ડુંગળી સમારતી વખતે આંખમાંથી આંસુ આવતા હશે ને ? પણ આજકાલ તો ડુંગળીની તીખાશ નહીં તેના વધેલા ભાવ રડાવી રહ્યા છે. આજકાલ તો ડુંગળીના ભાવની ચર્ચા માત્ર ગૃહિણી જ નહીં દરેક મોંઢે સાંભળવા મળે છે. ડુંગળી એવી વસ્તુ છે જેના વિના થાળીમાં કંઈ ખૂટે છે તેવું લાગે. પરંતુ ડુંગળીના ભાવ છેલ્લા થોડા મહિનામાં એટલા વધી ગયા છે કે તે હવે ગરીબોની કસ્તૂરી રહી નથી. લંબાયેલી વરસાદી ઋતુના કારણે હોલસેલ માર્કેટમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. ઉપરાંત છૂટક બજારમાં ડુંગળીનો ભાવ લગભગ 140 રૂપિયે કિલો છે. ગુજરાતી થાળીમાંથી જાણે સ્વાદ ગાયબ જ થઈ ગયો છે કારણકે, લસણ 300 રૂપિયે કિલો અને આદુ 160 રૂપિયે કિલો વેચાઈ રહ્યું છે.
પાછલા બે મહિનાથી દેશમાં ડુંગળીના વધતા ભાવને લઈને ભારે ચર્ચા થઇ રહી છે. આ અંગે ગૃહિણીઓની સાથે સાથે દેશની સરકાર પણ ચિંતામાં મૂકી ગઈ હતી. જોકે, ભાવને કાબુમાં કરવા અને વધતા ભાવ સામે કેમ રક્ષણ મળી શકે છે તેનો સરળ ઉપાય ઘરઆંગણે ઉપલબ્ધ હોવા છતાં તેના પ્રત્યે કોઈનું ધ્યાન ગયું નથી. આ બાબતે જયારે ડુંગળીના ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે ડુંગળીના વધતા ભાવને કાબુ કરવામાં ડિહાઇડ્રેટેડ ઓનિયન શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે, જે અંગે આપણે કદી વિચાર્યું પણ નથી. બજારમાં હાલ તાજી ડુંગળીના રૂ. 120-140 પ્રતિ કિલોના ભાવ ચાલે છે. બીજી તરફ ડિહાઇડ્રેટેડ ઓનિયનનો ભાવ કિલો દીઠ રૂ. 100-120 છે. એક કિલો ડિહાઇડ્રેટેડ ઓનિયન એ 8 કિલો તાજી ડુંગળી બરાબર હોય છે એ હિસાબે વપરાશકારને ડુંગળી રૂ. 12-20 પ્રતિ કિલોના હિસાબે પડી શકે છે.
શું હોય છે ડિહાઇડ્રેટેડ ઓનિયન?
1. ડુંગળી રૂ. 12-20 પ્રતિ કિલોના હિસાબે પડી શકે
તાજી ડુંગળીની અંદર 90% ભાગ પાણી હોય છે. આ પાણીને પ્રોસેસ કરીને સુકવી દેવામાં આવે છે અને પાછળ જે પાન વધે છે તેમાંથી ફ્લેક્સ, પાવડર, સ્લાઈસ વગેરે બનાવવામાં આવે છે. મહુવા સ્થિત મહારાજા ડિહાઇડ્રેશન પ્રાઈવેટ લીમીટેડના મેનેજીંગ ડિરેક્ટર અને એસોસિએશનના પ્રમુખ વિઠ્ઠલ કોરડિયાએ જણાવ્યું કે, સામાન્ય રીતે એક કિલો ડિહાઇડ્રેટેડ ઓનિયન બનાવવા માટે 7-8 કિલો ડુંગળીની જરૂર પડે છે. ડિહાઇડ્રેશન કરેલી ડુંગળીને બે વર્ષ સુધી વપરાશમાં લઈ શકાય છે. ઓનિયન ફ્લેક્સને વાપરતા પહેલા તેને 10 મિનીટ સુધી પાણીમાં રાખવાથી ફરી તે તાજી ડુંગળીના સ્વરૂપમાં પરિવર્તિત થાય છે.
2. ડિહાઇડ્રેટેડ ઓનિયન વપરાશના સમયે બજાર કરતા 6 ગણી સસ્તી પડે છે ડુંગળી
ઓલ ઇન્ડિયા વેજીટેબલ ડિહાઇડ્રેટેડ મેન્યુફેક્ચર્સ ડેવલપમેન્ટ એસોસિએશનના પ્રમુખ મનોજ રામે જણાવ્યું કે, બજારમાં તાજી ડુંગળીના જે ભાવ અત્યારે ચાલી રહ્યા છે તેની સામે ડિહાઇડ્રેટેડ ઓનિયન વપરાશના સમયે 6 ગણી સસ્તી પડે છે. ભારતમાં આ અંગે અવેરનેસ તેમજ ચલણ ન હોવાથી લોકો મોંઘા ભાવની ડુંગળી ખાય છે. જયારે આપણી જ ડિહાઇડ્રેશન થયેલી ડુંગળી યુરોપ, રશિયા, નેધરલેંડ, ઓસ્ટ્રેલિયા સહિત દુનિયાભરના લોકો વાપરી રહ્યા છે. એસોસિએશને ડિહાઇડ્રેટેડ ઓનિયન પ્રત્યે લોકો જાગૃત થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારને અનેક વખત રજુઆતો કરવા છતાં આજ સુધી કોઈ પ્રતિસાદ મળ્યો નથી. ડિહાઇડ્રેટેડ ઓનિયનનો વપરાશ વધે તો ભવિષ્યમાં તાજી ડુંગળીના ભાવ નિયંત્રણમાં રાખી શકાય છે. તેનાથી ખેડૂતોને પણ ફાયદો થશે અને લોકોને પણ સસ્તા ભાવે ડુંગળી મળી રહેશે.
3. ભારતમાં ડિહાઇડ્રેટેડ ઓનિયન અંગે જાગરુકતાનો અભાવ:
એસોસિએશનના સેક્રેટરી અસગર છત્તરિયાએ જણાવ્યું કે, ભારતમાં ડિહાઇડ્રેશન થયેલી ડુંગળી રશિયા, અને યુરોપના દેશોમાં ખવાય છે પરંતુ ઘરઆંગણે તેનો વપરાશ ખુબ જ ઓછો છે. દેશમાં વાર્ષિક અંદાજે 1 લાખ ટન ડિહાઇડ્રેટેડ ઓનિયનનું ઉત્પાદન થાય છે. જેમાંથી ભાવનગર જીલ્લાના મહુવા અને તેની આસપાસના વિસ્તારોમાં જ અંદાજે 70,000 ટન ઉત્પાદન છે. દેશના કુલ ઉત્પાદનનું 80-85% ડિહાઇડ્રેટેડ ઓનિયન નિકાસ થાય છે જયારે ઘરેલું બજારમાં માત્ર 15,000-20,000 ટનની ખપત છે. મોટાભાગે, ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ અને હોટેલ ઉદ્યોગના લોકો ડિહાઇડ્રેટેડ ઓનિયનનો ઉપયોગ કરે છે.
4. ભારતમાં દર વર્ષે 2 કરોડ ટન ડુંગળીનું ઉત્પાદન થાય છે
સરકારી આંકડા મુજબ ભારતમાં દર વર્ષે 2 કરોડ ટન ડુંગળીનું ઉત્પાદન થાય છે. પરંતુ બે મહિનાની સીઝન બાદ કરતા મોટાભાગે સ્ટોક ડુંગળીના સ્ટોકિસ્ટો પાસે હોવાથી સપ્લાય ખોરવાય છે અને ભાવમાં બેફામ વધારો થાય છે. ખાસ કરીને દિવાળી પછી જાન્યુઆરી સુધી ડુંગળીના ભાવ ઊંચા રહે છે.
5. ગુજરાત દેશમાં ઓનિયન ડિહાઇડ્રેશનનું મુખ્ય કેન્દ્ર
ભારતમાં ડુંગળીનું ડિહાઇડ્રેશન કરતા અંદાજે 150 જેટલા યુનિટ્સ આવેલા છે. આમાંથી 135 એકમો ગુજરાતમાં સક્રિય છે. ગુજરાતમાં પણ સૌથી વધુ 125 ડિહાઇડ્રેટેડ ઓનિયન ઉત્પાદકો માત્ર ભાવનગર જીલ્લાના મહુવા તાલુકામાં આવેલા છે. ગુજરાત દર વર્ષે 70,000 ટન ડિહાઇડ્રેટેડ ઓનિયનનું ઉત્પાદન કરે છે અને તેમાંથી 55,000 ટનની નિકાસ કરવામાં આવે છે. દેશમાં મહારાષ્ટ્રના નાસિક બાદ મહુવા ડુંગળીની આવકનું સૌથી મોટું કેન્દ્ર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.