Benefits Of Mogri: બહુ ઓછી જાણીતી અને ટ્રેડિશનલ રેસિપીઓમાં જ વપરાતી મોગરી કદાચ એના સ્વાદને કારણે લોકપ્રિય નથી, પરંતુ એના સ્વાસ્થ્યના ફાયદાને ઓછા (Benefits Of Mogri) આંકવા જેવા નથી. મોગરી પર વધુ અભ્યાસો થયા નથી, પરંતુ વનસ્પતિશાસ્ત્રીઓથી લઈને ન્યુટ્રિશનિસ્ટ અને આયુર્વેદ નિષ્ણાતો પણ જેને સુપરફૂડની કૅટેગરીમાં મૂકે છે એ શાકના ફાયદા જાણશો તો વીકમાં એક વાર તો તમારી થાળીમાં આ શાક સજાવવાનું મન ચોક્કસ થશે
મોગરી ખાવાના ફાયદાઓ
મોગરી અને મૂળા બન્ને એકબીજા સાથે પુષ્કળ સામ્ય ધરાવે છે. તેમ છતાં જેટલા મૂળા ખવાતા હોય છે એટલી મોગરી નથી ખવાતી. જોકે આ એક સુપરફૂડ છે જેને અવગણવું ન જોઈએ. મોગરી વિશે બહુ ઓછા અભ્યાસો થયાં છે, પરંતુ જે અભ્યાસો થયા છે એ બહુ મોટી આશા જગાવનારા છે. ભારત ઉપરાંત પાકિસ્તાન, બંગલાદેશ અને કેટલાક યુરોપિયન દેશોમાં પણ મોગરીની ખેતી થાય છે અને શાક તરીકે વપરાય છે. આપણે જે શાકને સાવ જ અવગણીએ છીએ એને યુરોપિયન દેશોમાં સૅલડ તરીકે પુષ્કળ ખાવામાં આવે છે એટલું જ નહીં, સૅન્ડવિચનું સ્પ્રેડ બનાવવામાં પણ એનો ઉપયોગ થાય છે.
આ રોગમાં મળશે અઢળક ફાયદો
વનસ્પતિશાસ્ત્રીઓના દાવા છે કે આ શાકમાં જે પ્રકારનાં તીવ્ર ગંધ બક્ષતાં કેમિકલ્સ છે જે ફ્લેવનૉલ્સ, ફેનોલિક ઍસિડ અને આઇસોથાયોસાયનેટ્સ તરીકે ઓળખાય છે એને કારણે આ શાકને સુપરહેલ્ધીની કૅટેગરીમાં ગણવું જોઈએ.મોગરીમાં રહેલાં કેમિલ્સ શરીરમાં પેદા થયેલા કૅન્સરજન્ય કોષોને હીલ કરવાની તેમ જ હાર્ટના રોગોને પ્રિવેન્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. એ ઉપરાંત સાંધાઓના ઑટો ઇમ્યુન ડિસીઝ એવા રૂમેટૉઇડ આર્થ્રાઇટિસ અને ડાયાબિટીઝની સમસ્યાને પણ કન્ટ્રોલમાં રાખી શકે એટલાં સ્ટ્રૉન્ગ અને પોષક કેમિકલ્સ મોગરીમાં છે. એક ખાસ કેમિકલ, જેનું નામ છે ક્વિર્સેટિન એ શરીરને કૅન્સર, કાર્ડિયોવૅસ્ક્યુલર, અલ્સર, ઍલર્જી અને મોતિયાની સમસ્યાના પ્રિવેન્શનમાં મદદરૂપ થઈ શકે એવું છે.
સુપરહેલ્ધી કેમ છે?
આપણે ત્યાં મોગરી બે પ્રકારની મળે છે. એક લીલી અને બીજી જાંબલી. શિયાળામાં મળતું આ શાક કાચું ખાઈએ તો પણ સરસ લાગે છે એટલે કચુંબર સ્વરૂપે તો ખાઈ જ શકાય પરંતુ એનું શાક પણ સુપર ટેસ્ટી બને છે. પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, કૅલ્શિયમ, ફૉસ્ફરસ અને અન્ય ખનીજ દ્રવ્યોથી ભરપૂર આ શાક વિશે ન્યુટ્રિશનિસ્ટ કરિશ્મા મહેતા કહે છે, ‘આને મૂળાના અંકુર તરીકે પણ ઓળખવામાં આવે છે. એ વિટામિન્સ, ખનીજ તત્ત્વો અને ઍન્ટિઑક્સિડન્ટના પાવરહાઉસ છે. મોગરી વિટામિન Cનો પણ ઉત્તમ સ્રોત છે.
આ શાક ખાવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે. મોગરીના ઉપયોગથી શરીરમાં કૉલેજનનું ઉત્પાદન વધે છે અને એ કારણે ત્વચાને ઘણોબધો ફાયદો થાય છે. મોગરીને વિટામિન Aનો પણ સમૃદ્ધ સ્રોત ગણવામાં આવે છે. વિટામિન A આપણી આંખના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. એટલે જો મોગરી ખાવામાં આવે તો એ આંખ માટે પણ ફાયદાકારક પુરવાર થાય છે. આ ફોલેટનો પણ એક મોટો સ્રોત છે જે DNA સિન્થેસિસમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓએ તો મોગરી ચોક્કસપણે ખાવી જોઈએ. આમાં ફાઇબર પણ ભરપૂર હોય છે જે પાચનક્રિયા સુધારવામાં મદદ કરે છે અને આંતરડાના કાર્યને બેટર બનાવે છે. જેમને ખૂબ બ્લોટિંગ થતું હોય એવા લોકો માટે મોગરી ખૂબ અસરકારક નીવડે છે.’
કોણે મોગરી ન ખાવી જોઈએ?
જેમને અલ્સરની સમસ્યા હોય કે પછી પેટનું કળતર હોય તેમણે મોગરી ખાવાનું ટાળવું જોઈએ કારણ કે, એની તાસીર ઉષ્ણ છે અને એના કારણે બળતરા થઈ શકે છે. એ ઉપરાંત પથરીની સમસ્યા હોય એવા તેમ જ લોહી પાતળું કરવાની દવા લેતા હોય એવા લોકોએ પણ ડૉક્ટરને કન્સલ્ટ કર્યા પછી મોગરીનું સેવન કરવું કારણ કે મોગરીમાં આયર્ન ભરપૂર હોય છે અને પથરી પણ આ જ તત્ત્વથી બનતી હોય છે અને એ કૉલેસ્ટેરોલ ઓછું કરે છે તેથી બ્લડ-સર્ક્યુલેશનમાં ફરક પડે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App