સુરત મનપા દ્વારા આજથી આવાસના ફોર્મનું વિતરણ શરુ, જાણો અંતિમ તારીખ

Pradhan Mantri Awas Yojana: સુરત મહાનગર પાલિકા દ્વારા આજથી આવાસના ફોર્મનું વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વેસુ, ડિંડોલી અને જહાંગીરપુરા સહિત ચાર સ્થળે 2300થી વધુ આવાસો માટે શહેરીજનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવાસના(Pradhan Mantri Awas Yojana) ફોર્મ માટે બેંક પર સવારથી જ લાંબી કતારો લાગી હતી. આજથી ફોર્મ વિતરણ કામગીરી શરૂ કરતા વહેલી સવારથી જ ફોર્મ વિતરણ કરનારી બેંકો પર ફોર્મ લેવા માટે આવાસ ઈચ્છુક લોકોએ લાઈન લગાવી દીધી છે.

સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે બનાવવામાં આવેલા આવાસ માટે આજથી ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ફોર્મ વિતરણના પહેલાં જ દિવસે શહેરીજનોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ઉધના ખાતે આવેલ બેંકમાં આવાસ માટેના ફોર્મ મેળવવા માટે વહેલી સવારથી લાભાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. સુરત મહાનગર પાલિકા દ્વારા બનાવવામાં આવેલા આવાસના ફોર્મ જમા કરાવવાની અંતિમ તારીખ 31મી ડિસેમ્બર નિર્ધારિત કરવામાં આવી છે.

સુરત મહાનગર પાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરમાં ભીમરાડ ખાતે સુમન સ્મિત, ડિંડોલીમાં સુમન નુપુર અને વેસુ કેનાલ રોડ પર સુમન શિલ્પ તથા જહાંગીરપુરામાં સુમન મૈત્રીના નામે આવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં અનુક્રમે 928, 63, 540 અને 808 મળી કુલ્લે 2300થી વધુ ફ્લેટોનું નિર્માણ કરવામાં આવ્યું છે. 36 ચોરસ મીટરનો એરિયા ધરાવતાં આ ફ્લેટની કિંમત 5.50 લાખ રૂપિયા અને 50 હજાર રૂપિયા ડિપોઝીટ નિર્ધારિત કરવામાં આવેલ છે.

ત્રણ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતાં લાભાર્થીઓ માટે આજથી મહાનગર પાલિકા દ્વારા ફોર્મ વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેને પગલે ઉધના ખાતે આવેલ કોટક મહિન્દ્રા બેંકમાં સવારથી જ ફોર્મ મેળવવા માટે શહેરીજનોની લાંબી કતારો નજરે પડી હતી. PMAY યોજનાની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા 2015 માં કરવામાં આવી હતી જેનું લક્ષ્ય 2024 સુધીમાં ઓછી આવક ધરાવતા જૂથ (LIG), આર્થિક રીતે નબળા વર્ગ (EWS) અને મધ્યમ આવક જૂથ (MIG 1 અને 2)ને ‘બધા માટે આવાસ’ પહોંચાડવાનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *