સાવધાન! અમૂલ બ્રાન્ડના નામે નકલી ઘીનો વેપલો પકડાયો; ફૂડ વિભાગની કડક કાર્યવાહી

Banaskantha Duplicate Ghee News: રાજ્યમાં આજકાલ નકલી વસ્તુઓનો વ્યાજ વધી રહ્યો છે. અસલી બ્રાન્ડના નામે ડુપ્લીકેટ વસ્તુ વેચવાના કૌભાંડ વારેવારે સામે આવતા રહે છે. હવે જે બ્રાન્ડ પર લોકો સૌથી વધુ વિશ્વાસ કરે છે તેવા અમુલનું ડુપ્લીકેટ ઘી (Banaskantha Duplicate Ghee News) પડકાયું છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ બનાસકાંઠા જિલ્લામાં આ ઘી ઝડપ્યું છે.

બનાસકાંઠામાં નકલી અમૂલ ઘીની ફેક્ટરી ઝડપાઈ
પાલનપુર ગઢ હાઇવે પર ચડોતરના કેબી લોજિસ્ટિક પાર્કમાં આવેલી જલારામ એન્ટરપ્રાઇઝમાં ફૂડ વિભાગની ટીમ મંગળવારે સાંજે આકસ્મિક પહોંચી હતી જ્યાં ગોડાઉન વેપારી ગોડાઉનની ચાવી લઈને આવું છું તેમ કહી ભાગી ગયો હતો. જે બાદ વિભાગ દ્વારા ગોડાઉનને સીલ કરી દેવાયું હતું. અને રાત્રે દોઢ વાગે ફૂડ વિભાગના આંતરિક સોર્સની મદદથી જલારામ એન્ટરપ્રાઇઝના માલિક પ્રકાશ કાનાબારને ગોડાઉન પર લવાયો હતો.

જ્યાં બંધ ગોડાઉનનું સીલ ખોલી દેવાયા બાદ અંદરથી લાયસન્સ વગરની નકલી અમૂલ ઘીની ફેક્ટરી ઝડપાઈ હતી. ફેક્ટરીમાં અમુલ ઘી 15 કિલોગ્રામના ભરેલા છ ડબ્બા મળી આવ્યા હતા. રેડ દરમિયાન અમુલના બોક્સ, લેબલ, એગમાર્ક માર્કા સહીતનો મોટો જથ્થો જોવા મળ્યો હતો. જે બાદ ફૂડ વિભાગની ટીમે અમુલ ગ્રુપને આ બાબતની જાણ કરી હતી.

નકલી ઘીના અત્યાર સુધી અંબાજી,છાપીમાં બે કેસ નોંધાયા
બનાસકાંઠા જિલ્લામાં નકલી ઘીના કિસ્સા અવારનવાર સામે આવે છે જોકે સૌથી વધુ ઘી અમૂલ બ્રાન્ડનું ખવાય છે. અગાઉ જિલ્લામાં જુદા જુદા અમુલ બ્રાન્ડના નકલી ઘીના બે કિસ્સા સામે આવ્યા હતા જેમાં છાપી નજીક ખાનગી ગાડીમાં અમુલ ઘી ના ડબ્બા જઈ રહ્યા હતા.

જેમાં હિતેશ મોદીની સંડોવણી ખુલી હતી અને છાપી પોલીસમાં ગુનો નોંધાયો હતો. જ્યારે બીજો કિસ્સો અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા દરમિયાન બન્યો હતો. અહીં અમુલનું અમદાવાદની એજન્સી દ્વારા નકલી માલ સપ્લાય કરાયો હતો જેમાં સપ્લાયરની આત્મહત્યા થઈ હોવાનું બાદમાં તપાસમાં ખુલ્યું હતું.

ઈસમો વિરુદ્ધ કરવામાં આવી કાર્યવાહી
કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યનાં નાગરિકો ને સલામત અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટીબદ્ધ છે અને રાજ્યમાં ભેળસેળ યુક્ત કે ડુપ્લીકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરૂદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે.