સુરતમાં ‘ચાર વર્ષમાં પૈસા ડબલ’ ની લાલચ આપી 700 લોકો પાસેથી 4 કરોડ બુચ મારનાર મહિલા ઝડપાઈ

આજકાલ છેતરપીંડીના(Fraud) કેસો ખુબ જ વધે છે. ઘણા કેસોમાં તો છેતરપીંડી દ્વારા લોકોના લાખો કરોડો રૂપિયા જતા હોય છે. હાલ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં દિલ્હી પોલીસે (Delhi Police) ગુજરાતના(Gujarat) સુરતમાંથી(Surat) 4 કરોડની છેતરપિંડી કરનાર આરોપી મહિલાની ધરપકડ કરી છે. આ કેસમાં તેના પતિ સહિત અન્ય ઘણા આરોપીઓ પણ જોડાયેલા છે. હાલ પોલીસ તે મહિલાની પૂછપરછ કરી રહી છે.

દિલ્હી પોલીસે પૈસા ડબલ કરવાના બહાને 700 લોકો સાથે 4 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર મહિલા આરોપીની ધરપકડ કરી છે. મળેલી માહિતી અનુસાર આરોપીઓએ લોકોને 4 વર્ષમાં તેમના પૈસા ડબલ કરવાની લાલચ આપીને તેમની કંપનીમાં નાણાં રોકાવ્યા હતા. દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) એ 48 વર્ષીય મહિલા આરોપી સુનીતા સૈનીની ગુજરાતમાંથી ધરપકડ કરી છે. તેણી ગુજરાતના સુરત શહેરની છે.

આરોપી મહિલા સુનીતા પર તે 700 લોકોના પૈસા છેતરવાનો આરોપ છે, જેમણે સુનીતાની નાણાકીય બાબતોની કંપની વસુંધરા ગ્રુપમાં પૈસા રોક્યા હતા. જાણવા મળ્યું છે કે, આ કંપની દિલ્હીના આઝાદપુર સ્થિત નિકિતા ટાવર-2 કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આવેલી હતી. સુનીતાએ પીડિતોને દાવો કર્યો હતો કે તેમના પૈસા 4 વર્ષમાં બમણા થઈ જશે.

જાણવા મળ્યું છે કે, આ કેસમાં સુનીતા સૈની ઉપરાંત કંપનીના માલિક અને ડાયરેક્ટર ચંદ્ર પ્રકાશ સૈની ઉર્ફે સીપી સૈની અને ઘણા આરોપીઓ સામેલ છે. આરોપીઓએ સામાન્ય લોકોને તેમની કંપનીમાં સેવિંગ્સ એકાઉન્ટ, ફિક્સ્ડ ડિપોઝીટ એકાઉન્ટ અને અન્ય એકાઉન્ટ ખોલવાની આકર્ષક ઓફર કરી હતી. લાલચના કારણે આરોપીની કંપનીમાં 700થી વધુ લોકોએ ખાતા ખોલાવી છેતરપિંડીનો શિકાર બન્યા હતા. આરોપીઓએ પીડિતોને પ્રમાણપત્ર અને પાસબુક પણ આપી હતી.

પીડિતોને માત્ર 4 વર્ષમાં આકર્ષક વળતર અને રોકાણની રકમ બમણી કરવાની ઓફર કરવામાં આવી હતી. બાદમાં જ્યારે લોકોએ તેમના પૈસા પાછા માંગવાનું શરૂ કર્યું તો આરોપી તેમને છોડીને ભાગી ગયો. આ પછી પીડિતોની સંખ્યા દિવસેને દિવસે વધતી ગઈ. પીડિતોની સંખ્યા 700 થી વધુ થઈ ગઈ છે. તમામ આરોપીઓ છેલ્લા 6 મહિનાથી ફરાર હતા.

મળતી માહિતી અનુસાર પોલીસે પ્રેમવતી નામની મહિલા સહિત 5 લોકોની ફરિયાદ પર આ કેસ નોંધ્યો હતો. EOW ના CP છાયા શર્માએ જણાવ્યું હતું કે EOW એ ફરિયાદ મળતાની સાથે જ કેસ નોંધ્યો હતો. આરોપીઓને શોધી કાઢવા પર, દિલ્હી પોલીસે સુરત, ગુજરાતમાં દરોડા પાડ્યા અને આરોપી ચંદ્ર પ્રકાશ સૈનીની પત્ની સુનીતા સૈની અને તેમના પરિવારના સભ્યોની ધરપકડ કરી. આરોપી સુનિતા સૈની કંપનીમાં સહ-નિર્દેશક અને શેરહોલ્ડર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *