શું તમે જાણો છો ક્યાં મળ્યો હતો કોહિનૂર હીરો? કોણ હતું પહેલું માલિક….

Kohinoor Diamond: કોહિનૂર હીરાનું નામ સાંભળતા જ લોકોને એ વાતનો અફસોસ થતો હોય છે કે આ કિંમતી હીરો ભારતનો હતો. જે હવે ઇંગ્લેન્ડમાં છે. કોહિનૂરનો પોતાનો જ એક ઇતિહાસ છે, જે ખૂબ લાંબો છે. તેની કહાની ફક્ત અંગ્રેજોના હાથમાં ભારતથી ઇંગ્લેન્ડની (Kohinoor Diamond) મહારાણીના મુકુટ સુધીની જ નથી. આ હીરો ઘણા માલિકોના હાથમાંથી પસાર થતા બ્રિટન સુધી પહોંચ્યો છે. જોકે આ તથ્ય વિશે જાણકારી ખૂબ ઓછા લોકોને હશે.

દિલચસ્પ વાતો તો એ છે કે અત્યાર સુધી આ હીરાને કોઈએ વેચ્યો પણ નથી અને કોઈએ ખરીદ્યો પણ નથી. આ હીરો સમયે સમયે કોઈ વ્યક્તિને ભેટ આપવામાં આવ્યો અથવા કોઈ યુદ્ધમાં જીતવામાં આવ્યો. કોહિનૂર હીરા વિશે તમે ઇતિહાસથી લઈને સમાચારોમાં ખૂબ સાંભળ્યું અને વાંચ્યું હશે. પરંતુ શું તમને ખબર છે તેનો અસલી માલિક કોણ હતું? આજે અમે તમને તેના વિશે જણાવીશું.

ક્યાંથી અને કઈ રીતે મળ્યો હતો પહેલી વખત કોહીનુર?
કોહિનૂર હીરો બીજે ક્યાંથી નહીં પરંતુ ભારતમાંથી જ મળ્યો હતો. લગભગ 800 વર્ષ પહેલા આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લામાં આવેલા ગોલાકોંડાની ખાણમાંથી આ હીરો મળ્યો હતો. આ અમૂલ્ય હીરાનું વજન 186 કેરેટ હતું. જોકે આ હીરાને ઘણી વખત પોલીશ કરવામાં આવ્યો અને તેનું વજન ઓછું થતું ગયું હતું. તેમ છતાં તેને આજે પણ દુનિયાના સૌથી મોટા પોલીશ કરેલા હીરા તરીકે ઓળખવામાં આવે છે. જમીનથી માત્ર 13 ફૂટની ઊંડાઈમાંથી કોહિનૂર હીરો મળ્યો હતો, જેના પહેલા માલિક કાકતીય વંશજો હતા. આ રાજવંશએ આ બેનમુન હીરાને પોતાની કુળદેવી ભદ્રકાળીની આંખમાં લગાવ્યો હતો.

કેટલા હાથોમાં ગયો, ક્યાં ક્યાં પહોંચ્યો?
14મી સદીમાં અલાઉદ્દીન ખીલજીએ આ હીરાને કાકતીય રાજાઓ પાસેથી લૂંટી લીધો. પાણીપત યુદ્ધમાં મોગલ શાસક બાબરએ આગ્રા અને દિલ્હીના કિલ્લા જીત્યા બાદ આ હીરાને પણ લૂંટી લીધો હતો. આ હીરા પર પછી ઇરાની શાસક નાદિર શાહનો હક થઈ ગયો, જ્યારે તેણે 1738 માં મુગલોને હરાવ્યા અને અહેમદ શાહ પાસેથી હીરો છીનવી લીધો અને પોતાની સાથે બહાર લઈ ગયો. નાદિર શાહએ મયુરાસન પણ છીનવી લીધું હતું અને હીરાને તેમાં જડી દીધો હતો. આ હીરાને કોહિનૂરનું નામ પણ નાદિર શાહએ જ આપ્યું હતું જેનો અર્થ રોશનીનો પર્વત થાય છે. જ્યારે નાદીર શાહની હત્યા બાદ તેના પૌત્ર શાહરૂખ મિર્ઝાને હીરો મળ્યો, તો તેણે અફઘાની શાસક અહમદ શાહ દુરાનીને ભેટમાં કોહિનૂર હીરો આપ્યો. જોકે 1813માં મહારાજા રણજીતસિંહએ શાહ પાસેથી હીરાને લઈ તેને પાછો ભારતમાં લાવ્યા.

આ રીતે પહોંચ્યો અંગ્રેજો પાસે
1849માં શીખ અને અંગ્રેજો વચ્ચે બીજું યુદ્ધ થયું. આ લડાઈમાં શીખનું શાસન ખતમ થઈ ગયું. અંગ્રેજોએ મહારાજા ગુલાબસિંહની તમામ સંપત્તિની સાથે સાથે કોહિનૂરને પણ બ્રિટનની રાણી વિક્ટોરિયાને સોંપી દીધો. 1850માં તે બંકિઘમ પેલેસમાં પહેલી વખત પહોંચ્યો અને ડચ કંપની કોસ્ટરે તેને વધારે પોલીશ કરી રાણીના મુગટમાં જડી દીધો. કોહિનૂર ઉપર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પણ પોતાનો દાવો કરતા આવ્યા છે. હાલમાં આ હીરો લંડનમાં છે અને ભારત તરફથી તેને પાછો લાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.