ગોડસેને ગાંધીજીની હત્યા બાદ સાવરકરે ઓળખવાની ના પાડી દીધી હતી, હત્યારા નથ્થુરામને ફાંસી આપવા કોર્ટને કહ્યું હતું

Bhagirath Jogia: 1944માં શારીરિક રીતે બીમાર બાપુ આરામ માટે પંચગની જાય છે. ત્યાં એક સવારે પ્રાર્થનાસભા વખતે પોલીસ બાપુને કહે છે કે પુણેથી કેટલાક મવાલીઓ તમારી પાછળ આવ્યા છે અને બહાર રસ્તા પર તમારા વિરુદ્ધ ગાળાગાળી કરી રહ્યા છે. (સૂત્રોચ્ચાર નહિ, કાયદેસરની ગાળાગાળી જ.) બાપુએ કહ્યું કે એ છોકરાઓ સાથે મારે વાત કરવી છે, એમને અહીં બોલાવો. પણ મવાલીઓ આવ્યા નહિ.

પ્રાર્થનાસભા શરૂ થઈ ત્યારે એ તોફાનીઓમાંથી એક છોકરો ત્યાં દોડતો બાપુ સામે ખંજર લઈને ઘસી આવ્યો, પણ બાપુની સાવ નજીક પહોંચે એ પહેલાં જ બાપુની મંડળીના સ્વયંસેવક એવા પહેલવાન ભીલ્લારે ગુરુએ એ મવાલીને બોચીમાંથી ઝાલીને સભાની બહાર ફેંકી દીધો. (મવાલીઓ વૃદ્ધ બીમાર બાપુને ગોળી મારી શકે, પહેલવાનને થોડા પહોંચી શકે!) અહિંસાના પૂજારી એવા ગાંધીજીએ કહ્યું કે એ નાદાન છોકરાઓ સાથે મારપીટ કે પોલીસ ફરિયાદ કરશો નહિ. એમને બસમાં બેસાડીને સુરક્ષિત રીતે પુણે પહોંચાડી દો. બીજે દિવસે છાપામાં હેડલાઈન આવી કે “પુણેના ગોડસે નામક તંત્રીએ ગાંધીજી પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો”

1934માં પુણે ખાતે ગાંધીજીની ગાડી પર એક હેન્ડગ્રેનેડ ફેંકાયો. સદનસીબે એ દિવસે બાપુ બે ગાડીમાં કાફલા સાથે પ્રવાસ કરી રહ્યા હોવાથી બાપુ બેઠા હતા એ સિવાયની અન્ય ગાડીના બોનેટ પરથી બૉમ્બ ઉછળીને રસ્તા પર પડ્યો. અમુક લોકો ઘાયલ થયાં પણ કોઈ જાનહાનિ થઈ નહિ. વરસો પછી અહમદનગરમાં તાજીયાના ઝુલુસ વખતે બે બૉમ્બ ફેંકાયા એમાં અહમદનગર હિન્દુ મહાસભાના પ્રમુખ કરકરેનું નામ આવ્યું. ફોરેન્સિક રિપોર્ટમાં ખ્યાલ આવ્યો કે આ બોમ્બની બનાવટ અદ્દલ એવી જ હતી જે ગાંધીજી પર 1934માં ફેંકાયેલો…

આ આખી પૂર્વધારણા બાંધવાનું કારણ એક જ કે ગોડસેએ ગાંધીજીની હત્યા કર્યા પછી એક એવું કરુણ નિવેદન આપેલું કે ‘લેટ્સ કિલ ગાંધી’ પુસ્તક લખનારા ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીના શબ્દોમાં જ કહીએ તો ‘ જો હું ન્યાયાધીશ હોઉં અને કોર્ટનો ફેંસલો લાગણીઓથી થતો હોય તો આવુ કરુણ સ્ટેટમેન્ટ સાંભળ્યા પછી ગોડસેને નિર્દોષ છોડી દઉં!!!’ લાંબાલચક લાગણીશીલ એ સ્ટેટમેન્ટ બાપુની હત્યાના સિત્તેર વરસ પછી પણ એટલું પ્રખ્યાત છે કે મોટાભાગના નાગરિકો એમ જ માને છે કે મુસ્લિમો પ્રત્યે બાપુની તરફદારી ના કારણે આવેશમાં આવી ગયેલા ગોડસેએ બાપુની હત્યા કરી. પણ ઉપર જણાવ્યા એ હુમલાઓની વિગતમાં ઊંડા ઉતરો તો ખ્યાલ આવે કે ગાંધીજીની હત્યા એક વ્યવસ્થિત ઘડાયેલા ષડયંત્ર મુજબ થઈ હતી નહિ કે કોઈ ક્ષણિક આવેશના કારણે. 1934 હોય કે 1944 હોય, ત્યારે કોઈ ભાગલાની વાત નહોતી કે પાકિસ્તાનને આપેલા 55 કરોડની પણ નહીં. છતાં ગોડસેએ હત્યા પછી જે સ્ટેટમેન્ટ રજૂ કર્યું એના કારણોની વ્યર્થતા બાબતે ઉપરછલ્લી નજર ફેરવવા જેવી છે…

1. ગાંધીજીએ ભાગલા પછી પાકિસ્તાનને 55 કરોડ અપાવેલા: પરિવારની જેમ જ દેશના ભાગલા પડે ત્યારે કોઈ દેશને ખાલી હાથે રવાના કરી શકાય નહીં. ભાગલા થયેલા ત્યારે લોર્ડ માઉન્ટબેટનની આગેવાની હેઠળ સરકારી તિજોરી તો ઠીક ખુરશી-ટેબલ જેવી નાની નાની ચીજોના પણ ભાગલા પડ્યા. રોકડ હિસાબ લાંબો ચાલે એમ હોવાથી પાકિસ્તાન એડવાન્સ 20 કરોડ રૂપિયા લઈને છૂટું પડ્યું. ભારત સરકારે બાકીના રૂપિયા ના આપવા પડે એવી તમામ શક્યતાઓ તપાસી જોઈ, પણ માઉન્ટબેટને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનો ભય બતાવ્યો, જેમાં ભારતની હાર અને પાકિસ્તાનની જીત નક્કી જ હતી. અંતે, માઉન્ટબેટને ગાંધીજી સાથે દિલ્હીમાં નિરાશ્રિતો સાથે શાંતિપૂર્ણ વ્યવહારને બહાને મંત્રણા કરીને બાપુને ઉપવાસ માટે તૈયાર કર્યા. ગાંધીજીનો ઉપવાસ તો ભાગલા પછીની શાંતિ માટે હતો પણ એને 55 કરોડ માટેના ઉપવાસ તરીકે પરફેક્ટ રીતે જનતાના મગજમાં બેસાડી દેવામાં આવ્યો.

2. ખિલાફત આંદોલનને બહાને ગાંધીજીએ મુસ્લિમોનું તુષ્ટિકરણ કર્યું: અંગ્રેજો 1857માં હિન્દુ-મુસ્લિમ એકતાની શકિત જોઈને પાછળથી એવા ફફડી ગયેલા કે એમણે ધ્રુવીકરણ માટેની મહત્તમ કોશિશો કરી લીધી. એ એટલી સફળ થઈ કે ત્યાર પછી લાંબા સમય સુધી બેય કોમ અંગ્રેજો વિરુદ્ધ એક થઈને ભાગ્યે જ લડી શકી. ખિલાફત આંદોલનને ભારતીય મુસ્લિમ સમાજ સાથે કોઈ જ સંબંધ ના હોવા છતાં રાજકીય રમતમાં પાવરધા બાપુએ મુસ્લિમોને પોતાની ભારતીયતા પ્રત્યે માં થાય અને તેઓ ફરીથી હિન્દુઓ સાથે મળીને લડે એ હેતુથી આંદોલનને સપોર્ટ કર્યો.

3. ગાંધીજીને કારણે જ ભારતના ભાગલા પડ્યા: હકીકતમાં તો ગાંધીજી અને કોંગ્રેસ ક્યારેય ભાગલાના સમર્થનમાં જ નહોતા. જિન્નાહ અને મુસ્લિમ લીગને પોતાના રાજકીય લાભ માટે અલગ પાકિસ્તાન જોતું હતું, તો સામે ઘણા હિન્દુવાદીઓને ધાર્મિકતાના આધારે હિન્દુ-મુસ્લિમ એમ બે અલગ રાષ્ટ્રોનું વિભાજન કરવું હતું. (પણ તત્કાલીન રાજકારણમાં એમની કોઈ મોટી પહોંચ ન હોવાથી સઘળો આધાર ગાંધીજી અને કોંગ્રેસ પર જ હતો.) અંતે કોંગ્રેસના સ્વીકાર પછી કચવાતે મને બાપુએ ભાગલાનો સ્વીકાર કરવો જ પડ્યો.

4. ભાગલા પછી ગાંધીજીએ મુસ્લિમોને બચાવ્યા પણ હિન્દુઓને મરવા દીધા: આ એક એવું લેબલ છે જેને ઇતિહાસના મૂર્ખ વિધાર્થીઓ સિવાય કોઈ જ સાચું ના માને. કારણ કે ગાંધીજી તો નૌઆખલીમાં સુહરાવરદીના કટ્ટર મુસ્લિમોનો સામનો કરીને પણ હિન્દુઓના રક્ષણ માટે પહોંચી ગયેલા. સુહરાવરદી પાસેથી હિન્દુઓ પર હુમલો ના કરવાનું વચન લઈને પછી જ એ કલકત્તા ગયા. (સરદારે દિલ્હીમાં મુસ્લિમ નિરાશ્રિતો પરના હુમલા બાબતે ગાંધીજીને દિલ્હી બોલાવ્યા ત્યારે પણ બાપુએ સ્પષ્ટ કહેલું કે પહેલા અહિયાં હિન્દુઓ સુરક્ષિત થાય પછી તરત જ હું દિલ્હી આવી જઈશ.)

આટલી વિગતો પછી એટલું તો સ્પષ્ટ જ થઈ જાય છે કે ગોડસેની મુસ્લિમ તુષ્ટિકરણની થિયરી જનમાનસની સહાનુભૂતિ માટે જ ઘડી કઢાયેલી હતી. 1934 ને 1944 માં હુમલાઓ વખતે તો આવો કોઈ પ્રશ્ન જ અસ્તિત્વમાં જ નહોતો. માટે આવેશ ને લાગણીઓની વાત જ આખી બેબુનિયાદ છે. એ વખતે લાલ કિલ્લામાં કેસની સુનવણી વખતે ને પાછળથી કપૂર કમિશનમાં ગોડસેના નિવેદન વિરુદ્ધની એક દલીલ એવી હતી કે ગોડસેની ક્ષમતા જ નથી આવું લખાણ લખવાની. કોઈ હિન્દુવાદી નેતા આવું લાગણીસભર તર્કબદ્ધ લખાણ લખી જ શકે તો એ આખા ભારતમાં એક જ છે. તાત્યારાવ ઉર્ફે વીર સાવરકર…

20મી જાન્યુઆરી, 1948ના રોજ આપ્ટે, કરકરે ને બગડે બાપુની દિલ્હી ખાતેની પ્રાર્થનાસભામાં બૉમ્બ ફોડીને અફરાતફરીનો લાભ લઈને ગોળી મારીને હત્યાનો પ્લાન બનાવે છે. પણ કોઈક કારણે એ ષડયંત્ર પાર પડ્યું નહિ. ત્યારે ગુસ્સાથી લાલચોળ થઈ ગયેલ ગોડસે કહે છે કે ‘ તમારાથી કશું નહીં થાય, હવે ગાંધીનું 125 વરસ જીવવાનું સપનું અધૂરું રાખવા હું જ મેદાનમાં આવીશ. તાત્યારાવને મેં આપેલું વચન ફોક નહિ જ જાય….’

પછી 30મી જાન્યુઆરી, 1948એ શું થયું એ આખી દુનિયા જાણે જ છે. સિત્તેર વર્ષે આઝાદ ભારતના પહેલા આતંકવાદી ગોડસેના સમર્થકો એ ભૂલી જાય છે કે ગાંધીજીના મૃતદેહનો હાથ પકડીને વીસ મિનિટ સરદાર બેસી રહ્યા છે અને એમને મૃત જાહેર કરનારા ડો. મહેતાને ભાવાવેશમાં ખખડાવીને ત્રણ ચાર વાર ચેક કરાવવા દબાણ કર્યું હતું. એકબાજુ નહેરુ, એકબાજુ સરદાર ને દીકરી સમાન મનુબાઈના સાંનિધ્યમાં કરોડો લોકોના આંસુઓના ભારેલા અગ્નિ સાથે બાપુનો અંતિમ સંસ્કાર થયો. જ્યારે ગોડસે???

કોર્ટની સુનવણીમાં તાત્યારાવે કહ્યું કે હું આને (ગોડસેને) ક્યારેય મળ્યો નથી. એ મારા ઘરે આવ્યો પણ નથી, અમારી વાતચીતની અફવાઓ ધડમાથા વગરની છે. હું તો ઓળખતો પણ નથી. એટલે હત્યામાં મારી સંડોવણીની આખી વાત જ પાયા વગરની છે. ગોડસે હત્યારો હોય તો એને ફાંસી આપવી જ જોઈએ. સાવરકરને પોતાના ગુરુ માનનાર ચેલાને ગુરુએ ઓળખવાનો જ ઈન્કાર કરી દીધો!

આઘાત અને ગુસ્સાથી હાર્ટએટેક પામેલા સરદારની ‘બાપ ગુમાવ્યા’ની લોખંડી વેદના અને કરોડો લોકોનો રોષ એવો હતો કે કોઈ જ ગોડસે હાથ પકડવાની હિંમત જાહેરમાં ના કરી શક્યું. પણ હા, બે વ્યક્તિઓએ ગોડસેની ફાંસી માફ કરી દેવાની યાચિકા દાખલ કરી કહ્યું કે ‘ ગોડસેનું પાપ ગોડસેને મુબારક. એને ફાંસીએ ના લટકાવશો…’ એ બન્ને વ્યક્તિઓ એટલે બાપુના દીકરાઓ રામદાસ ગાંધી અને મણિલાલ ગાંધી…અહિંસાના બહાદુર અને ખુમારીભર્યા ડીએનએ સિવાય આવડું મોટું જિગર બીજા તો કોનું હોય?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.  (લેખકના વિચારો સ્વતંત્ર છે, જેની સાથે અમે કે વાંચનાર સહમત ન પણ હોઈ શકે.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *