લ્યો બોલો હવે નકલી ક્રિકેટ સિલેક્ટર ગોંડલ મામલતદાર સહિત 5 પાસેથી લાખો રૂપિયા ખંખેરીને રફુચક્કર

Fake Cricket Selector: રાજ્યમાં નકલી વ્યક્તિઓનો રાફડો ફાટી નીકળ્યો છે. હવે ક્રિકેટ સિલેક્ટર પણ નકલી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પ્રજ્ઞેશ બારહટ નામના (Fake Cricket Selector) વિદ્યાર્થીએ મેઘાલય ક્રિકેટ એસોસિએશનમાં સિલેક્ટર હોવાનું જણાવી ગોંડલના મામલતદાર સહિત પાંચ વ્યક્તિઓ સાથે રૂપિયા 90 હજારની છેતરપિંડી આચરી છે.

પાંચ વ્યક્તિઓ પાસેથી 90 હજાર રૂપિયા પડાવ્યા
પ્રજ્ઞેશ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીનો અભ્યાસ કરે છે અને ફૂટબોલ ખેલાડી છે. તેણે ક્રિકેટમાં રસ ધરાવતા લોકોને લલચાવીને કહ્યું હતું કે, તમારા બાળકોને ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવાની તક મળશે, હાલમાં માત્ર એર ટિકિટ ભાડું આપવાનું રહેશે. આ રીતે તેણે પાંચ વ્યક્તિઓ પાસેથી 90 હજાર રૂપિયા પડાવ્યા હતા.

પોલીસે તપાસ હાથ ધરી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બેડમિન્ટન કોચ ચિંતન રાવલ અને વેપારી મેહુલ ધોળકિયાએ પોલીસ કમિશનરને ફરિયાદ નોંધાવી છે. પ્રજ્ઞેશે મેઘાલય ક્રિકેટ એસોસિએશનના લેટર પેડ પર સિલેક્શન અંગેનું ફેક નોટિફિકેશન લેટર પણ મોકલ્યો હતો.

આ ઉપરાંત, મહેસાણામાં પણ આ શખ્સે રૂપિયા 40 લાખનું કૌભાંડ આચર્યાનો અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રજ્ઞેશે કઈ રીતે લોકોને છેતર્યા અને તેના કૌભાંડમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.