પાલનપુર-આબુ હાઇવે પર દૂધનું ટેન્કર અને ટ્રેલર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત; 1નું કમકમાટી ભર્યું મોત

Palanpur-Abu Highway Accident: બનાસકાંઠામાં અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે.હજુ ગઈ કાલે અધુરિયા બ્રિજ પાસે એક સ્વિફ્ટ કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી. આ અકસ્માત ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા. ત્યારે આજે ફરી એકવાર પાલનપુર આબુ હાઇવે(Palanpur-Abu Highway Accident) પર અમીરગઢના ચેખલાના પાટિયા પાસે રાત્રી દરમિયાન ટ્રેલર અને દૂધના ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં દૂધના ટેન્કર ચાલાક નું અકસ્માતના કારણે મોત નીપજયું છે.

ટેન્કરનો આગળના ભાગનો કુરચો
આજે એક કાળમુખા અકસ્માતે એક વ્યક્તિનો ભોગ લીધો છે. વહેલી સવારે પાલનપુર આબુ હાઇવે ઉપર અમીરગઢના ચેખલા ગામના પાટીયા નજીક એક ટેલરનું પાછળનું ટાયર ફાટી ગયું હતું. જેના કારણે ચાલકે ગાડી રોડ સાઈડમાં ઊભી કરી હતી. જે સમય દરમિયાન એક દૂધનું ટેન્કર સાથે ધડાકાભેર ટક્કર થતા ટેન્કરનો આગળનો ભાગ કુરચો વળી ગયો હતો.

ટેન્કર ચાલકનું ઘટનાસ્થળ પર જ મોત
જે બાદ ટેન્કર ચાલક ટેન્કરમાં ફસાઈ જતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો ચાલકને બહાર નીકળવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જોકે અકસ્માતની જાણ પોલીસને થતા અમીરગઢ પોલીસ તત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી ટેન્કરમાં ફસાયેલા ચાલકને બહાર નીકળવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

જોકે ત્રણથી ચાર કલાકની ભારે જહમત બાદ પોલીસે ટેન્કર ચાલકને બહાર નીકળ્યો હતો પરંતુ ટેન્કર ચાલકનું મોત નીપજ્યું હતું. અકસ્માતના કારણે હાઇવે ઉપર ટ્રાફિકજામ થતા અમીરગઢ પોલીસે ટેલર અને ટેન્કરને બંનેની રોડની સાઈડમાં ખસેડી વાહન વ્યવહાર ખુલ્લો મુકાયો હતો અને અકસ્માતને લઈ આગળની તપાસ હાથ ધરી છે.

ગઈકાલે અકસ્માતમાં 3ના મોત થયાં હતાં
વડગામ તાલુકાના તેનીવાડા નજીક અધુરિયા બ્રિજ પર વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ રણુજા તરફથી આવી રહેલી GJ02 પાર્સિંગની સ્વિફ્ટ કાર ધડાકાભેર બ્રિજના ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી. આ અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, કારના આગળના ભાગના ફૂરચા બોલી ગયા હતા. તથા એરબેગ ખુલી ગઈ હતી, તો પણ ત્રણ લોકોનો જીવ બચી ન શક્યો.