ગુજરાતની શાળાઓને શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયાની સ્કૂલોને કડક સૂચના; સ્વેટરના નામે નહીં ચાલે મનમાની

Education Minister Praful Panseriya: હાલમાં શિયાળાની ઋતુ શરૂ થતાંજ શાળાઓ દ્વારા બાળકો પર ચોક્કસ રંગના સ્વેટરની મનમાની શરૂ કરી દેવામાં આવશે. ત્યારે પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા ખાનગી શાળાના સંચાલકો શાળામાં (Education Minister Praful Panseriya) ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરી શકશે નહિ તેવી ચીમકી રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાએ આપી હતી.

સ્વેટરને લઈને શાળા દબાણ નહિ કરી શકે
રાજ્ય શિક્ષણમંત્રી પાનશેરીયાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર હરહંમેશ વાલીઓ અને બાળકોની સાથે રહી છે. રાજ્યમાં ઠંડીના કારણે કોઈ પણ બાળકનું મૃત્યુ ન થાય તે માટે રાજ્ય સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે.

રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીને જણાવવામાં આવ્યું છે કે, કોઈ પણ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા પોતાના ગણવેશને અનુરૂપ પાતળું, નિમ્ન કક્ષાના કાપડ ધરાવતું (ઠંડી ન રોકી શકે તેવું) સ્વેટર પહેરવા કોઈ પણ બાળક પર દબાણ કરી શકશે નહિ, જો કોઈ શાળાના સંચાલક એમની શાળાના નિર્ધારિત સ્વેટર બાળકને પહેરવા માટે આગ્રહ કરે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરીને કરવાની રહેશે.

મનમાની કરનાર શાળા સામે કાયદાકીય કાર્યવાહી થશે
ખાનગી શાળાના સંચાલકોને વિનંતી સાથે મંત્રીએ જણાવ્યું હતું કે, કોઈ પણ શાળા બાળકોને તેમના દ્વારા નિર્ધારિત સ્વેટર પહેરવા મજબુર કરી શકશે નહિ, તેમજ મંત્રીએ વાલીઓને અપીલ કરી કે, કોઈ પણ બાળકને, તેના માતા પિતા ઠંડી માટે તેમના જોડે ઉપલબ્ધ ઠંડી રક્ષણાત્મક સ્વેટર, ટોપી, હાથના મોજા પહેરાવી શકશે અને કોઈ પણ ખાનગી શાળા અને અન્ય શાળા તેમાં કોઈ પણ રોક ટોક કરી શકશે નહિ,

જો કોઈ શાળા તેમનાં દ્વારા નિર્ધારિત સ્વેટર પહેરાવવાનો આગ્રહ કરશે તો તેની ફરિયાદ વાલીઓએ જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરીને કરવાની રહેશે તેમજ રાજ્ય સરકાર તે શાળા પર કડક કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું.