મહારાષ્ટ્ર (Maharashtra) ના બુલઢાણામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક યુવતીના પિતાએ ઘરે આવેલી જાનને ઘરે પરત મોકલી દીધી હતી અને લગ્નમાં આવેલા કોઈ સગા યુવક સાથે દીકરીના લગ્ન કરાવી દીધા હતા. આ ઘટના જિલ્લાના મલકાપુર પંગરા ગામમાં બની હતી.
જાણવા મળ્યું છે કે, જાન લગ્ન સ્થળના દરવાજે પહોચી અને વરરાજો કારમાંથી નીચે ઉતરી ગયો અને મિત્રો સાથે ડાન્સ કરવા લાગ્યો. વરમિયાં પોતાના લગ્નની ખુશીમાં એટલા મશગૂલ થઇ ગયા કે લગ્નનો શુભ સમય ડાન્સ કરતા કરતા પસાર થઈ ગયો. આનાથી નારાજ થઈને છોકરીના પિતાએ આખેઆખી જાન પાછી મોકલી દીધી અને એ જ લગ્નમંડપમાં બીજા છોકરા સાથે દીકરીના લગ્ન કરાવી દીધા.
છોકરીના પિતાનો આરોપ છે કે વરરાજો ખૂબ જ નશામાં હતો, તેથી તેણે લગ્ન કરવાની ના પાડી દીધી. છોકરીના પિતાએ જણાવ્યું કે મુહૂર્ત વીતી ગયા બાદ સાંજે 4 વાગ્યે જાન તેના ઘરે પહોચી અને વરરાજો 8 વાગ્યા સુધી ડાન્સ કરતો રહ્યો. મોડા આવવાનું કારણ પૂછતાં જાનૈયાઓએ મારપીટ શરુ કરી દીધી. પછી અમે તેમને ખવડાવ્યા વિના પરત કરી દીધા.
આ સિવાય યુવતીના પિતાનું કહેવું છે કે જાન આવી હતી અને જો દીકરીના લગ્ન ન થયા હોત તો ઘણી બદનામી થઈ હોત. તેથી, પ્રિયજનોની સલાહ લઈને, પુત્રીના લગ્ન દૂરના સંબંધી સાથે કરાવ્યા. દુલ્હન પણ આ લગ્નથી ખૂબ જ ખુશ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, લગ્નના મંડપમાંથી ભગાડી મુકેલા વરરાજાએ પણ બીજા દિવસે ધામધૂમથી લગ્ન કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.