સુરત(Surat): પોતાની પાર્ટીના નેતાઓને ખુશ રાખવા માટે કાર્યકર્તાઓ કઈ હદ સુધી જઈ શકે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ સામે આવ્યું છે. જેમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ ધનેશ શાહ(Dhanesh Shah) પરવાનગી વગર જ શાળામાં ઘુસી ગયા હતા. ગુજરાત પ્રદેશ ભાજપ(BJP) અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલ(CR Patil)ના પ્રદેશ અધ્યક્ષ તરીકે 2 વર્ષ પૂર્ણ થતા અભિનંદન આપતા ભાજપના બેનરો સાથે શિક્ષણ સમિતિના અધ્યક્ષ ધનેશ શાહ ચાલુ શિક્ષણકાર્ય દરમિયાન શાળાઓમાં ઘુસી ગયા હતા અને પાર્ટીનો પ્રચાર શરુ કરી દીધો હતો.
માત્ર એટલું જ નહીં, પરંતુ ગરીબ વિદ્યાર્થીઓને ભાજપના બેનરો પકડાવી સ્વપ્રસિદ્ધિ માટે ફોટો પણ પડાવ્યા હતા. સાથે શાળાના ગ્રાઉન્ડમાં કોઈ પણ પ્રકારની સફાઇ કર્યા વગર જ ગંદકી અને કચરા નજીક જ બાળકોને મધ્યાહન ભોજન આપવા માટે બેસાડી દેવામાં આવ્યા હતા. આમ તો ચાલુ શાળા દરમિયાન પાર્ટીનો કોઈ કાર્યક્રમ થઇ શકે નહિં.
ઉલ્લેખનીય છે કે, સીઆર પાટીલને વ્હાલા થવા માટે શિક્ષણ સમિતિના અધ્યક્ષ ધનેશ શાહ ભાન ભૂલ્યા હતા. પાર્ટીનો ખેસ અને ટોપી પહેરીને તેઓ શાળાએ આવી પહોંચતા શિક્ષકો પણ ચોંકી ઉઠ્યા હતા. ચેરમેન અઠવા ઝોનની સામે આવેલી શાળા નંબર 7, ભટાર અંબાનગરમાં CR પાટીલ કાર્યાલય નજીક આવેલી શાળા નં 11માં પહોંચી ગયા હતા. શરુ શાળાએ પ્રચાર કરવા ઘુસી જતા શિક્ષણ કાર્યને અટવાયું હતું. આ અંગે ચેરમેન ધનેશ શાહે જણાવતા કહ્યું હતું કે, ભૂલ થઇ ગઇ છે બીજી વાર આ બાબતે ધ્યાન રાખવામાં આવશે.
વિધાર્થીઓને આપવામાં આવતા પવિત્ર શિક્ષણને ઠેસ પહોંચાડે તેવી ભાજપની હરકત આ પહેલા પણ સામે આવી ચુકી છે.મહેસાણા જિલ્લાના બહુચરાજીની સરકારી આર્ટસ કોલેજમાં સોમવારના રોજ બપોરે ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન અંદર ઘૂસી ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય બનાવવાનું શરૂ કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.