સૌરાષ્ટ્રના ખેડૂતો શેરડીમાંથી જાતે જ બનાવી રહ્યા છે ડ્રાયફ્રુટ ગોળ; નફો પણ ‘વધારે ગળ્યો’

Dry fruit Jaggery: તાલાળા તાલુકાના બોરવાવ ગામે એક પ્રગતિશીલ ખેડૂત યુવાને ડ્રાયફ્રુટ ગોળ બનાવ્યો છે. સંપૂર્ણ ઓર્ગેનિક એવા આ ડ્રાયફ્રુટ ગોળની સીઝનમાં ખૂબ માંગ રહે છે. નજીવા નફા સાથે આ ગોળ લોકોને સ્થળ પરથી જ રિટેઈલ વહેંચાણ કરે છે. આ ગોળમાં કાજુ, બદામ, કિસમિસની (Dry fruit Jaggery) સાથે દેશી ઘી પણ ઉમેરવામાં આવે છે. સાથે જ આયુર્વેદિક ઓસડીયા ગોળમાં નાખીને સ્વાસ્થ્યવર્ધક ગોળ તૈયાર કરવામાં આવે છે. આવો સ્વાસ્થ્ય વર્ધક ગોળ અહીંના લોકોમાં ખૂબ જ પ્રિય છે.

આયુર્વેદિક ઓસડીયા ગોળમાં નાખીને સ્વાસ્થ્યવર્ધક ગોળ તૈયાર કરવામાં આવે છે
ગિરનો દેશી ગોળ કેસર કેરી અને કેસરી સિંહ એ ગીરની આન, બાન અને શાન છે. ગીર જંગલ બોર્ડેરની જમીન ઉત્તમ કેસર કેરી અને શેરડી માટે ઉમદા છે. અહીંનું પાણી પણ શેરડી માટે શ્રેષ્ઠ છે. ખાસ કરીને તાલાળા તાલુકાના ગીર બોર્ડેરને અડીને આવેલા બોરવાવ ગામમાં છેલ્લા બે વર્ષથી ખોડિયાર ફાર્મમાં ઉત્તમ પ્રકારનો ડ્રાયફ્રુટ ગોળ એક પ્રગતિશીલ શિક્ષિત યુવા ખેડૂત દ્વારા બનાવવામાં આવે છે.

ડ્રાયફ્રુટ ગોળ બનાવ્યો
પોતાના ગોળ ઉત્પાદન કેન્દ્રમાં ગિરનો શ્રેષ્ઠ દેશી ગોળ આ યુવાન બનાવે છે. જે માત્ર પ્રાકૃતિક પદ્ધતિ વડે ઉત્પાદિત કરવામાં આવે છે. આજથી પાંચેક વર્ષ પહેલાં આ યુવાન સંજયભાઈને ગોળને વિશેષ સ્વાસ્થ્યવર્ધક બનાવવાની ઈચ્છા થઈ હતી. તેમણે અભ્યાસ કર્યો અને નિષ્ણાંતોનું માર્ગદર્શન મેળવીને ડ્રાયફ્રુટ ગોળ બનાવ્યો હતો.

સ્નાયુઓ અને હાડકા મજબૂત બને છે.
શુદ્ધ દેશી ગોળમાં આમ પણ કેલ્શિયમ, આયન અને ફોસ્ફરસ જેવા તત્વો રહેલા હોય છે. જેથી સ્નાયુઓ અને હાડકા મજબૂત બને છે. તેમાં વિશેષ ઉમેરો થયો ડ્રાયફ્રુટ અને આયુર્વેદિક ઓસડીયા. કાજુ, બદામ, કિસમિસ, કેસર, દેશી ઘી અને સૂંઠ સાથે અન્ય આયુર્વેદિક ઓસડીયા પ્રમાણસર મેળવીને ઉત્તમ કક્ષાનો ગોળ બનાવવામાં આવ્યો.

આ ગોળની કિંમત 150થી વધુના ભાવે વેચાય છે
સામાન્ય પ્રાકૃતિક ગોળ પ્રતિ એક કિલોનો ભાવ રૂપિયા 50થી 55 છે જ્યારે આ પ્રાકૃતિક ડ્રાયફ્રુટ ગોળ એક કિલોનો ભાવ 120 રૂપિયા જેટલો છે. જયારે બજારમાં આ ગોળની કિંમત 150થી વધુના ભાવે વેચાય છે અને આ ગોળ ફ્રીઝમાં એક વર્ષ અને ફ્રીઝની બહાર 3 મહિના સારો રહે છે.

ડ્રાયફ્રુટ ગોળની માંગમાં વધારો
ગીરના બોરવાવ ખાતે બનતા ડ્રાયફ્રુટ ગોળની વર્તમાન સમયમાં સારી એવી માંગ છે. લોકો અહીં રાબડા પરથી જ ખરીદી કરવા આવે છે. જરૂરિયાત મુજબનો ડ્રાયફ્રુટ ગોળ લઈ જાય છે. આ ગોળ બાળકોથી લઈને યુવાનો અને વડીલોના સ્વાસ્થ્ય માટે પણ ઉમદા ગણવામાં આવે છે. 120 રૂપિયાનો એક કિલો ડ્રાયફ્રુટ ગોળ દરેકને પોષાય તેવી કિંમતે છે. ખાસ કરીને આ ગોળ પ્રાકૃતિક રીતે બનાવવામાં આવે છે. ઉમદા શેરડીમાંથી ગોળ બનાવવામાં આવે છે.

આ ગોળમાં અન્ય કોઈ કેમિકલ નાખવામાં આવતું નથી
શેરડીના રસમાં માત્ર ચુનો અને ભીંડી નામની વનસ્પતિ નાખીને રસ સાફ કરી ગોળ બનાવવામાં આવે છે. અન્ય કોઈ કેમિકલ નાખવામાં આવતું નથી. ડ્રાયફ્રુટ ગોળ બનાવવા માટે ચાસણી પણ ખૂબ ટાઈટ ઉતારવી પડે છે.એટલેકે શેરડીના રસને ખૂબ બાળવો પડે છે, માટે ઉતારો ઘટવાને કારણે ખર્ચ પણ વધે છે. આમ છતાં પણ નજીવા નફે આ શિક્ષિત ખેડૂત પોતાના શોખ અને સ્વાદને લઈને આ પ્રાકૃતિક ડ્રાયફ્રુટ ગોળનું વેચાણ કરે છે.