વધુ એક ભૂતિયા હોસ્પિટલનો પર્દાફાશ: અમદાવાદમાં ડીગ્રી વગરના ડોકટરોથી ધમધમતી નકલી હોસ્પિટલ ઝડપાઈ

Ahemdabad Fake Doctor: રાજ્યમાં નકલીઓના રાફડા વચ્ચે ફરી એકવાર અમદાવાદના નરોડા વિસ્તારમાં “થ્રી સ્ટાર હોસ્પિટલ એન્ડ ICU ટ્રોમા સેન્ટર” નામની એક નકલી હોસ્પિટલનો (Ahemdabad Fake Doctor) ભાંડો ફૂટ્યો છે. આ હોસ્પિટલ સરકારી ચોપડે નોંધાયેલી ન હતી અને તેમાં ડિગ્રી વગરના ડોક્ટરો દર્દીઓની સારવાર કરતા હતા. હોસ્પિટલના માલિક ધર્મેન્દ્ર પટેલને પોલીસે દબોચી લીધો છે.

તપાસમાં બહાર આવ્યું છે કે હોસ્પિટલના સંચાલકો દર્દીઓને ખોટી રીતે દાખલ કરીને મેડિક્લેઈમના નામે છેતરપિંડી કરતા હતા. તેઓ વીમા કંપનીઓને ખોટા દસ્તાવેજો રજૂ કરીને ક્લેઈમ પાસ કરાવતા હતા. વીમા કંપનીઓને શંકા જતા તેમણે તપાસ હાથ ધરી હતી, જેમાં આ નકલી હોસ્પિટલનો પર્દાફાશ થયો હતો.

પોલીસે હોસ્પિટલમાંથી ખોટા પેપર, સિક્કા, ખોટા રિપોર્ટ અને સી ફોર્મ સહિતના પુરાવા જપ્ત કર્યા છે. આ હોસ્પિટલ કેટલા સમયથી કાર્યરત હતી અને કેટલા દર્દીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે, તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

ડિગ્રી વગરના ડોક્ટરો દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવતી હોવાથી દર્દીઓના આરોગ્ય સાથે પણ ચેડાં થયા હોવાની શક્યતા છે. આ ઘટનાએ શહેરમાં ગેરકાયદેસર ચાલતી હોસ્પિટલો અને ક્લિનિકો પર નિયંત્રણ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આ ઘટનાએ આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતા સામે પણ સવાલો ઉભા કર્યા છે. શહેરના રહેણાંક વિસ્તારમાં આટલા લાંબા સમયથી ગેરકાયદેસર હોસ્પિટલ કેવી રીતે ચાલી રહી હતી, તે તપાસનો વિષય છે.

દર્દીઓ પાસે રૂપિયાની મનફાવે તેમ ઉઘરાણી
બોગસ હોસ્પિટલ દ્વારા દર્દી પાસેથી સારવારનાં નામે અધધ નાણા પડાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં બોગસ હોસ્પિટલ બોગસ રીતે ક્લેઈમ પાસ પણ કરી આપતી હતી. વીમા કંપનીઓમાં ખોટા ડોક્યુમેન્ટ આપીને ક્લેઈમ પાસ કરવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું. આ હોસ્પિટલમાં મોટાપાયે વીમા કંપની અને દર્દીઓ સાથે છેતરપિંડી આચરવામાં આવતી હોવાનો આરોપ છે. આ મામલે તપાસમાં મસમોટા ખુલાસા થવાની વકી છે.