સરસાણા SIECC ખાતે ‘ફૂડ એન્ડ બેવરેજીસ’, ‘હેલ્થ એન્ડ વેલનેસ’ અને ‘SGCCI ગ્લોબલ વિલેજ’ યોજાશે એક્સ્પો

Surat Expo 2025: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા 25/01/2025 થી 27/01/2025 દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર (Surat Expo 2025) ખાતે ‘ફૂડ એન્ડ બેવરેજીસ’, ‘હેલ્થ એન્ડ વેલનેસ’ અને ‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકઝીબીશનનું સંયુકત આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનો સમય સવારે 10;00 થી સાંજે 7:00 કલાક સુધીનો રહેશે.

‘ફૂડ એન્ડ બેવરેજીસ’ એકઝીબીશન 2025
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ  વિજય મેવાવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારત દેશ હવે ‘વિકસિત ભારત @2047’ની પરિકલ્પનાને સાકાર કરવા કૃષિ ક્ષેત્રમાં નવી ઓળખ ઉભી કરવા જઇ રહયો છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વય અને આગવી સૂઝબૂઝ થકી કૃષિ ક્ષેત્ર પ્રગતિના પંથે આગળ વધી રહયું છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કૃષિ ક્ષેત્ર અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળી રહે અને તેના થકી તેનો વિકાસ થાય તેવા આશય સાથે ફૂડ એન્ડ બેવરેજીસ એકઝીબીશનનું આયોજન કરવામાં આવે છે. 

સુરત સહિત દક્ષિણ ગુજરાતનો બેલ્ટ કૃષિ ઉદ્યોગ માટે હબ છે ત્યારે આવનારા સમયમાં ઉદ્યોગ સાહસિકો તેમજ નવા એગ્રો ગ્રેજ્યુએટ્‌સ કૃષિ ઉદ્યોગમાં પોતાનું યોગદાન આપી શકે તે હેતુથી પણ આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એકઝીબીશનમાં ૧૪૦ જેટલા એકઝીબીટર્સે ભાગ લીધો છે. જેમાં ફુડ પ્રોસેસિંગ ક્ષેત્રે ફુડ પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ્‌સ એન્ડ મશીનરી, પેકેજિંગ મશીનરી એન્ડ મટિરિયલ્સ, કોલ્ડ ચેઇન ઇકવીપમેન્ટ એન્ડ રેફ્રીજરેશન એપ્લાયન્સિસ, વેર હાઉસિંગ એન્ડ કાર્ગો હેન્ડલીંગ, ફુડ ટેસ્ટીંગ લેબોરેટરીઝ, ઇન્સ્યુરન્સ એજન્સીઝ, ફાયનાન્શિયલ સોલ્યુશન્સ, ડ્રાયડ, ફ્રોઝન ફુડ, બેકરી એન્ડ ગ્રોસરીઝ, બેવરેજ, ફુડ પાર્કસ અને કન્ઝયુમર પેકેજડ ગુડ્‌સનું પ્રદર્શન કરવામાં આવશે.

‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકઝીબીશન 2025
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વર્ષે પ્રથમ વખત ગ્લોબલ એક્ષ્ચેન્જ એન્ડ ટ્રેડ માટે ‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત અને વિશ્વના અન્ય દેશો વચ્ચે સાંસ્કૃતિક, શૈક્ષણિક અને વ્યવસાયિક જોડાણો સરળતાથી થઇ શકે તે માટે આ એકઝીબીશન યોજાઇ રહયું છે.

આ એકઝીબીશનમાં ભારત ઉપરાંત રશિયા, શ્રીલંકા અને અફઘાનિસ્તાનના પેવેલીયન મૂકવામાં આવશે. આ દેશો પોતાની સાંસ્કૃતિક વિવિધતાને પ્રકાશિત કરશે. સાથે જ તેમની શૈક્ષણિક તકો તથા સંભવિત વેપાર ભાગીદારીનું પ્રદર્શન કરશે. સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓ આ એકઝીબીશન થકી વિવિધ દેશોના આંતરરાષ્ટ્રીય બજારો સાથે જોડાઇને બિઝનેસના વિકાસ માટે નવા વિકલ્પો શોધી શકશે.

‘SGCCI ગ્લોબલ વિલેજ’ એક્ષ્પોમાં ભુતાન, સેશલ્સ, ઇરાન, રશિયા, શ્રીલંકા, અફઘાનિસ્તાન, સાઉદી અરેબિયા, માલાવી, થાઇલેન્ડ, યુ.એસ.એ., ઓસ્ટ્રેલિયા અને તાન્ઝાનિયા જેવા દેશોમાંથી વિઝીટર્સ મુલાકાત માટે આવશે. આ એક્ષ્પોનો ઉદ્‌ઘાટન સમારોહ તા. 25 જાન્યુઆરી, 2025ના રોજ સવારે 10:00 કલાકે સેમિનાર હોલ–એ, SIECC કેમ્પસ, સરસાણા, સુરત ખાતે યોજાશે, જેમાં એકઝીબીશનના ઉદ્‌ઘાટક તરીકે ભારતના પૂર્વ ઉડ્ડયન મંત્રી શ્રી સુરેશભાઇ પ્રભુ ઉપસ્થિત રહેશે અને તેમના વરદ્‌ હસ્તે એકઝીબીશનનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે.

‘હેલ્થ એન્ડ વેલનેસ’ એકઝીબીશન 2025
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આરોગ્ય સબંધિત ઇન્ડસ્ટ્રીઝ, સ્ટાર્ટ–અપ અને ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ પૂરું પાડવાના હેતુથી ‘હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો– ર૦રપ’નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આરોગ્ય ક્ષેત્રે સુરતમાં કાર્યરત જુદી–જુદી હોસ્પિટલો, આંતરરાષ્ટ્રીય કક્ષાની તબીબી સુવિધા આપતી હોસ્પિટલો, આયુર્વેદિક હોસ્પિટલો, હેલ્થ ઇન્ડસ્ટ્રી, મેડીકલ પ્રોડકટ, સોફટવેર, લેબોરેટરી તેમજ મેડીકલ ઇકવીપમેન્ટનું ઉત્પાદન કરતા ઉત્પાદકો તેમજ તે અંગેની સર્વિસ આપતી કંપનીઓ મળી ૬૦ જેટલા એકઝીબીટર્સ દ્વારા આ પ્રદર્શનમાં ભાગ લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત આ એક્ષ્પોમાં એડવાન્સ રોબોટિક જોઇન્ટ રિપ્લેસમેન્ટ સિસ્ટમ, એડવાન્સ 4K & 3D લેપ્રોસ્કોપિક યુનિટ અને એડવાન્સ લેટેસ્ટ માઇક્રોસ્કોપનું પણ પ્રદર્શન કરવામાં આવશે. તદુપરાંત લેટેસ્ટ સર્જિકલ રોબોટનું પણ પ્રદર્શન કરવામાં આવશે. અત્યાર સુધી અમદાવાદ અને મુંબઇની હોસ્પિટલોમાં દર્દીઓને રોબોટિક સર્જરી માટે જવું પડતું હતું, પરંતુ આ લેટેસ્ટ સર્જિકલ રોબોટને કારણે સુરતની હોસ્પિટલમાં જ રોબોટિક સર્જરી શકય થઇ છે.

આ પત્રકાર પરિષદમાં ચેમ્બરના ઉપ પ્રમુખ નિખિલ મદ્રાસી, તત્કાલિન નિવૃત્ત પ્રમુખ રમેશ વઘાસિયા, નિરવ માંડલેવાલા, ખજાનચી મૃણાલ શુકલ, ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલા, ફૂડ એન્ડ બેવરેજીસ એકઝીબીશન– 2025ના ચેરમેન કે.બી. પિપલીયા, હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો– 2025ના ચેરપર્સન ડો. પારૂલ વડગામા ઉપસ્થિત રહયા હતા.