ગુજરાતમાં શરુ થઇ બિપોરજોય વાવાઝોડાની તીવ્ર અસર… ક્યાંક દરિયા ગાંડોતુર થયો તો ક્યાંક ધૂળની ડમરી ઉડી

Entry of Cyclone Biporjoy in many districts of Gujarat: ગુજરાત (Gujarat) માં બિપોરજોય વાવાઝોડા (Cyclone Biporjoy) ની અસર શરૂ થઈ ગઈ છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવાઝોડાની અસર દેખાઈ રહી છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલું બિપોરજોય વાવાઝોડું સમય જતા વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે. ત્યારે આ વાવાઝોડું ગુજરાત માટે આફત બની ગયું છે. બિપોરજોય વાવાઝોડું ગુજરાતના પોરબંદરથી માત્ર 320 કિલોમીટર દૂર છે.

હવામાન વિભાગનું માનીએ તો, બિપોરજોય વાવાઝોડું આવનારી 15 તારીખે કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે છે. તેમ છતાં વાવાઝોડાની અસરને લઈને, પોરબંદર દ્વારકા ઓખા જામનગર સલાયા મુદ્રા જખૌ પોર્ટ અને માંડવી પર ભયજનક સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે. બિપોરજોય વાવાઝોડાને લઈને ગુજરાતના ઘણા વિસ્તારોના વાતાવરણમાં ઉથલપાથલ મચી ગઈ છે. વાવાઝોડું નજીક આવતા ગુજરાતના ગીર સોમનાથ, પોરબંદર, જામનગર અને દ્વારકામાં વરસાદ શરૂ થઈ ગયો છે.

ગીર સોમનાથના વાતાવરણમાં આવ્યો મોટો પલટો
હાલ ગીર સોમનાથમાં વાવાઝોડાની અસર દેખાવાની શરૂઆત થઈ ચૂકી છે. ગીર સોમનાથમાં ધીમો ધીમો વરસાદ વરસી રહ્યો છે. સાથે જ વેરાવળ, સોમનાથ, સુત્રાપાડા, તાલાલા, કોડીનાર અને ગીર ગઢડામાં પણ વરસાદ વરસવાનો શરૂ થયો છે. નજીકના દરિયા કિનારાઓમાં પણ કરંટ સાથે ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. અત્યારે એક તરફ બિપોરજોય વાવાઝોડાને કારણે થયેલા વરસાદથી રાજ્યના ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. ત્યારે ગીરના ખેડૂતોએ મગફળીના વાવેતરની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

પોરબંદરમાં છવાયા કાળા ડીબાંગ વાદળો
અરબી સમુદ્રમાં સક્રિય થયેલા બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સાથે જ પોરબંદરમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે અને હળવો વરસાદ શરૂ થયો છે. દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, સાથે જ દરિયામાં તોફાની મોજા ઊછળી રહ્યા છે.

વરસાદ વચ્ચે દ્વારકા ના વાતાવરણમાં પલટો
આજે બપોરથી જ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે હળવા વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ગીર સોમનાથ ધોરાજી પોરબંદર ઉપરાંત દ્વારકામાં પણ મધ્યમ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. દ્વારકામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વાવાઝોડાને કારણે વાતાવરણ બદલાતા ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *