સુરેન્દ્રનગરમાં માંતેલા સાંઢની જેમ આવતાં ડમ્પરે 4 વાહનોને ટક્કર મારતા બે નાં મોત; જાણો સમગ્ર ઘટના

Surendranagar Accident: સુરેન્દ્રનગર શહેરની એપીએમસી ચોકડી પાસે સદ્દભાવના ટ્રસ્ટ દ્વારા રોપાયેલ વૃક્ષોને પાણી પીવડાવવાનું કામ કરતા દંપતી ટ્રેકટર લઈને જતા હતા. ત્યારે એક ડમ્પરે પાછળથી ટક્કર મારતા ટ્રેકટરના પંખા પર બેસેલ મહિલા જમીન પર પટકાઈ હતી અને ડમ્પરના વ્હીલમાં (Surendranagar Accident) આવી જતા ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. આ ડમ્પરના ચાલકે ટ્રેકટર ઉપરાંત બાઈક, એસ.ટી.બસ, છોટા હાથીને પણ અડફેટે લીધા હતા. જેમાં બાઈક પર સવાર બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જેમાંથી એકનું અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મોત થયુ છ.

ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો હતો
સુરેન્દ્રનગર શહેરમાંથી દોડતા ડમ્પર ફરી એકવાર યમદુત સમાન બન્યા છે. સુરેન્દ્રનગર-વઢવાણ હાઈવે પર એપીએમસી ચોકડી પાસે સર્જાયેલ અકસ્માતમાં મહિલાનો જીવ ગયો છે. આ અંગે બી ડીવીઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ મુળ પંચમહાલ જિલ્લાના પ્રભાતભાઈ હીરાભાઈ ઘોડ અને તેમના પત્ની આશાબેન લખતરમાં રહે છે

અને રાજકોટના સદ્દભાવના ટ્રસ્ટ દ્વારા કરાયેલ વૃક્ષારોપણના વૃક્ષોને પાણીના ટેન્કર વડે પાણી પીવડાવવાનું કામ કરે છે. તા. 9મીએ મોડી સાંજે દંપતી ટ્રેકટર લઈને ડીઝલ પુરાવવા જતા હતા. ત્યારે એપીએમસી ચોકડી પાસે પાછળથી પુરઝડપે આવતા ડમ્પરના ચાલકે અકસ્માત સર્જ્યો હતો.

મહિલાના માથે ડમ્પરનું વ્હીલ ફરી વળતા થયું મોત
જેમાં ટ્રેકટરના ડાબી સાઈડના પંખા પર બેસેલા આશાબેન નીચે પટકાયા હતા અને ડમ્પરનું વ્હીલ તેમના પરથી ફરી વળ્યુ હતુ. આ ઉપરાંત આ ડમ્પર ચાલકે બાઈક સાથે અકસ્માત સર્જયો હતો. જેમાં બાઈક સવાર સુરેશભાઈ શાંતીલાલ વણોલ અને પ્રભાત ઉર્ફે પાર્થ મનુભાઈ વણોલને ઈજાઓ પહોંચી હતી.

જયારે ડમ્પરે એસ.ટી.બસ અને છોટા હાથી સાથે અકસ્માત સર્જી નુકશાન પહોચાડયુ હતુ. અકસ્માતમાં મોતને ભેટેલા આશાબેનના મૃતદેહને પીએમ માટે ગાંધી હોસ્પિટલ લઈ જવાયા હતા. જયારે બાઈક સવાર સુરેશભાઈ વણોલ અને પ્રભાત વણોલને સારવાર માટે અમદાવાદ લઈ જવાયા હતા. જેમાં સારવાર દરમિયાન સુરેશભાઈ વણોલનું મોત થયુ છે.

અકસ્માતમાં આ ઓચિંતા મોતના પગલે મૃતકનો પરિવાર શોકમાં ગરકાવ થયો છે. તેમજ આ ઘટનાના પગલે પરિવારમાં ભારે રોકકળ જોવા મળી રહી હોવાનું સામે આવ્યું છે.