પશુપાલકોમાં આંનદો: જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘે દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો

Gujarat Milk Fat Price increased: સુરત અને તાપી જિલ્લાના લાખો પશુપાલકો માટે આશાજનક સમાચાર સામે આવ્યા છે. સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ કિલોફેટ (Gujarat Milk Fat Price increased) રૂપિયા 20નો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે ગ્રામ્યસ્તરે રહેતા પશુપાલકોને આર્થિક રીતે મોટો સહારો મળશે.આ સાથે જ રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘે દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે રૂપિયા 10નો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આ ભાવ વધારો થતા પશુપાલકો ખુશખુશાલ થઇ ગયા છે.

સુરતમાં પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો વધારો
સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલે આ ભાવવધારાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી પશુપાલન ખર્ચમાં વધારો થયો છે. પશુઓને ચારો, ઔષધો અને રખડાવવાની ખર્ચાળ પ્રવૃત્તિઓથી પશુપાલકો પર આર્થિક બોજો વધ્યો હતો. આવા સંજોગોમાં દૂધના ભાવમાં થયેલો વધારો સમયોચિત અને જરૂરી છે.હાલમાં ભેંસના દૂધનો ભાવ રૂ. 850 પ્રતિ કિલો હતો,

જે વધારીને હવે રૂ. 870 કરવામાં આવ્યો છે. જ્યારે ગાયના દૂધનો ભાવ રૂ. 810થી વધીને રૂ. 830 પ્રતિ કિલો થયો છે. આ ભાવવધારો તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. સુમુલ ડેરીના ડાયરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે, “આ ભાવ વધારાથી સુરત અને તાપી જિલ્લામાં રહેતા અંદાજે અઢી લાખ પશુપાલકોને વાર્ષિક રૂ. 70 કરોડથી વધુનો આર્થિક લાભ થશે. આ પગલાથી પશુપાલનમાં નફાકારકતા વધશે અને વધુ લોકો પશુપાલન તરફ આકર્ષાય તેવો અમારોઅ આશય છે.”

રાજકોટમાં 10 રૂપિયાનો વધારો
રાજકોટમાં રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘે પ્રતિકિલો ફેટ 10 રૂપિયાનો વધારોકર્યો છે અને હવે આજથી 810 રૂપિયા આપવામાં આવશે. રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના આ નિર્ણયથી રાજકોટ જિલ્લાના 50 હજાર પશુપાલકોને ફાયદો થશે.

ગયા મહિને પણ રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘે પશુપાલકોને ખુશ કરી દીધા હતા. રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘે નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં પણ દૂધના ભાવમાં કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરી પશુપાલકોને ભેટ આપી હતી. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે ઉનાળા દરમિયાન દૂધનું ઉત્પાદન સરેરાશ ઓછું રહેતું હોય છે. ત્યારે ઉનાળામાં ગરમીને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને માલધારીઓને આર્થિક મદદ થવાના ઉદ્દેશ સાથે આ વધારો કરવામાં આવે છે.