ઉતર ગુજરાતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી, પાકને નુકસાનની ભીતિ; ખેડૂતો ચિંતત

Gujarat Rain Latest News: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વહેલી સવારથી જ રાજ્યના ઘણા વિસ્તારોમાં કમોમસી વરસાદ શરૂ થઈ ગયો છે. મળતી માહિતી અનુસાર, રાજ્યના હવામાન વિભાગે ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. આગાહી અનુસાર આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં વધુ વરસાદ નોંધાયો તો સૌરાષ્ટ્રમાં પણ કમોસમી વરસાદ (Gujarat Rain Latest News) પડ્યો છે. આ બધાની વચ્ચે હવે મિશ્ર ઋતુ દરમિયાન કમોમસી માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામી ચુક્યો છે. જિલ્લાના ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થતા સૌથી વધુ ખેડૂતો ચિંતાતુર બન્યા છે. બનાસકાંઠા જિલ્લામાં હાલ ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો લાવી જીરું,રાયડો, બટાટા, એરંડા અને ઘઉં સહિતના પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે, અને બીજી તરફ હવે વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોને પાકોમાં નુકસાન થવાની ભીતી સેવાઇ રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા જિલ્લામાં વરસાદ નોંધાયો છે. જેમાં ખાસ કરીને ધાનેરા, ડીસા, પાલનપુર, ભીલડી, દિયોદર, ભાભર, કાંકરેજ, થરાદ, સૂઇગામ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. અને બીજી તરફ વરસાદને કારણે રાયડો, જીરું, વરિયાળી, બટાકા, ઘઉં સહિતના પાકમાં નુકસાન સર્જાય છે. આ સાથે આકાશમાં કાળા વાદળો અને વીજળીના ચમકારા અને ભારે પવન સાથે વરસાદની શરૂઆતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા ગયા છે.

મહેસાણા પણ કમોમસી વરસાદનું આગમન
રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે મહેસાણાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઊંઝામાં વહેલી સવારથી વરસાદી છાંટા વરસતા ખેતીના પાકને નુકસાન થયું છે. વરસાદી માહોલથી જગતનો તાત કહેવતો ખેડૂત ચિંતામાં મૂકાયો છે. આ સાથે મહેસાણા શહેરના પણ ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.

દ્વારકામાં કમોસમી વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર દ્વારકામાં કમોસમી વરસાદ પડ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતાં હવે કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ખુબ નુકસાન થઇ શકે છે.આ તરફ દ્વારકા, ખંભાળિયા, કલ્યાણપુરમાં કમોસમી વરસાદ ઝાપટાં શરુ થયા છે.