વેરિઅન્ટ રજૂ કર્યું હતું, પરંતુ 2022 થી 1.2-લિટર ડીઝલ વાહનોનું ઉત્પાદન બંધ કરી દીધું છે. આવી સ્થિતિમાં બજારમાં ડીઝલ વાહનો ઉપલબ્ધ ન હોવાને કારણે ડીઝલનો વપરાશ પણ ઘણો ઓછો થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.